રાજ પાસે ભાજપની શરણાગતિ સિવાય વિકલ્પ નહોતો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીના મુદ્દે જ નહીં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીની બનેલી મહાયુતિના ત્રેખડનો ડખો ઉકેલાતો નથી ત્યાં આ ત્રેખડ ચતુષ્કોણ બની ગયો છે. આ ચતુષ્કોણના ચોથા કોણ તરીકે રાજ ઠાકરેની એન્ટ્રી થઈ છે. રાજ ઠાકરે ગુડી પડવા નિમિત્તે દાદરના શિવાજી પાર્કમાં દર વર્ષે જાહેર સભા કરે છે. આ જાહેર સભામાં રાજ ઠાકરેએ મહાયુતિને બિનશરતી ટેકો જાહેર કરી દીધો. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ત્યારથી મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) ભાજપ-શિવસેના-એનસીપીની બનેલી મહાયુતિમાં જોડાશે એવી અટકળો ચાલી રહી હતી.
રાજ ઠાકરેએ આ અટકળોને સાચી ઠેરવીને મહાયુતિને બિનશરતી ટેકો આપી દીધો. રાજે સાથે સાથે સ્પષ્ટતા પણ કરી છે કે, પોતે લોકસભાની ચૂંટણી નહીં લડે અને પોતાની પાર્ટીએ ભાજપ પાસેથી કોઈ બેઠકની માગણી કરી નથી. આમ પણ ભાજપ લોકસભાની ચૂંટણીમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને એક પણ બેઠક આપવાનો નહોતો તેથી રાજ ઠાકરે પાસે બિનશરતી ટેકો આપવા સિવાય વિકલ્પ નહોતો. રાજના કહેવા પ્રમાણે તો, પોતે લોકસભાની આ ચૂંટણીમાં મહાયુતિને ફક્ત અને ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કારણે બિનશરતી ટેકો આપી રહ્યા છે.
રાજ ઠાકરેનો મોદીપ્રેમ ભારતમાં રાજકારણીઓમાં કોઈ સિધ્ધાંતનિષ્ઠા કે પોતે જે બોલે છે તેની કઈ કિંમત જ નથી તેનો વધુ એક નાદાર નમૂનો છે. બાકી આ જ રાજ ઠાકરેએ નરેન્દ્ર મોદીના માથે માછલાં ધોવામાં કોઈ કસર નહોતી છોડી. આ બહુ જૂની વાતો પણ નથી ને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં તો રાજ ઠાકરે મોદીમુક્ત ભારતની વાતો કરતા હતા. રાજ ઠાકરેએ ૨૦૧૯ની ગુડી પડવાની રેલીમાં મોદીમુક્ત ભારતની હાકલ કરીને મોદીને હટાવવા તમામ રાજકીય પક્ષોને સાથે આવવા અપીલ કરી હતી.
રાજ ઠાકરેએ કહેલું કે, મોદી દેશના નહીં પણ ગુજરાતના વડા પ્રધાન છે કેમ કે નરેન્દ્ર મોદી દરેક વિદેશી મહેમાનને ગુજરાત લઈ જાય છે અને બુલેટ ટ્રેન પણ ગુજરાતને મળવાની છે. રાજ ઠાકરેએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માગે છે. ૧૯૬૦ પહેલાંથી ગુજરાતીઓની મુંબઈ પર નજર હતી. મુંબઈ ગુજરાતને મળે કે પછી કેન્દ્ર શાસિત પ્રદેશ બને પણ મહારાષ્ટ્રને તો ન જ મળે એ માટે કેટલાક ગુજરાતીઓએ કાવતરા કર્યા હતાં. હવે આ કાવતરાને પાર પાડવા માટે મોદી અને શાહની જોડી મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી શકે છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં પુલવામાના આતંકવાદી હુમલાએ ખળભળાટ મચાવેલો. આ હુમલો ચૂંટણી જીતવા માટે મોદીએ જ કરાવેલો એવો આડકતરો આક્ષેપ કરતાં રાજ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પહેલાં પુલવામા જેવો જ બીજો હુમલો થઈ શકે છે. હવે પછીના મહિનામાં પુલવામાની જેમ એક વધુ હુમલો કરાવવામાં આવશે કે જેથી લોકોનું ધ્યાન અસલી મુદ્દાઓથી દૂર કરાવીને દેશભક્તિ તરફ વાળી શકાય. રાજ ઠાકરેએ એમ પણ કહેલું કે, સત્તાધારી ભાજપ અને મોદી સરકાર તમામ મોરચે ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે. મોદી વડા પ્રધાન બન્યા એ પહેલાં પોતાનાં ભાષણોમાં જે પણ વાતો કરતા હતા તેમાંથી તેમણે કશું કર્યું નથી.
