વિનોદ ખન્ના-શત્રુઘ્ન સિંહા રાજકારણમાં પણ સફળ
અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળમાં ફિલ્મ સ્ટાર્સને મહત્ત્વના ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી. બિગ બીને રાજકારણ માફક ન આવ્યું
હેન્રી શાસ્ત્રી
અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, શત્રુઘ્ન સિન્હા, ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, ગોવિંદા વગેરે ફિલ્મસ્ટારનું ગ્લેમર તેમને રાજકારણમાં લાવવામાં નિમિત્ત બન્યું હતું. નહેરુ પરિવાર અને ખાસ તો રાજીવ ગાંધી સાથેની નિકટતા મિસ્ટર બચ્ચનને ૧૯૮૪માં રાજકારણમાં ઘસડી લાવી. જોકે, ત્રણ વર્ષમાં જ વિવાદોથી ઘેરાયેલા બિગ બી તોબા પોકારી ગયા અને ૧૯૮૭માં રાજકારણને રામરામ કરી દીધા. એક સંભવિત લાંબી ઈનિંગ્સ બહુ વહેલી સમેટાઈ ગઈ. ૧૯૯૬માં મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન અને બીજી કેટલીક કોશિશને સરિયામ નિષ્ફળતા મળી અને મિસ્ટર બચ્ચનની અવસ્થા દેવાળિયા જેવી થઈ ગઈ. એ સમયે અમરસિંહ અને સમાજવાદી પક્ષ તેમની વહારે આવ્યો હતો અને બિગ બી પક્ષના બિગ સાઉન્ડ બની ગયા હતા. જોકે, સમયાંતરે મિસ્ટર બચ્ચનના અમરસિંહ સાથેના સંબંધોમાં પણ ખટાશ આવી ગઈ. અલબત્ત ૧૯૮૭ પછી તેમણે ક્યારેય રાજકીય નિવેદન નથી આપ્યું અને ૨૦૧૪માં શ્રી નરેન્દ્ર મોદીના કહેવાથી ગુજરાત ટૂરિઝમ માટે પ્રચાર કર્યો, પણ રાજનીતિથી છેટું રાખીને. હા, ક્યારેક એવી પતંગ ચગતી રહે છે કે શ્રી અમિતાભ બચ્ચન ભારતના રાષ્ટ્રપતિ બનશે પણ આ વાતમાં તથ્ય કરતા તરંગ જ વધુ હોય એવું અત્યાર સુધી લાગ્યું છે.
રાજેશ ખન્નાની રાજકીય કારકિર્દી તેમના ‘આનંદ’ના ડાયલોગ’બાબુ મોશાય, ઝિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં’ના ભાવાર્થથી એકદમ વિપરીત રહી. ૧૯૯૧ની લાલકૃષ્ણ અડવાણી સામે કૉંગ્રેસના ઉમેદવાર રાજેશ ખન્નાની લડાઈ ખાસ્સી ગાજી, પણ હાર – જીતના સિલસિલા પછી મિસ્ટર ખન્ના ફરી ચૂંટણીના મેદાનમાં નજરે ન પડ્યા. ભારતીય જનતા પક્ષ લોકપ્રિય નહોતો ત્યારે વિનોદ ખન્ના ૧૯૯૭માં ભાજપમાં જોડાયા હતા. પહેલા રાજ્યસભામાં અને ત્યારબાદ લોકસભામાં સંસદ સભ્ય બન્યા હતા. તેમના મતવિસ્તાર ગુરદાસપુર માટે તેઓ ખૂબ સક્રિય રહ્યા હતા. અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે મિસ્ટર ખન્નાની કામગીરીથી એટલા ખુશ થયા હતા કે સાંસ્કૃતિક અને પ્રવાસન ખાતાના પ્રધાન પદ પરથી તેમને ખસેડી વધુ મહત્ત્વ ધરાવતા વિદેશ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન બનાવ્યા હતા. મથુરાની સીટ પર હેમા માલિનીની ઉમેદવારીમાં વિનોદ ખન્નાનો મોટો ફાળો છે. લાલકૃષ્ણ અડવાણી બે ઠેકાણેથી ચૂંટણી જીત્યા હોવાથી દિલ્હીની બેઠક તેમણે છોડી દીધી. કૉંગ્રેસના રાજેશ ખન્નાએ ભાજપના શત્રુઘ્ન સિંહાને પરાસ્ત કર્યા હતા. અલબત્ત ૧૯૭૦ – ૮૦ના એક્ટરોના ફાલમાં અન્ય ફિલ્મ સ્ટારની સરખામણીમાં શત્રુઘ્ન સિંહાને રાજકારણ વધુ ફાવ્યું છે. ૧૯૯૧ની ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણી બે બેઠક પર વિજયી થતા તેમણે દિલ્હીની બેઠક છોડી અને એ બેઠક પર કૉંગ્રેસના રાજેશ ખન્ના અને ભાજપના શત્રુઘ્ન સિંહા વચ્ચે મુકાબલો થયો હતો.
