હૂરિયો માત્ર હાર્દિકનો જ નહીં, દિગ્ગજોનો પણ બોલાયો છે
પંડ્યા બ્રધર્સના આ જુનિયરનો જ પ્રેક્ષકોએ હુરિયો બોલાવ્યો એવું નથી, ભૂતકાળમાં સચિન તેમ જ ગાવસકર અને કોહલીનો પણ વિરોધ થઈ ચૂક્યો છે
સ્પોર્ટ્સમેન -સારિમ અન્ના
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ વખતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પહેલી જે ત્રણ મૅચ રમી એમાં હાર્દિક પંડ્યાનો પ્રેક્ષકોએ જબરદસ્ત હુરિયો બોલાવ્યો. એ સારું નથી થયું. કેટલાક દિગ્ગજ ક્રિકેટરોએ લોકોને આવું ન કરવાની અપીલ કરી હતી. અમદાવાદમાં પ્રેક્ષકો માટે હાર્દિક ‘ગદ્દાર’ હતો કારણકે ગુજરાત ટાઇટન્સને તે શિખર પર લઈ ગયો અને પછી એ ટીમને છોડી દીધી એ ઘણા લોકોને નથી ગમ્યું. મુંબઈમાં કેટલાક લોકો તેને ‘બગડેલો દીકરો’ કહે છે અને રોહિત શર્માને ‘પ્રિય પુત્ર’ તરીકે ઓળખાવે છે અને કહે છે કે હાર્દિકે રોહિત પાસેથી કૅપ્ટન્સી છીનવી લીધી.
હાર્દિક પંડ્યા વડોદરાના પંડ્યા બ્રધર્સમાં જુનિયર છે. તે ૩૦ વર્ષનો છે અને તેનો ભાઈ કૃણાલ પંડ્યા ૩૩ વર્ષનો છે.
હાર્દિકને ફ્રૅન્ચાઇઝી ક્રિકેટ કલ્ચર સાથે જોડાયેલી ક્ષત્રિઓ સાથે તથા વધતી જતી અસહિષ્ણુતાના પ્રતીક તરીકે ગણાવવામાં આવ્યો અને એટલે તેનું હૂટિંગ થયું હતું (તેનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો). રવિવારે વાનખેડેમાં ૧૮,૦૦૦ બાળકોની હાજરીમાં દિલ્હી કૅપિટલ્સ સામે રમાયેલી મુંબઈ ઇન્ડિયન્સની મૅચ વખતે હાર્દિકનો કોઈ જ હુરિયો નહોતો બોલાવવામાં આવ્યો અને તેનો વિરોધ પણ નહોતો થયો. સદનસીબે, મુંબઈએ એ દિવસથી આ વખતની ટૂર્નામેન્ટમાં જીતવાનું શરૂ કરી દીધું.
હાર્દિકના કિસ્સાની ચર્ચા થઈ રહી છે ત્યારે ખાસ જણાવવાનું કે ભૂતકાળમાં ઘણા ક્રિકેટરોએ ટીમ બદલી હતી, પરંતુ ત્યારે પ્રેક્ષકોએ એ વિશે લેશમાત્ર પરવા નહોતી કરી. ક્રિસ ગેઇલ આઇપીએલમાં ચાર અલગ અલગ ટીમ વતી રમી ચૂક્યો છે, પરંતુ ક્યારેય ક્યાંય પણ તેનો હુરિયો નહોતો બોલાવવામાં આવ્યો. બીજી રીતે કહીએ તો તેણે હૂટિંગ જેવી સ્થિતિનો સામનો કરવાનો વખત આવ્યો જ નહોતો. હાર્દિક પણ જ્યારે આઠ વર્ષ સુધી મુંબઈ ઇન્ડિયન્સ વતી રમ્યા બાદ ગુજરાત ટાઇટન્સમાં જોડાયો અને ૨૦૨૨માં વાનખેડેમાં ગુજરાત વતી રમવા મેદાન પર ઊતર્યો ત્યારે પ્રેક્ષકોએ કોઈ જ નારાજગી નહોતી બતાવી.
ક્રિકેટમાં આંતર-ફ્રૅન્ચાઇઝી હરીફાઈ હજી સુધી ફૂટબૉલ કે બાસ્કેટબૉલ જેવી નથી જોવા મળી. એ બે રમતોમાં ક્લબ કલ્ચરના ઉતાર-ચઢાવનો લાંબો ઇતિહાસ છે. મુંબઈના ક્રિકેટ ફૅન્સ દ્વારા પોતાના જ કૅપ્ટનનો હુરિયો બોલાવવો બહુ વિચિત્ર લાગી રહ્યું છે. ખાસ કરીને તે મુંબઈ ઇન્ડિયન્સના સુવર્ણ વર્ષોનો અતૂટ હિસ્સો રહી ચૂક્યો હતો એમ છતાં તેની સાથે આવું કરવામાં આવી રહ્યું છે. હાર્દિક એવો દુર્લભ ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર છે જેણે ભૂતકાળમાં પોતાની તાકાત પર ઘણી મૅચો જિતાડી હતી.
