મેટિની

દરેકને હસાવનાર રાજેન્દ્રનાથના દુ:ખભર્યા, ન સાંભળેલા કિસ્સાઓ

વિશેષ -કૈલાસ સિંહ

રાજેન્દ્રનાથ, જેઓ તેમના એક ફિલ્મી પાત્ર પોપટ લાલના નામથી વધુ પ્રખ્યાત થયા હતા. પોતાના ૪૦ વર્ષના લાંબા ફિલ્મી કરિયરમાં લગભગ ૩૦૦ ફિલ્મોમાં લોકોને ખૂબ હસાવ્યા. કોમેડિયન તરીકે જોની વોકર અને મેહમૂદ જેવા પ્રસ્થાપિત હાસ્ય કલાકારોના જમાનામાં તેમણે પોતાની જાતને સ્થાપિત કર્યા, પરંતુ તેનું અંગત જીવન એટલું દુ:ખી હતું કે તેના મોટા ભાઈએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો, એક જૂનું સ્કૂટર સાથે હતું, પરંતુ જ્યારે પોતાનું પેટ ભરવાના પૈસા ન હતા તેમાં પેટ્રોલ ક્યાંથી ભરાવત?

દસ વર્ષ સુધી ફિલ્મોમાં પ્રભાવી ભૂમિકાઓ માટે સંઘર્ષ કરતા રહ્યા. જ્યારે બોલીવૂડમાં સ્થાયી થવા લાગ્યા ત્યાં એક અકસ્માત થયો અને કામ મળવાનું બંધ થઈ ગયું.

પોતાની મૂડી અને લોન લઈ ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું, જેનું શૂટિંગ દસ દિવસમાં જ બંધ થઈ ગયું. એક એક પૈસા માટે લાચાર થઈ ગયા. ખૂબ જ મુશ્કેલીથી દેવું ચૂકવ્યું, ફિલ્મો અને લોકોથી દૂર થઈ ગયા અને આ ગુમનામીમાં એક દિવસ તેને હાર્ટ એટેક આવ્યો અને કાયમ માટે આપણાથી છૂટા થઈ ગયા.

રાજેન્દ્રનાથ મલ્હોત્રાનો જન્મ ૮ જૂન ૧૯૩૧ના રોજ બ્રિટિશ ભારતના ઓરછા રજવાડાના ટીકમગઢમાં થયો હતો, જે હાલમાં મધ્ય પ્રદેશમાં છે. તેઓ તેમના આઠ ભાઈઓ અને ચાર બહેનોમાં ત્રીજા હતા અને પ્રખ્યાત અભિનેતા પ્રેમનાથ તેમના મોટા ભાઈ હતા. તેમની બે બહેનો કૃષ્ણા અને ઉમાના લગ્ન ક્રમશ રાજ કપૂર અને પ્રેમ ચોપરા સાથે થયા હતા. રાજ કપૂર સાથેના સગપણ પાછળનું મૂળ કારણ એ હતું કે કપૂર પરિવારની જેમ મલ્હોત્રા પરિવાર પણ કરીમપુરા, પેશાવર (હવે પાકિસ્તાનમાં)નો રહેવાસી હતો. રાજેન્દ્રનાથના પિતા ટીકમગઢમાં ઉચ્ચ અધિકારી હતા.

તેઓ રાજેન્દ્રનાથને ડોક્ટર બનાવવા ઈચ્છતા હતા. તેથી તેમને દરબાર કોલેજ, રીવા ખાતે એડમિશન લેવડાવ્યું હતું, જ્યાં કૉંગ્રેસ નેતા અર્જુન સિંહ તેમના ક્લાસમેટ હતા, પરંતુ રાજેન્દ્રનાથને અભ્યાસમાં જરા પણ રસ નહોતો. રાજ કપૂરના કારણે બોમ્બે (હાલના મુંબઈ)ની ફિલ્મ સિટીમાં પ્રેમનાથ માટે દરવાજા ખુલી ગયા હતા.

તે બોમ્બેમાં રહેવા લાગ્યા હતા. રાજેન્દ્રનાથ પણ ૧૯૪૯થી બોમ્બેમાં તેમના ભાઈ સાથે રહેવા લાગ્યા. એક કોલેજના વિજ્ઞાન વિભાગમાં પ્રવેશ પણ લીધો, પરંતુ તેમને શિક્ષણમાં ઓછો અને નાટકમાં વધુ રસ હતો, તેથી પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટરનાં કેટલાંક નાટકો જેવા કે પઠાણ અને શકુંતલામાં ગંભીર ભૂમિકાઓ ભજવી હતી.

પૃથ્વી થિયેટરમાં જ રાજેન્દ્રનાથની શમ્મી કપૂર સાથે ગાઢ મિત્રતા થઈ. રાજેન્દ્રનાથને પૃથ્વી થિયેટરમાં કામ તો મળતું હતું, પરંતુ તેઓ તેમના કામ અને કારકિર્દી પ્રત્યે ખૂબ જ બેદરકાર હતા. આ વાત પ્રેમનાથને જરા પણ ગમતી નહોતી, જે તે સમય સુધીમાં
અભિનેત્રી બીના રોય સાથે લગ્ન કરી ઘર વસાવી ચૂક્યા હતા.