આ ચૂંટણી મિસ્ટર ખન્ના ૨૮૦૦૦ મતના તફાવતથી જીત્યા ખરા પણ બંને વચ્ચેના સંબંધો વણસી ગયા. ‘તું મારી સામે ચૂંટણીમાં ઊભો જ કઈ રીતે રહી શકે?’ એવો સુપરસ્ટારે શોટગન સિન્હાને કહ્યું અને પછી રાજેશ ખન્ના કાયમ માટે ખામોશ થઈ ગયા. તેમણે શત્રુઘ્ન સાથે અબોલા લઈ લીધા જેનો અફસોસ કાયમ મિસ્ટર સિંહાને રહ્યો. ૧૯૯૬ પછી સક્રિય રાજકારણમાંથી રાજેશ ખન્નાનો રસ ઓછો થઈ ગયો અને શત્રુઘ્ન સિંહા વધુ સક્રિય થયા. વાજપેયીના પ્રધાનમંડળમાં બે ખાતા (આરોગ્ય + કુટુંબ કલ્યાણ અને વહાણવટું) સાંભળનારા ‘ખામોશ’ સિંહા ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા અને આજની તારીખમાં મમતા બેનર્જીની તૃણમૂલ કૉંગ્રેસમાં સ્થિર થયા છે. પછાત રાજ્યનું લેબલ ધરાવતા બિહારના ઘણા પ્રશ્ર્નોને વાચા આપનારા મિસ્ટર સિંહાને આ વખતે પશ્ર્ચિમ બંગાળની આસનસોલ બેઠક પર ઉમેદવારી મળી છે. (સંપૂર્ણ)
રોનાલ્ડ રેગન અને ઈવાન પેરોન
ફિલ્મ સ્ટાર્સના ગ્લેમરનો ઉપયોગ રાજકારણમાં કરવાની વૃત્તિ વિદેશમાં પણ જોવા મળી છે. ઘણા ઉદાહરણ છે પણ આપણે માત્ર બે જાણીતા અને નોંધપાત્ર વ્યક્તિની જ વાત કરીએ. વૈશ્ર્વિક રાજકારણમાં યુએસએના પ્રેસિડેન્ટનો હોદ્દો સર્વોચ્ચ માનવામાં આવે છે. યુએસના ૪૦મા પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગન હોલીવૂડ ફિલ્મ સ્ટાર હતા. તેમણે ફિલ્મોમાં તેમ જ ટેલિવિઝન પર એક્ટિંગ કરી હતી. ૧૯૩૮થી ૧૯૫૭ના ૨૦ વર્ષ દરમિયાન રેગન ફિલ્મોમાં ખાસ્સા વ્યસ્ત હતા. ફીચર ફિલ્મ કરવા ઉપરાંત તેમણે અનેક શોર્ટ ફિલ્મ પણ કરી હતી. જોકે, ફિલ્મ કરતા પ્રેસિડેન્ટ તરીકે તેમણે વધુ લોકપ્રિયતા મેળવી હતી. ૧૯૮૧થી ૧૯૮૯ સુધી બે ટર્મ માટે રેગને પ્રમુખ પદ સંભાળ્યું હતું. હોદ્દા પર હતા એ દરમિયાન રેગન ઘણા સક્રિય રહ્યા હતા. ઉત્સાહજનક વાત એ હતી કે પ્રેસિડેન્ટ બન્યા પછી રેગનએ હોલીવૂડની ગ્લેમરસ લાઇફસ્ટાઇલ ચાલુ રાખવાને બદલે દેશની જનતાના વિકાસને પ્રાધાન્ય આપ્યું અને ‘રેગનોમિક્સ’ તરીકે ઓળખાયેલા અર્થવ્યવસ્થા વિકસાવી હતી. અલબત્ત