ગુજરાત વિધાનસભા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇ-વિધાનસભાનું લોકાર્પણ કર્યું, આ મુદ્દે વિવાદ સર્જાયો
આજથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ ખુબ જ ખાસ રહ્યો, સત્રના પહેલા દિવસે જ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગૃહમાં હાજર રહ્યા હતા અને વિધાનસભ્યોને સંબોધિત કર્યા હતા. આ સાથે જ દ્રૌપદી મુર્મુના હસ્તે ઈ-વિધાનસભા એપ લોન્ચ કરવામાં આવી હતી, આ સાથે જ ગુજરાત વિધાનસભા સંપૂર્ણપણે ડિજીટલાઈઝ થઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની આમંત્રણ પત્રિકામાં ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખવામાં આવ્યું હતું. સત્રના પહેલા દિવસે જ વિવાદ સર્જાયો હતો અને અમિત ચાવડા, ચૈતર વસાવા, શૈલેષ પરમારે મુખ્ય પ્રધાન અને રાજ્ય સરકારના પ્રધાનોનું સન્માન કરવાનો ઇનકાર કર્યો હતો.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાડી ભેટમાં આપીને રાષ્ટ્રપતિનું સન્માન કર્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ વિધાનસભા ગૃહને સંબોધિત કર્યું. આ સંબોધનની શરૂઆતમાં જ તેમણે કવિ ઉમાશંકર જોષી રચિત પંક્તિઓ યાદ કરી હતી. મુખ્ય પ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે જ્યારે બે વર્ષ પૂરા કર્યા છે ત્યારે રાષ્ટ્રપતિએ તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા.
રાષ્ટ્રપતિએ વિધાનસભ્યોને સંબોધતા કહ્યું કે ગુજરાતમાં આવવું મારું સૌભાગ્ય છે, આજે ભૂપેન્દ્ર પટેલની સરકારને બે વર્ષ પૂર્ણ થયા છે એટલે તેમને શુભેચ્છા પાઠવું છું. ગુજરાતે ભારતના ભવિષ્યને જોયું છે. મોરારજી દેસાઈએ દેશના વડાપ્રધાન તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી.
રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ પેપરલેસ ગવર્નન્સને પ્રોત્સાહન આપ્યું છે. જેનાથી આજે ગુજરાત વિધાનસભા પેપરલેસ થવા જઈ રહી છે. નરેન્દ્રભાઈ મોદી આ ધરાના જ પુત્ર છે. રાષ્ટ્રપતિ પહેલીવાર ગુજરાત વિધાનસભામાં આવ્યા છે આપણા માટે ગૌરવની વાત છે.
વિધાનસભા ગૃહમાં હાજર મહાનુભાવોનું જયારે સન્માન કરવાની વિધિ ચાલી રહી હતી ત્યારે એ સમયે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને મુખ્ય પ્રધાનનું સન્માન કરવા, કોંગ્રેસના શૈલેષ પરમારને પ્રધાન રૂષિકેષ પટેલના સન્માન માટે તથા વિધાનસભા ઉપાધ્યક્ષનું સન્માન કરવા માટે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે, અમિત ચાવડા, શૈલેષ પરમાર અને ચૈતર વસાવાએ સન્માન કરવાનો ઇન્કાર કરીદીધો હતો.
આજથી ચાલુ થયેલા ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન GST સુધારા બિલ, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા બિલ, પ્રાઈવેટ યુનિવર્સિટી સુધારા બિલ, ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા બિલ, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક બિલ રજૂ થશે.
બીજી તરફ વિપક્ષ રાજ્યના પ્રજાના મહત્વના પ્રશ્નોને વિધાનસભામાં રજૂ કરશે. ખેતી માટે અપાતી વીજળી, પાક વીમો, ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી રોજગાર માટેની માગ, ફિક્સ પગારના કર્મચારીઓના પેન્શનનો મુદ્દો, રાજ્યમાં વધી રહેલી ડ્રગ્સની બદી સહિતના મુદ્દાઓ વિપક્ષ ઉઠાવશે.