33 વર્ષ પહેલા 35 ગામના કાગળો બળીને ખાખ થઇ ગયા હતા આ એક વ્યક્તિએ બદલી ગામની જિંદગી…
કન્નૌજ: આપણામાં એક કહેવત છે કે ડૂબતો માણસ તણખલું પણ પકડે…જ્યારે આપણું સર્વસ્વ દાવ પર લાગેલું હોય ત્યારે પથ્થર એટલા દેવ અને પગથિયા એટલા મંદિર કરીએ. જ્યારે તમે તમારા અસ્તિત્વને શોધો ત્યારે તમે કોઇ પણને પૂછો કે હવે હું આગળ શું કરું તેવી જ કંઇક હાલત થઇ હતી કન્નૌજના 35 ગામડાના લોકોની તેમના જીવનમાં કેવા અણધાર્યા વળાંક આવ્યા અને તેમની વહારે કોણ આવ્યું..
કાગળના કેટલાક ટુકડા જીવનમાં શું મહત્વ ધરાવે છે? કન્નૌજના 35 ગામડાઓના માલિકીના મહત્વના કાગળો જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં વર્ષ 1990માં ભીષણ આગ લાગી જેમાં તમામ ગામના લોકોના દસ્તાવેજ બળીને રાખ થઈ ગયો હતો. અન્ય વસ્તુઓની સાથે તેમાં જમીન સંબંધિત દસ્તાવેજો પણ હતા. હવે આ પેપરો પરત કેવી રીતે મેળવવા એ એક મોટો પ્રશ્ર્ન હતો. ત્યારે પેપરો પરત મેળવવા માટે આટલા વર્ષો સુધી કેવો કેવો સંઘર્ષ કર્યો અને કેવી રીતે સફળતા મળી છે. ગામ લોકો તેનો શ્રેય કેમ કન્નૌજના જિલ્લા મેજિસ્ટ્રેટ આપે છે?
કન્નૌજના નંદલાલપુર સહિત કુલ 35 ગામોના લોકોના જમીનના રેકોર્ડ એક ભીષણ આગમાં બળીને રાખ થઈ ગયા. જેના કારણે ગામને છેલ્લા 33 વર્ષથી કોઈ સત્તાવાર સહાય પણ મળતી નહોતી. કાગળના અભાવે આર્થિક જરૂરિયાત સમયે બેંક લોન પણ મળતી ન હતી. જ્યારે કન્નૌજના ડીએમ શુભ્રાંત કુમાર શુક્લાને આ મામલાની જાણ થઈ ત્યારે કોઇ પણ રીતે આનું નિરાકરણ લાવવાનું નક્કી કર્યું. જમીનનો સર્વે હાથ ધરીને દરેકની માલિકીના નવા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. સતત આઠ મહિનાની મહેનત બાદ ગયા અઠવાડિયે ડીએમએ નંદલાલપુર ગામના 212 ખેડૂતોને મહેસૂલના કાગળો આપ્યા હતા. તેમજ બાકીના 34 ગામોમાં સર્વેની કામગીરી ચાલી રહી છે.
કાગળો મળતા જ ખેડૂતો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. કારણકે હવે આ ગામને સરકારની ખેતી વિષયક યોજનાઓનો લાભ મળી શકશે. તેમજ જમીનના દસ્તાવેજો હોવાને કારણે જમીન અને ખેતી અંગેના વિવાદો પણ ઓછા થશે. અને વારસો પણ સરળતાથી મળી શકશે.
જિલ્લા મેજિસ્ટ્રેટ શુભ્રાંત કુમાર શુક્લાએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા ખૂબજ જટીલ હતી પરંતુ ખેડૂતો માટે આ જમીને તેમની માતા સમાન હતી કારણકે આ જમીનો ના કોરણે જ એમનું ઘર ચાલતું હતું ત્યારે કોઇ પણ સંજોગોમાં જમીનોના દસ્તાવેજ બનાવવા જરૂરી હતા.
એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ પહેલા અમે દરેક ઓફિસોમાં ગયા અને મળી શકાય એવા દરેક નેતાઓને મળ્યા અને આજીજી કરી પરંતુ કોઇ જવાબ જ નહોતું આપતું. પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટ શુભ્રાંત કુમાર શુક્લાએ અમારા સુધી સરકારને પહોંચાડી અને અમારા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવ્યા હવે બાકીના 34 ગામો પણ ભાગ્ય પરિવર્તનની રાહ જોઈ રહ્યા છે તેમનું પણ શક્ય તેટલું જલ્દી નિરાકરણ આવે.
ગામના એક વડીલે કહ્યું કે કેટલી સરકારો આવી અને ગઈ. કેટલાય અધિકારીઓ આવ્યા અને ગયા. પરંતુ અમારી સમસ્યાની કોઈએ કાળજી લીધી નથી. હાલના ડીએમ અને તેમની ટીમની મહેનતના કારણે જ આ કાર્ય સફળ થયું. જમીન હોવા છતાં અમે જમીન વિહોણા હતા પરંતુ માત્ર એક વ્યક્તિની શરૂઆતએ ઘણું બધું બદલી નાખ્યું છે.