હવે એ જ રાજ ઠાકરે મોદી પર ઓળઘોળ છે ને તેમના કારણે પોતે ભાજપને કોઈ અપેક્ષા વિના ટેકો આપી રહ્યા છે. રાજ ઠાકરેનું આ હદે હૃદય પરિવર્તન કઈ રીતે થઈ ગયું એ સવાલ છે. શિવસેના (યુબીટી)ના સંજય રાઉતે તો સવાલ કર્યો છે કે, હવે કઈ ફાઈલ ખૂલવાની છે કે રાજ ઠાકરે ભાજપને ટેકો આપવા તૈયાર થઈ ગયા છે?
આ સવાલનો જવાબ તો રાજ ઠાકરે કે પછી ભાજપ સરકાર જ આપી શકે પણ રાજ ઠાકરે અત્યારે જે સ્થિતિમાં છે એ જોતાં તેમની પાસે ભાજપના પગ પકડવા સિવાય બીજો વિકલ્પ નહોતો. રાજ ઠાકરેએ ૨૦૦૬માં શિવસેનાથી અલગ થઈને પોતાના નવા પક્ષ મહારાષ્ટ્રના નવનિર્માણ સેનાની સ્થાપના કરી હતી. રાજ ઠાકરેની પાર્ટીને ૧૮ વર્ષ થઈ ગયાં પણ આ ૧૮ વર્ષમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કશું ઉકાળી શકી નથી તેથી નામશેષ થઈ ગઈ છે.
રાજ ઠાકરેએ મરાઠી માનુષની વાત કરવાથી માંડીને હિંદુત્વનો રાગ આલાવલા સુધીના જાત જાતના અખતરા કરી જોયા છતાં ૧૮ વર્ષમાં રાજ ઠાકરે પોતાની કોઈ ઓળખ કે મતબૅંક ઊભી કરી શક્યા નથી. તેના કારણે ચૂંટણીમાં મનસે કશું ઉકાળી શકી નથી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો અત્યાર સુધીમાં લોકસભામાં એક પણ ઉમેદવાર ચૂંટાયો નથી. ૨૦૦૯માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પહેલી વાર લડી ત્યારે તેને ૧૩ બેઠકો મળી હતી અને ૨૪ વિધાનસભા મતવિસ્તારમાં રાજ ઠાકરેનો પક્ષ બીજા ક્રમે હતો. આ રીતે રાજનો પ્રભાવ પહેલા જ ધડાકે ૩૭ વિધાનસભા બેઠકો પર વર્તાયેલો. બીજો કોઈ પક્ષ હોય તો પોતાની સ્થિતિ મજબૂત કરીને આગળ વધે પણ રાજ ઠાકરેની મનસેની અધોગતિ થઈ. ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની બેઠકો ઘટીને માત્ર એક થઈ ગઈ હતી.
મનસેએ ૨૦૧૨માં નાસિક મહાનગરપાલિકામાં શાનદાર શરૂઆત કરી હતી. એમએનએસે નાસિક મનપાની ૧૨૨માંથી ૪૦ બેઠકો મળી હતી. ૨૦૧૭માં એમએનએસની બેઠકો ઘટીને પાંચ થઈ ગઈ હતી અને અત્યારે મનસે ક્યાંય ચિત્રમાં જ નથી. ૨૦૧૨માં મુંબઈ મહાનગરપાલિકામાં એમએનએસે ૨૭ બેઠકો જીતી હતી જે ૨૦૧૭માં ઘટીને સાત થઈ ગઈ હતી. આ સાતમાંથી છ કોર્પોરેટરો શિવસેનામાં જોડાઈ જતાં માત્ર એક કોર્પોરેટર બચ્યો હતો.
અત્યારે જે સ્થિતિ છે તેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કશું ઉકાળી શકે તેમ નથી કેમ કે તેની પાસે સંગઠન નથી કે મજબૂત નેતા નથી. રાજ ઠાકરે ઘરે બેસીને બેફામ નિવેદનો ફટકારીને પોતાનું રાજકારણ ચલાવ્યા કરે છે તેના કારણે નેતા અને કાર્યકરો ભાગી રહ્યા છે. પરિણામે થોડાંક વરસોમાં તેનું અસ્તિત્વ જ મટી જાય એવો ખતરો છે.
આ સ્થિતિ પેદા ના થાય એટલે ભાજપની શરણાગતિ સ્વીકારી લીધી. આ શરણાગતિના કારણે આ વરસના ઑક્ટોબર-નવેમ્બરમાં થનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મનસે કદાચ તરી જાય. આ બંને ચૂંટણીમાં ભાજપ સાથે જોડાણ કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ફરી બેઠી થઈ શકે છે.