અમુક બાબત તેમની ટીકા સુધ્ધાં થઈ હતી, પણ તાત્પર્ય એટલું કે અભિનેતાનું આવરણ ઉતારી રાજકારણી તરીકે યથાશક્તિ યોગદાન આપ્યું. જો બાઈડન પહેલા યુએસએના પ્રેસિડેન્ટનું પદ સંભાળનારા ડોનલ્ડ ટ્રમ્પ હોલિવૂડમાં સેક્સ સિમ્બોલ તરીકે પંકાયેલી અભિનેત્રી બો ડેરેકની Ghosts Can’t Do It ફિલ્મમાં નજરે પડ્યા હતા. અલબત્ત તેમણે કોઈ પાત્ર સાકાર નહોતું કર્યું, ડોનલ્ડ ટ્રમ્પ તરીકે જ નજરે પડ્યા હતા. આ યાદીમાં હાલ કારમી આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા લેટિન અમેરિકન દેશ આર્જેન્ટિનાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જુઆન પેરોનના પત્ની ઈવા પેરોનનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. વિદેશમાં દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન મહાશયનાં પત્ની ફર્સ્ટ લેડી તરીકે ઓળખાય છે. જનતા ફર્સ્ટ લેડીની ગતિવિધિઓ પર પણ બિલોરી કાચથી નજર રાખતી હોય છે. પ્રિન્સેસ ડાયેના, જેકવેલીન કેનેડી વગેરે એના નામચીન
ઉદાહરણ છે.
જોકે, ડાયેના કે જેકવેલિનને ફિલ્મ દુનિયા સાથે કોઈ સીધો નાતો નહોતો, જ્યારે શ્રીમતી પેરોન પ્રેસિડેન્ટના પત્ની બનવા પૂર્વે બી ગ્રેડની ફિલ્મોના હિરોઈન તરીકે જાણીતા હતા. જોકે, સર્વોચ્ચ રાજકારણીના પત્ની બન્યા પછી તેમની ગ્લેમરસ ઈમેજ ધીરે ધીરે વિસરાઈ ગઈ અને રાષ્ટ્રીય સ્તરે પ્રેરણા બની ગયા જેનું મુખ્ય કારણ એ હતું કે તેમનો ઉછેર ગ્રામીણ વિસ્તારમાં આર્થિક સંકડામણ ધરાવતા પરિવારમાં થયો હતો. સામાન્ય પરિવારની ક્ધયા દેશના પ્રેસિડેન્ટની પત્ની બની શકે છે એ વાત પોરસ ચડાવનાર હતી. મિસ્ટર પેરોનના શાસનકાળમાં શ્રીમતી પેરોને મજૂર વર્ગના હક માટે ઘણું કામ કર્યું. આર્જેન્ટિનામાં ઝુંબેશ ચલાવી મહિલાઓને મતાધિકાર અપાવ્યો. દેશની પ્રથમ વ્યાપક સ્તરના મહિલાઓના રાજકીય પક્ષની સ્થાપના પણ તેમણે કરી હતી. ટૂંકમાં રેગન અને ઇવા પેરોન એવા બે સશક્ત ઉદાહરણ છે જેમણે ફિલ્મની દુનિયા છોડી રાજકારણમાં દીપી ઉઠે એવું યોગદાન આપ્યું છે.