ફૂટબૉલની ચૅમ્પિયન્સ લીગમાં આવતા અઠવાડિયે સેમિ ફાઇનલિસ્ટો નક્કી થઈ જશે
પૅરિસ/મૅડ્રિડ: યુરોપની સૌથી લોકપ્રિય ફૂટબૉલ ચૅમ્પિયન્સ લીગમાં લીગ રાઉન્ડની એક એકથી ચડિયાતી રોમાંચક મૅચો બાદ નૉકઆઉટ તબક્કો ચાલી રહ્યો છે અને એમાં ક્વૉર્ટર ફાઇનલ મુકાબલામાં જે આઠ ટીમ વચ્ચે જોરદાર રસાકસી થઈ રહી છે એમાંથી આવતા અઠવાડિયે ચાર ટીમ શૉટ-લિસ્ટમાં આવી જશે.
આ ટૂર્નામેન્ટમાં ક્વૉર્ટર ફાઇનલ બે તબક્કાની હોય છે. પ્રથમ તબક્કાની મૅચો રમાઈ ચૂકી છે અને એમાં આર્સેનલ તથા બાયર્ન મ્યુનિકની મૅચ 2-2થી ડ્રૉમાં ગઈ છે, જ્યારે ઍટ્લેટિકો મૅડ્રિડે બોરુસિયા ડૉર્ટમન્ડની ટીમને 2-1થી હરાવી છે. રિયલ મૅડ્રિડ અને મૅન્ચેસ્ટર સિટીની મૅચ 3-3થી ડ્રૉમાં ગઈ છે, પરંતુ પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) સામે બાર્સેલોનાનો 3-2થી વિજય થયો છે.
આપણ વાંચો: જેસન હોલ્ડરે કહ્યું, ‘ક્રિકેટ થોડા સમયમાં ફૂટબૉલના માર્ગે જતી રહેશે’
હવે ક્વૉર્ટર ફાઇનલના બીજા તબક્કામાં જે પરિણામ આવશે એને તેમ જ પ્રથમ તબક્કાના પરિણામની ઍવરેજ કાઢીને વિજેતા ટીમ નક્કી થશે જે સેમિ ફાઇનલમાં પહોંચશે.
મંગળવાર, 16મી એપ્રિલે ઍટ્લેટિકો-ડોર્ટમન્ડ વચ્ચે ક્વૉર્ટર ફાઇનલનો બીજો તબક્કો રમાશે અને એ જ દિવસે પીએસજી તથા બાર્સેલોના વચ્ચે પણ જંગ થશે. બુધવાર, 17મી એપ્રિલે આર્સેનલ-બાયર્નની અને રિયલ મૅડ્રિડ-મૅન્ચેસ્ટર સિટીની બીજી ક્વૉર્ટર ફાઇનલ રમાશે અને એમાં જીતનારી બે ટીમ સેમિમાં પહોંચશે.
સેમિ ફાઇનલ પણ બે તબક્કામાં રમાશે. પ્રત્યેક સેમિમાં બે મુકાબલા થશે અને સરેરાશ પરથી વિજેતા નક્કી થશે જે ફાઇનલમાં પહોંચશે. સેમિ ફાઇનલ મુકાબલા આ પ્રમાણે નિર્ધારિત છે: પ્રથમ તબક્કો, 30 એપ્રિલ/1 મે અને બીજો તબક્કો, 7/8 મે.
ફાઇનલ પહેલી જૂને લંડનના વેમ્બ્લી સ્ટેડિયમમાં રમાશે.
બાયર્ન મ્યુનિકનો બ્રિટિશ ખેલાડી હૅરી કેન આ વખતની ચૅમ્પિયન્સ લીગ ટૂર્નામેન્ટમાં ટૉપ ગોલ-સ્કોરર છે. તેણે સાત ગોલ કર્યા છે. મૅન્ચેસ્ટર સિટીનો એર્લિંગ હાલાન્ડ તેમ જ ઍટ્લેટિકો મૅડ્રિડનો ઍન્ટોઇન ગ્રીઝમૅન અને પીએસજીનો કીલિયાન ઍમ્બપ્પે છ-છ ગોલ સાથે બીજા સ્થાને છે.
મૅન્ચેસ્ટર યુનાઇટેડની જાણીતી ટીમ આ સ્પર્ધાની બહાર થઈ ચૂકી છે.