કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી, લોકોને ગરમીમાંથી રાહત, ખેડૂતો ચિંતિત
અમદાવાદ: ગુજરાતમાં હાલ આકરી ગરમી પડી રહી છે, લૂ લાગવાના બનાવોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે લોકોને ગરમીમાંથી રાહત મળે એવા સમાચાર છે, હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પાડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ(Western disturbance)ને કારણે 13 થી 15 એપ્રિલ એટલે કે આગામી ત્રણ દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે.
વરસાદને કારણે લોકો ગરમીમાંથી રાહત મળશે એવી આશા રાખી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ખાસ કરીની કેરી સીઝન વખતે જ વરસાદ પડે તો ખેડૂતોને ભારે નુકશાન પહોંચે તેવી શક્યતા છે.
આજે રાજ્યમાં દાહોદ તથા બનાસકાંઠાના અંબાજીમાં વરસાદ પડ્યો હતો. દાહોદના ઝાલોદમાં વરસાદ સાથે કરા વરસ્યા હતા. છોટાઉદેપુર જીલ્લાના મોટા રામપુરા ગામમાં વીજળી પડતા એક યુવતીનું મોત નિપજ્યાના પણ અહેવાલ છે.
ALSO READ : ગુજરાત પર તોળાઈ રહ્યું છે માવઠાનું સંકટ, 10 અને 11 એપ્રિલે આ જિલ્લાઓમાં થશે કમોસમી વરસાદ
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, કચ્છ, ગીર સોમનાથમાં 13 એપ્રિલે વરસાદ પાડવાની શક્યતા છે. 14મી એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના છે. ત્યાર બાદ 15 એપ્રિલે સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદમાં વરસાદની સંભાવના છે.
વાતવરણ બદલાત રાજ્યમાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે. ગુરુવારે રાજકોટ 42 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું, રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે તાપમાનમાં ઘટાડો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં છે.