અહી સનાતન વિરોધી સ્ટાલિન પુત્ર ઉદયનિધિનો કંઇક આવી રીતે કરવામાં આવ્યો વિરોધ
ઇન્દોર (મધ્ય પ્રદેશ) ઃ સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન આપનાર તમિલનાડુના મુખ્ય પ્રધાનના પુત્ર અને મંત્રી ઉદયનિધિ સ્ટાલિનનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી-યુપી, મુંબઈ બાદ હવે મધ્યપ્રદેશમાં ઉદયનિધિ સામે અનોખો વિરોધ થયો છે. અહીં લોકોએ મંદિરની સીડીઓ પર ઉદયનિધિનો ફોટો લગાવ્યો છે, જેના પર ભક્તો પગ મૂકીને આવે છે અને જાય છે.
તાજેતરમાં જ ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી, જેના કારણે સમગ્ર દેશમાં તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા. ઈન્દોરમાં હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તાઓએ ઉદયનિધિ સ્ટાલિન સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે.
હિંદુ જાગરણ મંચના કાર્યકર્તાઓએ તેમના વિસ્તારના એક મંદિરની સીડીઓ પર ઉદયનિધિ સ્ટાલિનની તસવીર ચોંટાડી હતી. હવે મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવતા તમામ ભક્તો પહેલા ઉદયનિધિના ફોટા પર પગ મૂકીને પગ સાફ કરે છે અને પછી મંદિરમાં પ્રવેશ કરે છે.
હિન્દુ જાગરણ મંચ ઈન્દોરના જિલ્લા સંયોજક કનુ મિશ્રાએ કહ્યું હતું કે અમારી ભાવનાઓને ઠેસ પહોંચી છે, તેથી અમે મંદિરના પગથિયાં પર ઉદયનિધિનો ફોટો લગાવ્યો છે. અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ અને આગળ પણ વિરોધ કરીશું. ઉદયનિધિએ પોતાના નિવેદનમાં સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી.
ઉદયનિધિએ કહ્યું હતું કે સનાતનનો માત્ર વિરોધ જ નહીં પરંતુ તેને નાબૂદ કરવો જોઈએ. એજન્સી અનુસાર, ઉદયનિધિએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ‘સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. કેટલીક બાબતોનો વિરોધ કરી શકાતો નથી, તેને નાબૂદ કરી દેવો જોઈએ.
આપણે ડેન્ગ્યુ, મચ્છર, મેલેરિયા કે કોરોનાનો વિરોધ કરી શકતા નથી. આપણે તેને નાબૂદ જ કરીએ છીએ. એ જ રીતે આપણે સનાતનનો પણ નાશ કરવાનો છે. સનાતન સંસ્કૃતનું નામ છે. આ સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. ઉદયનિધિના નિવેદન પર બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ પલટવાર કરતા કહ્યું હતું કે ઉદયનિધિ સ્ટાલિને દેશની 80 ટકા વસ્તીના નરસંહારનું આવાહન કર્યું છે.
અમિત માલવિયાની સોશિયલ મીડિયા પોસ્ટ પછી, ઉદયનિધિ સ્ટાલિને તેમને જવાબ આપતા કહ્યું કે તેણે ક્યારેય સનાતન ધર્મના અનુયાયીઓનો નરસંહાર કરવાનું કહ્યું નથી. જો કે ઉદયનિધિ પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા. તેમણે ફરીથી ભારપૂર્વક કહ્યું હતું કે ‘હું હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો વતી બોલી રહ્યો છું જેઓ સનાતન ધર્મને કારણે પીડાઈ રહ્યા છે.’ ડીએમકેના નેતા ઉદયનિધિએ વધુમાં કહ્યું હતું કે, ‘મારી ટિપ્પણી અંગે હું કોઈપણ કાયદાકીય પડકારનો સામનો કરવા તૈયાર છું. એમકે સ્ટાલિનના નેતૃત્વ હેઠળની ડીએમકે સરકાર સામાજિક ન્યાય જાળવવા અને સમાનતાવાદી સમાજની સ્થાપના માટે સંઘર્ષ કરવાનું ચાલુ રાખશે.