નવી દિલ્હી: એપ્રિલ મહિનો શરૂ થતાની સાથે જ દેશમાં આકરી ગરમી પડી રહી છે. દેશના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સે. ઉપાર નોંધાઈ રહ્યું છે. એવામાં હવામાન વિભાગ(IMD) દ્વારા આવનારા દિવસોમાં હીટવેવ(Heatwave)ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ ગઈ કાલે ગુરુવારે હીટવેવ સામે તૈયારીઓની સમીક્ષા કરવા બેઠક યોજી હતી.
વડા પ્રધાને કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તરે સરકારના તમામ અંગો સાથે સંકલન કરવા નિર્દેશ કર્યો હતો. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે આવશ્યક દવાઓ, પ્રવાહી, આઈસ પેક, ORS અને પીવાના પાણીની ઉપલબ્ધતાના સંદર્ભમાં આરોગ્ય ક્ષેત્રની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં વડાપ્રધાનના અગ્ર સચિવ, ગૃહ સચિવ, ભારતીય હવામાન વિભાગ (IMD) અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. ભારતના હવામાન વિભાગે તાજેતરમાં કહ્યું હતું કે એપ્રિલથી જૂનના સમયગાળા દરમિયાન ભારતમાં કાળઝાળ ગરમી પડવાની સંભાવના છે. મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના ભાગોમાં તેની સૌથી વધુ અસર થવાની સંભાવના છે.
વડા પ્રધાનએ બેઠકમાં ખાસ કરીને પ્રાદેશિક ભાષાઓમાં જાગરૂક માટેની માહિતીના પ્રસાર માટે ટેલિવિઝન, રેડિયો અને સોશિયલ મીડિયા જેવા તમામ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર ભર મુક્યો હતો.
ભારત હવામાન વિભાગ (IMD) ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય હવામાનશાસ્ત્રીઓએ હવામાનની આગાહીને વધુ સચોટ બનાવવા માટે AI અને ‘મશીન લર્નિંગ’નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આગામી વર્ષોમાં, વિકસતી તકનીકો જેવી કે ‘ન્યુમેરિકલ વેધર પ્રિડિક્શન મોડલ્સ’નો પણ ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે હવામાન વિભાગ પંચાયત સ્તરે અથવા 10 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં હવામાનની આગાહી કરવા માટે નિરીક્ષણ પ્રણાલીનો વિસ્તાર કરી રહ્યું છે.
બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન વધીને 39.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ વર્ષે શહેરમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. બુધવારે દિલ્હીનું મહત્તમ તાપમાન સિઝનની સરેરાશ કરતાં ચાર ડિગ્રી વધુ હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું. ગુરુવારે પણ દિલ્હીમાં તાપમાન સ્થિર રહ્યું હતું.