આખરે એ રહસ્ય પરથી પડદો ઉંચકી જ લીધો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ…

જલગાંવ: મહારાષ્ટ્રનું રાજકારણ છેલ્લાં કેટલાક મહિનાઓથી ડહોળાયેલું છે અને દરરોજ આક્ષેપો-પ્રતિઆક્ષેપોનું રાજકારણ ખેલાઈ રહ્યું છે. હવે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર જાહેરસભા દરમિયાન આકરા પ્રહારો કર્યા હતા. હાલમાં જ સંપન્ન થયેલી જી-20ની બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકની મુલાકાતનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. હવે આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે શું વાત થઈ એ વાત પરથી મુખ્ય પ્રધાને પડદો ઉઠાવ્યો હતો.
ખુદ શિંદેએ પણ આ ફોટો શેર કર્યો હતો અને એના પર પ્રતિક્રિયા આપતા ઉદ્વવ ઠાકરેએ કહ્યું હતું કે બંને એકબીજા સાથે શું વાત કરી રહ્યા હશે? કઈ ભાષામાં વાત કરતાં હશે? કે ખાલી દેખાડા ખાતર ફોટો પડાવી લીધો એટલે વિષય પૂરો થઈ ગયો? હવે સીએમ એકનાથ શિંદેએ ઠાકરેની આ ટિપ્પણી પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
મહારાષ્ટ્રના જળગાંવના પચોરા તાલુકમાં એક સભાને સંબોધન કરતી વખતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે બ્રિટનના પીએમ ઋષિ સુનક અને મારી વચ્ચે થયેલાં સંવાદ આજે હું તમને બધાને જણાવવા માંગુ છું. ઋષિ સુનક મને પૂછી રહ્યા હતા કે UT કેમ છે? તેમનો આ સવાલ સાંભળીને મેં કહ્યું કે તમે કેમ UT વિશે પૂછી રહ્યા છો તો તેમણે કહ્યું કે UT દર વર્ષે હવાફેર કરવા માટે લંડન આવે છે. વેકેશન માણે છે અને પ્રોપર્ટી ખરીદે છે.
પોતાના ભાષણમાં આગળ મુખ્ય પ્રધાને એવું પણ જણાવ્યું હતું કે ભારતીય મૂળના હોવા છતાં બ્રિટનના પીએમ બનનારા ઋષિ સુનકને મળીને મને આનંદ થયો. મને ગર્વ છે એમના ઉપર અને મેં એમના વખાણ પણ કર્યા હતા. મારા રાજકીય હરીફો ઈર્ષાને કારણે મન ફાવે એવા નિવેદનો આપી રહ્યા છે. મારું મોઢું બંધ છે તો બંધ રહેવા દો. મને ઉશ્કેરવાનું રહેવા દો, કારણ કે હું બોલીશ તો તમારે કાઢા પીવાનો વારો આવી જશે. એવી એવી વાતો સામે આવશે કે જે સાંભળીને તમારા પેટનો હાજમો બગડી જશે, એવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.