કોરિયન ફિલ્મમાં કામ કરનારી સૌપ્રથમ ભારતીય અભિનેત્રીને જાણી લો…
કરિના કપૂરથી લઈને કાજોલથી પણ વધુ ધરાવે છે ફેન એન્ડ ફોલોઅર્સ
મુંબઈ: કોરોનાકાળ દરમિયાન ભારતીય દર્શકોેએ આખા દુનિયાભરના કોન્ટેન્ટને જોવાનું શરૂ કર્યું અને તેમાં પણ ખાસ કરીને કે-ડ્રામા એટલે કે કોરિયન ડ્રામાએ આશ્ચર્યજનક રીતે મોખરાનું સ્થાન લઇ લીધું. જેના કારણે કરોડો ભારતીયો કોરિયન ફિલ્મો અને કોરિયન સિરીયલ જ નહીં, પરંતુ કે-પોપ એટલે કે કોરિયન પોપ સોંગ્સના પણ ઘેલા થયા. જોકે, આ દરમિયાન કોરિયન ફિલ્મોમાં કામ કરનારી ભારતીય અભિનેત્રી વિશે ભારતમાં ઘણા ઓછા લોકો જાણે છે.
અનુષ્કા સેન નામની ફક્ત 21 વર્ષની આ અભિનેત્રી કોરિયન ફિલ્મોમાં અભિનય કરનારી પહેલી ભારતીય અભિનેત્રી બની છે. આ પહેલા કોઇપણ ભારતીય અભિનેત્રીએ કોરિયન ફિલ્મોમાં કામ કર્યું નથી. સૌથી મોટા આશ્ચર્યની વાત તો એ છે કે તેના ચાહકો એટલા બધા છે કે જો અભિનેત્રીઓના ફેન્સની ગણતરી કરીએ તો અનુષ્કા બોલીવૂડ અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે અને તે પણ કાજોલ અને કરીના કપૂર ખાન જેવી દિગ્ગજ અભિનેત્રીઓને. તમારા માન્યમાં નહીં આવે પણ કોરિયામાં અનુષ્કાનો ફેન બેઝ ખૂબ જ વધારે છે. આજના જમાનાની યુવા અભિનેત્રીઓ જાહન્વી કપૂરને પણ તેણે ફેન ફોલોઇંગના મામલામાં પાછળ છોડી દીધી છે.
અનુષ્કા 8 વર્ષની હતી ત્યારથી તેણે કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને ત્યારે પણ તે સારા એવા પૈસા કમાવી લેતી હતી. અનુષ્કા એક ખ્યાતનામ ટીક-ટોકર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ રહી ચૂકી છે. 2009માં ‘યહાં મૈં ઘર ઘર ખેલી’ સિરિયલમાં બાળ કલાકાર તરીકે તેણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
ત્યાર બાદ ‘હમકો હૈ આશા’ નામનું તેનું આલ્બમ સોન્ગ આવ્યું હતું, જેનાથી તેને ખ્યાતી મળી. આ સિવાય અનુષ્કાએ ‘દેવો કે દેવ મહાદેવ’, ‘કોમેડી સર્કસ કે મહાબલી’ અને ‘બાલવીર’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું. જોકે, ‘ઝાંસી કી રાની’માં તેણે ભજવેલી ભૂમિકાએ તેને સ્ટાર બનાવી દીધી અને તે ટીવીની હાઇએસ્ટ પેઇડ ટીનએજ સ્ટાર બની ગઇ.
મળેલી માહિતી મુજબ હાલ અનુષ્કાની નેટ વર્થ 15 કરોડ રૂપિયા છે અને તે એક મહિનામાં પાંચ લાખ કરતાં વધુની કમાણી કરે છે. 21 વર્ષની ઉંમરમાં જ તે કરોડોના લગ્ઝરી ઘરની માલકણ છે, જેમાં તે પોતાના માતા-પિતા સાથે રહે છે. તે એક ઇન્સ્ટાગ્રામ રીલ માટે છથી સાત લાખ રૂપિયા અને એક પોસ્ટ માટે બેથી ત્રણ લાખ રૂપિયાની ફી વસૂલે છે.
તેણએ 2022માં કોરિયન ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને આમ કરનારી તે પહેલી ભારતીય અભિનેત્રી બની હતી. તે ફિલ્મ ‘એશિયા’થી કોરિયન સિનેમામાં ડેબ્યુ કરી રહી છે, જેમાં તે એક ખૂનીની ભૂમિકા ભજવી રહી છે. અનુષ્કાના ઈન્સ્ટાગ્રામ પરના ફોલોઅર્સની સંખ્યા 39 મિલિયનથી વધુ છે, જ્યારે કરિના કપૂર અને કાજોલના ફોલોઅર્સની સંખ્યા તેનાથી અડધી પણ નથી.