વેપાર

શેરબજાર પર તોળાતું કરેકશન અમૃતકાળમાં પ્રવેશ બાદ આગળ શું? નિફ્ટી માટે ૨૩,૦૦૦ના સ્તરે મોટો અવરોધ

કરંટ ટોપિક -નિલેશ વાઘેલા

મુંબઈ: સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી જ વાર ૭૫,૦૦૦ પોઇન્ટના શિખરે ઝંડો ફરકાવ્યો છે. એકધારી અને ઝડપી તેજીને કારણે રોકાણકારો રાજીના રેડ થઇ ગયા છે. બુધવારે સેન્સેક્સ ૩૫૪.૪૫ પોઈન્ટ્સ અથવા ૦.૪૭ ટકા વધીને ૭૫,૦૩૮.૧૫ પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી પર અને નિફ્ટી ૧૧૧ પોઈન્ટ્સ અથવા ૦.૪૯ ટકા વધીને ૨૨,૭૫૩.૮૦ પોઇન્ટની નવી વિક્રમી સપાટીએ સ્થિર થયો છે. આ એક જ સત્રમાં બીએસઇમાં લિસ્ટેડ તમામ શેરના માર્કેટ કેપિટલમાં રૂ. ૨.૨૭ લાખ કરોડનો ઉમેરો થયો છે.

બજારનો અંડરટોન મજબૂત છે અને અર્થતંત્રના ફંડામેન્ટલ્સ પણ સારા છે. જોકે, નિષ્ણાતો જોકે સાવચેતીનુ વલણ અપનાવવાની સલાહ આપી રહ્યાં છે. કેમના મતે શેરબજારે જે ઝડપથી આગેકૂચ કરી છે, તે જોતાં ગમે ત્યારે કરેકશન ત્રાટકી શકે છે. ઝડપી ઉછાળા બાદ પ્રત્યાઘાતી ઘટાડો બજારના સ્વાસ્થ્ય માટે સારો ગણાય છે, પરંતુ કરેકશન માટેના ઉપરોક્ત તાર્કિક આધાર સાથેના આ કથનને કેટલાક અન્ય પરિબળો પણ સમર્થન આપે છે, જે આગળ જોઇશું.

આપણે આ સ્થળે અગાઉના અંકમાં પ્રકાશિત લેખમાં જણાવાયું જ હતું કે ટૂંકા ગાળામાં તેજી જળવાઇ રહેવાની સંભાવના છે, પરંતુ નિષ્ણાતો અત્યારે રોકાણકારોને સાવધ રહેવાની ચેતવણી આપતાં કહે છે કે જે ઝડપી ગતિએ બેન્ચમાર્કે નવાં વિક્રમી શિખરો સર કર્યા છે તે જોતાં કરેકશન અનિવાર્ય જણાય છે. આ ઉપરાંત ખાસ કરીને અમેરિકા તરફથી મળતા સંકેતમાં એવો સ્પષ્ટ ઇશારો છે કે વિદેશી ફંડોની વેચવાલી અટકવાની નથી.

સેન્સેક્સ પાછલા એક વર્ષમાં લગભગ ૨૫ ટકા વધ્યો છે અને તે ૨૧ એપ્રિલ, ૨૦૨૩ના રોજ બાવન સપ્તાહની ૫૯,૪૧૨.૮૧ પોઇન્ટની નીચી સપાટી સામે ૨૬ ટકાથી વધુ ઊછળ્યો છે. ટ્રેડ એનાલિસ્ટો જણાવે છે કે ચોથી જૂને લોકસભાની ચૂંટણીના પરિણામો આગામી થોડા મહિનાઓ માટે બજારની ગતિના મુખ્ય નિર્ણાયક રહેશે.

આ ઉપરાંત અમેરિકા અને અન્ય મુખ્ય અર્થતંત્રોમાં વ્યાજ દરની સ્થિતિ, ભારતમાં ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો, વિદેશી ભંડોળનો પ્રવાહ અને આર્થિક ફંડામેન્ટલ્સ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર મોટી અસર કરશે. એક રાહતની બાબતમાં સ્કાયમેટે ૨૦૨૪ માટે સારા વરસાદની આગાહી કરી છે.

