પુણેની ઈન્સ્ટિટયૂટમાં ‘લોકશાહી’ના બેનરની તોડફોડ, તપાસનો આદેશ
પુણે: લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પ્રક્રિયા અંગે જાગરૂકતા ફેલાવવા અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગીદારીને પ્રોત્સાહન આપવાના આશય સાથે પુણેની કોલેજના પરિસરમાં લગાવવામાં આવેલા ‘લોકશાહી દીવાલ’ બેનરને કેટલાક બદમાશો દ્વારા “તોડફોડ” કરવામાં આવ્યા બાદ આ પ્રકરણમાં શહેર સ્થિત સંશોધન સંસ્થાએ તપાસ શરૂ કરી હોવાનું સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું.
પુણેની ડેક્કન જીમખાના પરિસરમાં આવેલી ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સમાં બુધવારે (10 એપ્રિલ) સાંજે આ ઘટના ધ્યાનમાં આવી હોવાની જાણકારી અધિકારીઓએ આપી હતી.
ગ્રેફિટી સ્પ્રે પેઈન્ટનો ઉપયોગ કરી બદમાશોએ બેનર પર ડાઘાડૂઘી કરી બગાડી નાખવાની કોશિશ કરી બેનર પર લખેલો અંગ્રેજી શબ્દ ‘ડેમોક્રસી’ (લોકશાહી) પર ચોકડી મારી ‘નોટા 2024’ અને ‘ઈન્કલાબ ઝિંદાબાદ’ શબ્દો લખ્યા હતા.
ચૂંટણી પ્રક્રિયામાં જનતાને સહભાગી બનાવવા તેમજ જાગરૂકતા ફેલાવવા ભારતના ચૂંટણી પંચ અને મહારાષ્ટ્ર સરકારના નેજા હેઠળ વાઇબ્રન્ટ ઇલેક્ટોરલ લિટરસી ક્લબની સ્થાપના કરવામાં આવી હોવાની જાણકારી સંસ્થાએ આપી હતી. નવી ડેમોક્રસી વોલ તૈયાર કરવામાં આવી રહી છે એવો ખુલાસો પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો.