ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરે હાર્દિક પંડ્યા વિશે ગંભીર શંકા વ્યક્ત કરી

મુંબઈ: ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા દિલ્હી કૅપિટલ્સ સામેની રવિવારની મૅચ પહેલાં પ્રભાસ પાટણ જઈને સોમનાથદાદાના દર્શન કરી આવ્યો ત્યાર પછી તે સૌભાગ્યનો અનુભવ કરી રહ્યો છે. તેનો જે રીતે હુરિયો બોલાવવામાં આવતો હતો એનું પ્રમાણ હવે નહીંવત થઈ ગયું છે અને તેના સુકાનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સતત બીજી મૅચ (રવિવારે દિલ્હી સામે અને ગુરુવારે બેન્ગલૂરુ સામે) જીતી છે. હાર્દિકે બૅટિંગમાં પણ ફૉર્મ લગભગ પાછું મેળવી લીધું છે.
જોકે હાર્દિકની બોલિંગ વિશે થોડીઘણી શંકા હતી એમાં વળી ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર સાયમન ડૉલે વ્યક્ત કરેલું મંતવ્ય ભારતીય ટીમ માટે ચિંતા જગાડનારું છે.
હાર્દિકે ગુરુવારે વાનખેડેમાં બેન્ગલૂરુ સામે એક જ ઓવર બોલિંગ કરી જેમાં 13 રન બન્યા હતા. દિલ્હી અને રાજસ્થાન સામેની મૅચમાં તેણે બોલિંગ નહોતી કરી. એ પહેલાં હૈદરાબાદ સામે તેણે ચાર અને ગુજરાત સામે ત્રણ ઓવર બોલિંગ કરી હતી.
સાયમન ડૉલે એવી શંકા વ્યક્ત કરી છે કે હાર્દિક તેની કોઈક પ્રકારની ઈજાની બાબતમાં કંઈક છુપાવી રહ્યો છે.
આ જોતાં હાર્દિક જૂનના ટી-20 વર્લ્ડ કપમાં રમશે કે કેમ એના પર ચર્ચા શરૂ થઈ છે. સાયમન ડૉલને શંકા છે કે આઇપીએલ દરમ્યાન હાર્દિકને ઈજા થઈ છે અને એટલે જ તે દરેક મૅચમાં બોલિંગ નથી કરતો અને કરે છે તો ક્વોટા પૂરો નથી કરતો.
હાર્દિક પગની ઘૂંટીની ઈજાને લીધે ઑક્ટોબર, 2023થી ફેબ્રુઆરી, 2024 સુધી નહોતો રમ્યો. એ અરસામાં તેણે ઘણી ઇન્ટરનૅશનલ તેમ જ ડોમેસ્ટિક મૅચો ગુમાવી હતી.