એક વર્ગ માને છે કે આ ઇલેકશન રેલી છે અને તેથી થોડો સમય સુધી આગળ વધતી રહેશે. જ્યારે એક વર્ગ એવું માને છે કે ઇલેકશન રેલી હોવાને કારણે જ રોકાણકારોએ સંભાળવું જોઇએ, કારણ બજાર ગમે ત્યારે અચાનક ગબડી શકે છે.

હવે આપણે બજારને કરેકશન તરફ દોરી શકે એવા મુખ્ય અને પ્રત્યક્ષ બાહ્ય પરિબળો વિશે વાત કરીએ. અમેરિકામાં ઇન્ફ્લેશનના ડેટા વધુ પડતા મજબૂત આવ્યા હોવાથી વિશ્ર્વબજાર ડહોળાઇ ગયું છે. આજે ગુરુવારે બકરી ઇદ નિમિત્તે સ્થાનિક બજાર બંધ ના હોત તો ભારતીય બજારમાં પણ પીછેહઠ જોવા મળી હોત. અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સમાં માર્ચથી મજબૂત ડેટા જાહેર થતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં જૂનમાં કપાત લાગુ કરે એવી શક્યતાઓ ધૂંધળી બની ગઇ છે.

ફેબ્રુઆરીમાં ૩.૨ ટકાની સપાટીએ પહોંચેલો યુએસ સીપીઆઇ ઇન્ફ્લેશનનો આંક માર્ચમાં ૩.૫ ટકાના સ્તરે પહોંચ્યો છે. આને પરિણામે બુધવારે એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ ૦.૯ ટકા ગબડીને ૫,૧૬૦.૬૪ પોઇન્ટની સપાટીએ, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીઅલ એવરેજ ૧.૧૪ ટકાના કડાકા સાથે ૩૮,૪૬૧.૫૧ પોઇન્ટની સપાટીએ અને નેસ્ડેક કમ્રપોઝિટ ઇન્ડેક્સ ૦.૮ ટકાના મોટા ગાબડા સાથે ૧૬,૧૭૦.૩૬ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.

અમેરિકન શેરબજારોના નકારાત્મક ટ્રેન્ડની અસર આજે ગુરુવારે ભારતીય બજાર પર દેખાઇ શકે છે. એશિયાઇ બજારોમાં ટોકિયોનો નિક્કી-૨૨૫ ઇન્ડેક્સ ૦.૪ ટકા ગબડીને ૩૯,૪૩૨.૬૧ પોઇન્ટની સપાટીએ અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ ૦.૬ ટકા ગબડીને ૧૭,૦૩૭.૮૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. બેંગકોકનો એસઇટી ૦.૫ ટકા અને તાઇવાનનો ટેઇક્સ બેન્ચમાર્ક ૦.૩ ટકા ગબડ્યો હતો.

ફેડરલ રિઝર્વ ઇન્ફ્લેશનમાં વધુ નોંધપાત્ર ઘટાડાની રાહ જોઇ રહી છે. ફેજરલે આ માટે બે ટકાનો લક્ષ્યાંક રાખ્યો છે, તે જોતા લાગે છે વ્યાજદરમાં કપાત જૂનમાં થવાની સંભાવના નથી અને ત્રણને સ્થાને વર્ષમાં બે જ વખત રેટ કટ શક્ય બનશે. આ ઉપરાંત ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો નોંધાયો છે અને સેન્ટિમેન્ટને ખરડી શકે એવા બીજા પરિબળમાં અમેરિકાના ટ્રેઝરી બોન્ડની યિલ્ડમાં ઉછાળો આવ્યો છે.

