મધ્ય રેલવેની હાર્બર લાઈનના પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો, કારણ
મુંબઈ: મધ્ય રેલવેના હાર્બર લાઇનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. આ લાઇનમાં ઊરણ સુધી લોકલ સેવાને શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં અનેક મોટા પ્રોજેક્ટ્સને લીધે હાર્બર લાઇન રેલવેમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ જરુરી સર્વિસ નહીં વધતા પ્રવાસીઓને ટ્રેનોમાં અવરજવર કરવામાં હાલાકી વધી રહી છે.
એક અહેવાલ મુજબ હાર્બર લાઇનના પનવેલ સ્ટેશન પર દિવસના લગભગ અઢી લાખ કરતાં વધુ પ્રવાસીઓ મુસાફરી કરે છે તેમ જ અન્ય સ્ટેશનો પર પણ એક લાખ કરતાં વધુ પ્રવાસીઓ મુસાફરી કરે છે. જોકે પ્રવાસીઓની સંખ્યામાં વધારાની સાથે લોકલની ટ્રેન સેવામાં વધારો થયો નથી, જેને લીધે પ્રવાસીઓમાં નારાજગી છે. ફાસ્ટ કોરિડોરની સાથે એસી લોકલની સુવિધાથી વંચિત રહેતા હોવાથી વધતા પ્રવાસીઓની સંખ્યાને કારણે હાલાકી વધી છે.
હાર્બર લાઇનનું પનવેલ સૌથી મહત્ત્વનું સ્ટેશન બન્યું છે. પનવેલથી 8.6 કિલોમીટર દૂર એરપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પનવેલ અને તેની આસપાસના વિસ્તારમાં અનેક પ્રકલ્પો નિર્માણ થવાને લીધે પનવેલથી મુંબઈ જતી લોકલ ટ્રેનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Passengers Attention Please: મધ્ય રેલવેના આ મહત્ત્વના સ્ટેશન પર થવા જઈ રહ્યો છે મહત્ત્વનો ફેરફાર…
ગયા વર્ષના આંકડા મુજબ પનવેલ સ્ટેશનથી રોજે 2.45 લાખ જેટલા પ્રવાસી પ્રવાસ કરતાં હતા. આ આંકડા 2024માં વધીને અઢી લાખ કરતાં વધુ થઈ ગયા છે, જેથી 17 હજાર જેટલા પ્રવાસી વધ્યા હતા.
પનવેલ સાથે ઐરોલી, માનખુર્દ, સીબીડી બેલાપુર, વડાલા રોડ અને ગોવંડી જેવા સ્ટેશન પરથી રોજે એક લાખ કરતાં પ્રવાસીઓ મુસાફરી કરે છે. આ રેલવે લાઇનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે પણ ટ્રેનની સેવામાં વધારો નહીં કરવામાં આવતા પ્રવાસીઓની નારાજગીમાં વધારો થયો છે.
હાર્બર લાઇનમાં માત્ર સિંગલ સ્લો લાઈન હોવાને કારણે ફાસ્ટ લોકલની સેવા દોડાવવામાં આવતી નથી તેમ જ માર્ગમાં એસી ટ્રેનનું પરીક્ષણ કરવાં આવ્યું હતું પણ પ્રવાસીઓના નબળા પ્રતિસાદને લીધે એસી ટ્રેન રદ કરવામાં આવી હતી. જોકે હવે આ માર્ગમાં ફરી એસી લોકલ શરૂ કરવાની માગણી કરવામાં આવી રહી છે.