વાનખેડેએ તો આનાથી પણ ખરાબ સ્થિતિ જોઈ છે. સચિન તેન્ડુલકર ક્રિકેટ વિશ્ર્વનું પ્રતીક છે એમાં બેમત નથી, પરંતુ તે એવો ખેલાડી છે જેની નફરત થઈ જ ન શકે. જોકે ૨૦૦૬માં ઇંગ્લૅન્ડ સામે જ્યારે તે ૨૧ બૉલમાં ફક્ત એક રન બનાવ્યા બાદ આઉટ થઈ ગયો હતો ત્યારે પ્રેક્ષકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો.
જો તેન્ડુલકરની વિરુદ્ધ અસંતોષનો અવાજ ઉઠતો હોય તો હાર્દિક જેવા હાલ કોઈના પણ થઈ શકે. આમ પણ આજે ટ્રૉલિંગનો જમાનો છે. લોકો પળમાં આસમાન પર પહોંચાડી દે છે અને બીજી ક્ષણે નીચે પટકી દે છે. કોઈ પણ ખેલાડીને હીરોમાંથી ઝીરો બનાવવામાં વાર નથી લાગતી.
તેન્ડુલકરની ઘટનાના બે દશકા પહેલાં કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પ્રેક્ષકોએ ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં સુનીલ ગાવસકર પર સડેલા અને ગળેલા ફળ ફેંક્યા હતા. તેમણે ત્યારે ખૂબ ધીમી બૅટિંગ કરી હતી એ ઉપરાંત તેમને કપિલ દેવની જગ્યાએ કૅપ્ટન બનાવવામાં આવ્યા હતા એ લોકોને નહોતું ગમ્યું. જોકે ત્યારે વિશ્ર્વકપની ચૅમ્પિયન ટીમના ખેલાડી હોવા બદલ ત્યારે તેઓ પ્રેક્ષકો અને ટીવી-દર્શકોના દિલોદિમાગ પર રાજ કરતા હતા. ઇંગ્લૅન્ડ સામેની એ ટેસ્ટ વખતે પ્રેક્ષકોએ ‘નો કપિલ, નો ટેસ્ટ’ના સૂત્રો પોકાર્યા હતા. ગાવસકરે ત્યારે સોગંદ લીધા હતા કે તેઓ ફરી ઈડન ગાર્ડન્સમાં ટેસ્ટ રમવા નહીં આવે. તેઓ પોતાની એ વાત પર અડગ રહ્યા હતા. તેઓ ૧૯૮૭માં પાકિસ્તાન સામેની ટેસ્ટમાં નહોતા રમ્યા.
૨૦૧૩માં વાનખેડેમાં વિરાટ કોહલીનું સ્વાગત પણ ‘ચીટર…ચીટર….’ના સૂત્રથી થયું હતું. કોહલીએ ત્યારે જવાબમાં કહેલું, ‘એ નહીં ભૂલતા કે હું ભારત વતી પણ રમું છું.’
હાર્દિક પણ ભારત વતી રમે છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે આઇપીએલની ૧૭મી સીઝનમાં રાષ્ટ્રીય ભાવનાઓ એક કોર રાખી દેવામાં આવી છે અને અલગ પ્રકારના જ ફૅન્સ ઊભા થયા છે.
આઇપીએલને યુરોપિયન ફૂટબૉલ લીગની રાહે ડેવલપ કરવામાં આવી છે એટલે સંભવ છે કે એના કેટલાક ગુણ અને ગુણદોષ પણ અહીં ગ્રહણ કરવામાં આવે. ફૂટબૉલમાં તો હૂટિંગ સાવ સામાન્ય બાબત બની ગઈ છે. ભાગ્યે જ કોઈ ખેલાડી, માલિક, સરકાર કે જૂથ હૂટિંગથી બચી શકે છે. જો કોઈ પ્લેયર કટ્ટર હરીફ ક્લબની ટીમમાં સામેલ થાય ત્યારે તેનો હુરિયો બોલાવવામાં આવે છે. જોકે જ્યારે કોઈ ખેલાડી પોતાની નવી ક્લબને શરૂઆતમાં જ જિતાડે તો તેને હીરો બનતા વાર નથી લાગતી. એ જ પ્રમાણે, હાર્દિકને પણ મુંબઈ ઇન્ડિયન્સ વતી સારું પર્ફોર્મ કરશે તો તેને પણ ફરી લોકોનો પ્રેમ મળવા લાગશે. કોઈ પણ ગંભીર પરિસ્થિતિને મૅચની જીત કે ટ્રોફી બદલાવી શકે છે. હાર્દિક જો મુંબઈને સારો અંત અપાવશે તો પાછો હીરો બની જશે. જેમ ટી-૨૦ વર્લ્ડ કપમાં ટ્રૉલિંગ થયા બાદ વન-ડેના વિશ્ર્વકપમાં સૌથી વધુ વિકેટ લેવા બદલ મોહમ્મદ શમી હીરો બની ગયો હતો એમ ઇતિહાસમાંથી આપણને આવી ઘણી ઘટનાઓ જાણવા મળી શકે એમ છે. મુંબઈની ક્રિકેટક્રેઝી જનતા એક દશકા સુધી સચિનને ચિયર-અપ કરતી રહી અને હજી પણ તેને પ્રેમ આપી રહી છે. એવું જ કોહલીના કિસ્સામાં પણ છે. ગાવસકર જ્યારે પણ કૉમેન્ટેટરના રૂપમાં ઈડન ગાર્ડન્સમાં પ્રવેશ કરે છે ત્યારે તેમનું તાળીઓથી સ્વાગત થાય છે.