ઇન્ફ્લેશનના ઊંચા આંક પછી અમેરિકન શેરબજારોમાં થયેલા ધોવાણ બાદ ૧૦ વર્ષના ટ્રેઝરી બિલની યિલ્ડ મંગળવારે ૪.૩૬ ટકા હતી તે ઉછળીને બુધવારે ૪.૫૪ ટકા સુધી પહોંચી ગઇ હતી. જ્યારે બે વર્ષની ઉપજ તો ૪.૭૪ ટકા સામે વધુ તીવ્રતાથી ઉછળીને ૪.૯૭ ટકા સુધી પહોંચી છે. આ જોતા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની વેચવાલી વધુ તીવ્ર બની શકે છે.

ભારતીય શેરબજાર માટે મજબૂત ફંડામેન્ટલ, કોર્પોરેટ ક્ષેત્રના ચોથા કવાર્ટરના મજબૂત પરિણામની સંભાવના અને ઇલેકશનના કરંટ જેવા પરિબળો આધાર આપી શકે છે, પરંતુ એફઆઇઆઇનું વલણ મહત્ત્વની ભૂમિકામાં રહેશે. એક આંકડાકીય મહિતી અનુસાર સેન્સેક્સે ૭૦,૦૦૦થી ૭૫,૦૦૦ સુધી પહોંચવામાં ૮૨ દિવસ લીધા છે. સોમવારે શેરબજારનું માર્કેટ કેપિટલાઇઝેશન ૪૦૦ લાખ કરોડને સ્પર્શી ગયું હતું. સેન્સેક્સે ૭૦,૦૦૦થી ૭૫,૦૦૦ પોઇન્ટની ૫,૦૦૦ પોઇન્ટની રેલી ૮૨ દિવસમાં પૂરી કરી હતી, જે અત્યાર સુધીની ચોથી સૌથી ઝડપી તેજી રહી હોવાનું બીએસઇના ડેટા સૂચવે છે.

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી હોવાથી બજારમાં આ ઇલેકશન રેલી હોવાની વાતો પણ સંભળાઇ રહી છે. સેન્સેક્સે ૧૦ વર્ષ પહેલાં ૧૬ મે, ૨૦૧૪ના રોજ ૨૫,૦૦૦ માઇલસ્ટોનને પાર કર્યો હતો, જે દિવસે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. ૨૫,૦૦૦થી ૭૫,૦૦૦ના માઇલસ્ટોનને પાર કરવામાં સેન્સેક્સે દસ વર્ષ કરતા થોડો ઓછો સમય લીધો છે.

જ્યારે સેન્સેક્સને ૩૫,૦૦૦નો માઇલસ્ટોન પાર કરવામાં ચાર વર્ષનો સમય લાગ્યો હતો. ત્રીજી મે, ૨૦૧૯ના રોજ સેન્સેક્સ ૪૦,૦૦૦ના માઇલસ્ટોનને પાર કરી ગયો હતો. ત્યાર બાદ ૪૫,૦૦૦ માર્કથી ૫૦,૦૦૦ સુધી પહોંચવામાં શેરબજારને માત્ર ૩૫ સેશન જ લાગ્યા હતા.

ટોચના ટેક્નિકલ એનાલિસ્ટે બજારની આગામી ચાલ સંદર્ભે કહ્યું હતું કે રેઝિસ્ટન્સ ઝોન ૨૨,૭૦૦-૨૨,૭૫૦ પોઇન્ટની રેન્જમાં છે, જ્યારે સપોર્ટ લેવલ ૨૨,૬૦૦ પોઇન્ટની સપાટીએ છે. તેમના મતે ૨૨,૭૫૦ સુધીની નિર્ણાયક આગેકૂચ ટૂંકા ગાળામાં ૨૩,૦૦૦ તરફ તેજીની ગાડી આગળ વધારી શકે છે. જોકે, ૨૩,૦૦૦ બેન્ચમાર્ક માટે મહત્ત્વની અવરોધક સપાટી છે. બજાર રેન્જ-બાઉન્ડ રહેવાની સંભાવના હોવાથી સ્ટોપ લોસ સાથે ઘટાડે લેવાલી અને યોગ્ય ઉછાળે વેચવાલીની વ્યૂહરચના અપનાવવી હિતાવહ સાબિત થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button