બોલો, આરટીઓમાં બનાવટી દસ્તાવેજોને આધારે ૧૦૦થી વધુ વાહનોનું થયું રજિસ્ટ્રેશન
મુંબઈ: દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઇ ગયા છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હેઠળના ટ્રાન્સપોર્ટ વિભાગમાં એક નવો ગોટાળો પ્રકાશમાં આવ્યો છે. અન્ય રાજ્યમાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) લઇને અંધેરી આરટીઓમાં ૧૦૦થી પણ વધુ બસ અને અન્ય વાહનોનું બનાવટી દસ્તાવેજોને આધારે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ પૈકી મોટા ભાગના વાહનોના મૂળ દસ્તાવેજો ગુમ થઇ ગયા હોઇ વાહનોનાં રજિસ્ટ્રેશન માટે વપરાશમાં લેવામાં આવતાં વાહનો આ કોમ્પ્યુટર સિસ્ટમમાં સુદ્ધાં ઉપલબ્ધ નથી, એવું જાણવા મળ્યું હતું.
આ અગાઉ વાશી આરટીઓએ અમુક બનાવટી દસ્તાવેજોને આધારે રજિસ્ટ્રેશન થયેલી પાંચ-છ બસને પકડીને સાનપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ વસઈ આરટીઓમાં અન્ય રાજ્યમાંથી આવેલી અંદાજે ૬૦ બસ અને ટ્રકનાં બોગસ રજિસ્ટ્રેશન થયાં હોવાનું ટ્રાન્સપોર્ટ વિભાગે કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું. આ પ્રકરણમાં વિરાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ બંને પ્રકરણમાં પોલીસ તપાસ કરી રહી હોઇ આ પ્રકરણમાં હજી સુધી કોઇ નક્કર કાર્યવાહી થાય એ પહેલાં તો અંધેરી આરટીઓમાં મોટો ગોટાળો બહાર આવ્યો છે.
અંધેરી આરટીઓમાં અન્ય રાજ્યમાંથી એનઓસી લઇને આવેલી અંદાજે ૧૨૫ બસ અને ટ્રકનાં રજિસ્ટ્રેશન થયાં હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વાહનોનું મહારાષ્ટ્રના અન્ય રાજ્યોમાં પણ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આરટીઓનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર અંધેરી આરટીઓમાં કામ કરનારા પ્યૂનને આરટીઓ અધિકારીએ કારણદર્શાવો નોટિસ આપી છે અને તેનો જવાબ નોંધાયા બાદ તેના પર કાર્યવાહી થવાની શક્યતા છે. બીજી બાજુ આ ઓફિસમાં એક પ્યૂને ૮૦થી વધુ વાહનોનાં રજિસ્ટ્રેશન બનાવટી પદ્ધતિથી કર્યા હોવાનું આરટીઓ પ્રશાસનની તપાસમાં બહાર આવ્યું હતું.