એક દિવસ, પ્રેમનાથે ગુસ્સામાં તેના નાના ભાઈ રાજેન્દ્રનાથને તેની બેદરકારીની આદતને કારણે ઘરમાંથી કાઢી મૂક્યો. જોકે પ્રેમનાથે તેમના બીજા ઘરમાં તેમના માટે રહેવાની વ્યવસ્થા કરી રાખી હતી. પરંતુ રોજિંદા ખર્ચની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની ગઈ હતી. તે સમયે કરણ જોહરના પિતા યશ જોહર તેમના રૂમમેટ હતા. એ દિવસોને યાદ કરીને રાજેન્દ્રનાથે એકવાર કહ્યું હતું.‘મારી પાસે જૂનું સ્કૂટર હતું, જેમાં પેટ્રોલ ભરવાના પૈસા પણ નહોતા. ખોરાક માટે મિત્રોનો સહારો હતો. પણ આવું ક્યાં સુધી ચાલશે? આ પ્રશ્ર્ન હંમેશાં મારા મનમાં રહેતો. મારે મારી કરિયર પ્રત્યે ગંભીર બનવું હતું. મારા ભાઈએ જે પણ કર્યું તે મારા સારા માટે જ કર્યું.

પોતાની કારકિર્દી અંગે ગંભીર હોવા છતાં રાજેન્દ્રનાથને કોઈ ખાસ ભૂમિકાઓ નહોતી મળી રહી. એકસ્ટ્રા ટાઈપની નાની નાની ભૂમિકાઓ મળતી, જેમાંથી ખાસ ઓળખ બનાવવી લગભગ અશક્ય હતી. ભાઈને મદદ કરવા માટે પ્રેમનાથે તેમની પીએન પ્રોડક્શન ફિલ્મો શગુફા (૧૯૫૩) અને ગોલકુંડા કા કૈદી (૧૯૫૪) માં રોલ તો અવશ્ય આપ્યો, પરંતુ આ બંને ફિલ્મો ફ્લોપ રહી.

આ સંઘર્ષમાં દસ વર્ષ વીતી ગયા. પછી હમ સબ ચોર હૈમાં રાજેન્દ્રનાથને પહેલીવાર કોમેડી કરવાની તક મળી. આ ફિલ્મ દ્વારા લોકોનું થોડું ધ્યાન તેમના તરફ ખેંચાયું. આ ફિલ્મથી તેમને, ‘દિલ દેકે દેખો’ (૧૯૫૯)માં રોલ મળ્યો અને જબરદસ્ત કોમિક ટાઇમિંગ અને સ્ટાઈલથી તેમણે ફિલ્મ નિર્માતાઓને પ્રભાવિત કર્યા. આ ફિલ્મથી રાજેન્દ્રનાથની કારકિર્દી શરૂ થઈ. આ પછી, ૧૯૬૧માં ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’માં પોપટ લાલની ભૂમિકા ભજવીને, રાજેન્દ્રનાથ ૬૦ અને ૭૦ના દાયકાના શ્રેષ્ઠ હાસ્ય કલાકારોની યાદીમાં સામેલ થયા.

૧૯૭૨ સુધી તેમની કારકિર્દી ચરમસીમાએ રહી. આ સમય દરમિયાન તેણે એક ફિલ્મ (હમરાહી)માં વિલનની ભૂમિકા પણ ભજવી અને તેણે પ્રથમ નેપાળી ફિલ્મ ‘મૈતીઘર’માં પણ કામ કર્યું.
રાજેન્દ્રનાથે ભારત અને વિદેશમાં સ્ટેજ શોમાં તેમજ ટીવી સિરિયલોમાં પોપટ લાલની ભૂમિકા સારી રીતે ભજવી. રાજેન્દ્રનાથની કારકિર્દી સારી રીતે ચાલી રહી હતી, ૧૯૬૯માં ગુલશન કૃપાલાની સાથે લગ્ન કર્યા બાદ તેમનું અંગત જીવન પણ સુખી હતું, પરંતુ થોડા સમય પછી એક ગંભીર કાર અકસ્માતે તેમની દુનિયાને બરબાદ કરી દીધી. ચાર વર્ષ સુધી ખરાબ તબિયતના કારણે તે
ફિલ્મોથી દૂર રહ્યો. આ પછી તેણે તેની કારકિર્દીને પુનર્જીવિતત કરવાનું શરૂ કર્યું, પરંતુ તે અસફળ રહ્યો.

રણધીર કપૂર અને નીતુ સિંહ સાથે ‘ગ્રેટ ક્રશર’ નામની ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો, દસ દિવસના શૂટિંગ પછી ફિલ્મ ઠપ થઈ ગઈ અને રાજેન્દ્રનાથ દેવામાં ડૂબી ગયા.

નેવુંના દાયકામાં પ્રેમનાથે તેમને કેટલીક ફિલ્મો અપાવી, ટીવીમાં પણ કામ મળ્યું, પરંતુ વાત પહેલા જેવી છાપ ન છોડી શક્યા. પછી પ્રેમનાથ અને તેમના બીજા ભાઈ નરેન્દ્રનાથના મૃત્યુએ તેમને સંપૂર્ણપણે એકલા કરી દીધા. તેણે એક્ટિંગ છોડી દીધી, ફિલ્મી જગતના લોકોને મળવાનું બંધ કરી દીધું અને ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૮ના રોજ મુંબઈમાં હૃદયરોગના હુમલાથી તેનું અવસાન થઇ ગયું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button