નેશનલસ્પેશિયલ ફિચર્સ

Indian Railway: ટ્રેક પર હવે કચરો ફેકવો મુશ્કેલ, રેલ્વેએ લીધું મોટું પગલું

મુંબઇઃ રેલવેમાં મુસાફરી કરતા લોકોને ટ્રેક પર કચરો ફેકવાની ખોટી આદત હોય છે. ટ્રેક પર કચરો જમા થતો જાય છે અને ચોમાસા દરમિયાન રેલવે માટે સમસ્યા બની જાય છે રેલવેના નાળાઓમાં કચરો ફસાઈ જાય છે અને પાટા પર પાણી જમા થઇ જાય છે. આ સમસ્યાથી બચવા માટે રેલવે ડઝનબંધ પગલાં લે છે. રેલવે સ્ટેશનો પર અને ટ્રેનમાં જાહેરાત કરીને લોકોને કચરો યોગ્ય જગ્યાએ નાખવા માટે ચેતવવામાં પણ આવે છે, છતાંય ઠેર ના ઠેર જ રહે છે. હવે ફેંકવામાં આવતા કચરાને રોકવા માટે કાયમી ઇલાજ કરવાના મૂડમાં છે. સેન્ટ્રલ રેલ્વે સીએસએમટીથી કલ્યાણ સુધીની હાલની દિવાલ પર વધુ એક પ્રોટેક્શન લગાવવા જઇ રહી છે, જેથી રેલ્વે ટ્રેકની નજીક રહેતા લોકો પાટા પર કચરો ફેંકી ન શકે.

પ્રોટેક્શન લગાવવાની ટ્રાયલ વિક્રોલી સ્ટેશન પાસે થઈ છે. આ પ્રયોગના વધુ સારા પરિણામો મળ્યા બાદ, મધ્ય રેલવે પ્રશાસને સમગ્ર રૂટ પર ટફન મોલ્ડિંગ કમ્પોઝિટ (TMC) લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એમ જણાવવામાં આવી રહ્યું છે કે TMC લોખંડની ચાદર અથવા સ્ટીલ ફેન્સિંગની તુલનામાં ટકાઉ અને આર્થિક છે. વિક્રોલી નજીક 6ઠ્ઠી લાઇન પાસે રેલવેની દીવાલ પર TMC લગાવવામાં આવ્યું છે.

આ પ્રયોગની સફળતા બાદ રેલ્વે CSMT થી કલ્યાણ સુધીના લગભગ 60 કિલોમીટરના રૂટ પર TMC ફેન્સીંગ લગાવશે. આ માટેનું કામ છ મહિનાની અંદર પૂરું કરવામાં આવશે. ચોમાસા પહેલા પ્રાથમિકતાના આધારે મસ્જિદ, સેન્ડહર્સ્ટ રોડ, કરી રોડ, સાયન, કુર્લા અને ભાંડુપ જેવી કેટલીક ઓળખ કરાયેલી જગ્યાઓ પર TMC ફેન્સીંગ લગાવવાનું કામ કરવામાં આવશે. અહીં પાટા પર કચરો ફેંકવાની સમસ્યા ઘણી વકરેલી છે. લોકોની સામે કાર્યવાહી કરવા છતાં અહીં ટ્રેક પર કચરો ઠલવાય છે. સેન્ટ્રલ રેલવે દ્વારા TMC ફેન્સીંગ માટે 2.72 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ ફેન્સીંગની રીસેલ વેલ્યુ નહિવત હોવાથી ચોરીનું જોખમ પણ નથી.

નોંધનીય છે કે રેલવેએ 2023માં પ્રી મોન્સુન તૈયારીમાં લગભગ 80 હજાર મેટ્રિક ટન કચરો ટ્રેક પરથી એકઠો કર્યો હતો. આ વર્ષે પણ હવે ટૂંક સમયમાં પ્રી મોન્સુન કામગીરી શરૂ કરવામાં આવશે. કચરો ઉપાડવા માટે લગાવવામાં આવેલી ટ્રેનોને સ્વચ્છતા રથ નામ આપવામાં આવ્યું છે. આ ટ્રેન છ કોચની છે. દરેક કોચમાં 60 ટન કચરો સમાવવાની ક્ષમતા છે. જોકે, વેસ્ટ રિસાયક્લિંગ પ્લાન્ટમાં દરરોજ 250 કિલો કચરો રિસાયકલ કરવાની જ ક્ષમતા છે.

લોકોને આશા છે કે TMC ફેન્સીંગ બાદ તેમને પાટી પર પાણી જમા થવામાંથી અને ટ્રેનની કામગીરી ખોરવાવામાંથી છૂટકારો મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button