મહિલા પ્રધાન ફિલ્મોમાં વધારે પૈસા ઈન્વેસ્ટ કરવાનું જરુરીઃ ક્રિતી સેનનની અપીલ
મુંબઈ: જાણીતી અભિનેત્રી ક્રિતી સેનન હાલ તેની ફિલ્મ ‘ક્રૂ’ની સફળતાનો આસ્વાદ માણી રહી છે અને ફિલ્મમાં મહિલાઓના પાત્રને દમદાર રીતે દર્શાવવામાં આવ્યું તે બાબતથી પણ તે ખૂબ ખુશ જણાય છે. આ ફિલ્મમાં ક્રિતી ઉપરાંત કરિના કપૂર ખાન અને તબ્બુ પણ છે અને આ ફિલ્મ હાલ સારી કમાણી કરી રહી છે. જેને પગલે ક્રિતી સેનનને લાગી રહ્યું છે ભારતીય સિનેમામા આ પ્રકારની વધુ ફિલ્મો બનાવવી જોઇએ.
મહિલાઓને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બનાવવા વિશે વાત કરતા ક્રિતીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મ નિર્માતાઓએ હવે મહિલા પ્રધાન ફિલ્મોમાં પણ વધુ રોકાણ કરવું જોઇએ. દર્શકોને થિયેટરમાં ખેંચી લાવવા માટે ફિલ્મમાં હિરો હોવો જોઇએ, તેવું જરૂરી નથી. ઘણા લાંબા સમયથી લોકોએ જે રીતે પુરુષ પ્રધાન ફિલ્મોમાં રોકાણ કરવાનું જોખમ લીધુ છે તેવું જોખમ મહિલા પ્રધાન ફિલ્મો બનાવવા માટે નથી લીધુ.
આપણ વાંચો: …’ઈદ’ના દિવસે હવે કોની ફિલ્મો ચાલશે?
ક્રિતીએ આગળ વાત કરતા કહ્યું હતું કે નિર્માતાઓને લાગે છે કે આમ કરવાથી દર્શકો થિયેટરમાં ફિલ્મ જોવા નહીં આવે અને તે કમાણી નહીં કરી શકે. જોકે, હવે સમય બદલાઇ ગયો છે અને લોકોની વિચારસરણી પણ બદલાઇ ગઇ છે.
પોતાની ફિલ્મની સફળતા વિશે વાત કરતા ક્રિતી જણાવે છે કે ‘ક્રૂ’ની સફળતા હિંદી સિનેમામાં એક નવો વળાંક લાવશે. આ એક સારી શરૂઆત છે. હું આગળના સમયમાં ઓછામાં ઓછા એક બદલાવની આશા રાખું છું. લોકોને આવી ફિલ્મોથી ખૂબ ઓછી આશા હોય છે. લોકોને વિશ્ર્વાસ ઓછો હોય છે. વસ્તુઓ બદલાવવા માટે લોકોના વિશ્વાસને મજબૂત કરવાની જરૂર છે. જો તમે ‘ડંકી’ ફિલ્મમાં જેટલુ રોકાણ કરો તેટલું જ રોકાણ મહિલા પ્રધાન પર કરે તો તેને ચોક્કસ સફળતા મળે.