…તો શરદ પવાર પણ મહાયુતિમાં સામેલ થયા હોત: અજિત પવાર જૂથના નેતાનો દાવો
મુંબઈ: લોકસભાની ચૂંટણી બારણે છે ત્યારે પણ દિગ્ગજ નેતાઓ એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જઇ રહ્યા છે અને એવા ટાણે અજિત પવાર જૂથના નેતા પ્રફુલ્લ પટેલે મોટો ખુલાસો કર્યો છે. અજિત પવાર ‘મહાયુતિ’માં સહભાગી થયા ત્યારબાદ શરદ પવાર પણ ભાજપ સાથે આવવા માટે લગભગ તૈયાર હોવાનું પટેલે કહ્યું હતું.
તેમણે શરદ પવારના મહાયુતિમાં પ્રવેશ અંગે જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાંથી અજિત પવાર મહાયુતિની સરકારમાં આવ્યા ત્યારબાદ શરદ પવાર ભાજપ સાથે આવવા માટે 50 ટકા તૈયાર થઇ ગયા હતા. એક ઇન્ટરવ્યૂ દરમિયાન પટેલે આ ઘટસ્ફોટ કર્યો હતો.
ALSO READ : NCP (શરદચંદ્ર પવાર)ની ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર
તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે રાજકારણનો પ્રશ્ન હોય ત્યારે અમુક નિર્ણય લેવા પડે છે. બીજી જુલાઇના રોજ અજિત પવાર અને અમારા અમુક નેતાઓએ આ સરકારમાં પ્રધાનપદની શપથ લીધી ત્યાર બાદ 15 અને 16 જુલાઇના રોજ બે વખત અમે મુંબઈમાં શરદ પવારને મળ્યા હતા અને તેમનો આશીર્વાદ લીધો હતો.
એ વખતે અમે તેમને વિનંતી કરી હતી. અમે કહ્યું કે સાહેબ જે થયું તે થયું. તમે અમારી સાથે ન આવવાનો નિર્ણય લીધો છે, પરંતુ અમે વિનંતી કરીએ છીએ કે તમે અમારી સાથે આવી જાવ. કારણ કે અમારી તમારા નેતૃત્વ નીચે કામ કરવું છે. અમારી અને તેમની ચર્ચા શરૂ હતી ત્યારે તે 50 ટકા તૈયાર થઇ ગયા હતા, એમ પટેલે જણાવ્યું હતું.