યાત્રીગણ કૃપયા ધ્યાન દે! દાદર સે રવાના હોનેવાલી લોકલ અબ પરેલ સે રવાના હોગી…
મુંબઇ: લોકલ ટ્રેનએ મુંબઈગરા માટે લાઈફલાઈન છે અને આવી આ લોકલ ટ્રેનને લઈને એક મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે. આ અપડેટ મધ્ય રેલવે પર પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે ખૂબ જ મહત્વની છે. મધ્ય રેલવેના દાદર સ્ટેશન પર પ્લેટફોર્મના એક્સ્ટેન્શનનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી પ્લેટફોર્મ નંબર 2 બે દિવસ બાદ એટલે કે 15મી સપ્ટેમ્બરથી બંધ કરવામાં આવશે. પરિણામ સ્વરૂપ બે નંબર પ્લેટફોર્મ પરથી રવાના થનારી દાદર લોકલ દાદરને બદલે પરેલથી રવાના કરવામાં આવશે, એવી માહિતી રેલવે અધિકારીઓએ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે દાદર સ્ટેશન એ મુંબઇમાં લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે ખૂબ જ મહત્વનું સ્ટેશન છે. આ રેલવે સ્ટેશન પર કાયમ ભીડ જોવા મળે છે. ભીડમાં થનારી હેરાનગતિથી બચવા મુસાફરો દાદરથી રવાના થતી સ્લો લોકલમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે. પણ હવે આ જ દાદર સ્લો લોકલને દાદરને બદલે પરેલથી શરૂ કરવામાં આવનાર હોવાથી પ્રવાસીઓને કનડગતનો સામનો કરવો પડી શકે છે.
પ્લેટફોર્મના આ વિસ્તરણનું કામ અંદાજે બે મહિના ચાલવાનું હોવાની માહિતી રેલવેના સુત્રો દ્વારા આપવામાં આવી હતી. આ કામ માટે અંદાજે એક કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ કામ અંતર્ગત 1 નંબરનો પ્લેટફોર્મ 10.5 મીટરથી વધુ મોટો કરવામાં આવનાર છે. ઉપરાંત આ પ્લેટફોર્મ પર મુસાફરો માટે એસ્કેલેટર પર બનાવવામાં આવનાર છે. તેથી આ કામ પૂર્ણ થયા બાદ મુસાફરોનો પ્રવાસ ઘણો આરામદાયક થશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.
જોકે, જ્યાં સુધી આ કામ પૂરું નહીં થાય ત્યાં સુધી મુંબઇગરાને થોડી તકલીફ વેઠવી પડશે. આ કામની અસર પ્લેટફોર્મ નંબર બે પર આવનારી અને જનારી એવી કુલ 22 લોકલ પર પડશે. આ લોકલ હવે દાદાર સ્ટેશન પરથી નહીં પણ પરેલ સ્ટેશન પરથી ઉપડશે. આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ દાદર લોકલ હવે પરેલથી રવાના કરવામાં આવશે, એવું અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું.