ટીનમાં સ્ટોકિસ્ટોની અવિરત લેવાલીએ વધુ ₹ ૬૬નો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તાજેતરમાં વૈશ્ર્વિક બજારમાં કોપરમાં એકતરફી તેજીનું વલણ રહ્યું હોવાથી વાયદામાં સટ્ટાકીય પ્રવૃત્તિઓ ડામવા માટે શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જે ગઈકાલે કોપરનાં વાયદામાં ઈન્ટ્રા ડે ધોરણે આજથી (ગુરુવારથી) અમલી બને તેમ ૨૮૦૦ લોટની મર્યાદા મૂકી હોવાથી આજે વિશ્ર્વ બજારમાં કોપરનાં ભાવમાં વધ્યા મથાળેથી નરમાઈનું વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિકમાં કોપરની ચોક્કસ વેરાઈટીઓ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબના ભાવમાં કિલોદીઠ રૂ. એકથી છ સુધીનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ટીનમાં સ્ટોકિસ્ટોની અવિરત આક્રમક લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં વધુ કિલોદીઠ રૂ. ૬૬નો ઉછાળો આવ્યો હતો, જ્યારે નિકલમાં સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. બે વધી આવ્યા હતા. તેમ જ અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તથા માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. છ ઘટીને રૂ. ૮૩૭, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને રૂ. ૭૧૨, કોપર કેબલ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૭૯૮ અને રૂ. ૨૪૫ તથા કોપર સ્ક્રેપ હેવી અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૭૮૭ અને રૂ. ૨૩૧ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઍલૉય ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ વધુ કિલોદીઠ રૂ. ૬૬ ઉછળીને રૂ. ૩૧૨૯ના મથાળે રહ્યા હતા, જ્યારે છૂટીછવાઈ વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. બેના સાધારણ સુધારા સાથે રૂ. ૧૫૬૦ના મથાળે રહ્યા હતા. આ સિવાય કોપરની અન્ય વેરાઈટીઓ, બ્રાસ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.