મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં સોમવારે મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)એ દિલ્હી કૅપિટલ્સને હરાવીને આ સીઝનમાં જીતવાની શરૂઆત તો કરી દીધી, પણ ગુરુવારે (સાંજે 7.30 વાગ્યાથી) હાર્દિક પંડ્યા ઍન્ડ કંપનીએ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)નો મુકાબલો કરવાનો છે અને એ ટીમમાં અનેક એવા સ્ટાર્સ ખેલાડીઓ છે જેમાંના કેટલાકે આ વખતે ખૂબ સારું પર્ફોર્મ કર્યું હોવાથી એ ફૉર્મ વાનખેડેમાં પણ જાળવી શકે એમ છે. બીજી તરફ, આરસીબીમાં એવા પણ કેટલાક છે જેમણે હજી અસલી પરચો બતાડ્યો નથી એટલે એમઆઇએ કેમેય કરીને તેમને કાબૂમાં રાખવા જ પડશે.
બુધવારની ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની મૅચ પહેલાં વિરાટ કોહલી કુલ 316 રન સાથે આ સીઝનના તમામ બૅટર્સમાં મોખરે હતો અને એકમાત્ર તેના નામે સેન્ચુરી હતી. મુંબઈએ વાનખેડેમાં સૌથી વધુ વિરાટથી ચેતવાનું છે અને તે સસ્તામાં આઉટ થઈ જાય એવી વ્યૂહરચના બનાવવી પડશે. યાદ રહે, આરસીબીની પાંચ મૅચમાં કિંગ કોહલીના સ્કોર્સ આ મુજબના છે: 21, 77, 83, 22 અને 113 બીજી તરફ, હિટમૅન તરીકે જાણીતો રોહિત શર્મા વાનખેડેમાં રાજસ્થાન રૉયલ્સ સામેના ગોલ્ડન ડક (પ્રથમ બૉલમાં આઉટ) બાદ પાછો ફૉર્મમાં આવી ગયો છે અને રવિવારે દિલ્હી સામે તેના 49 રન મુંબઈની ટીમને ખૂબ કામ લાગ્યા હતા. બન્ને હરીફ ઓપનરો (રોહિત અને કોહલી)માંથી કોણ સારું રમશે એ રસાકસી જોવા જેવી હશે. રોહિત મુંબઈનો અને કોહલી બેન્ગલૂરુનો ભૂતપૂર્વ કૅપ્ટન છે. રોહિતને લૉકી ફર્ગ્યુસ, મોહમ્મદ સિરાજ, યશ દયાલ, રીસ ટૉપ્લી કે બીજો કોઈ બોલર ક્ધટ્રોલમાં રાખવા કોશિશ કરશે, જ્યારે કોહલીને ન્યૂ બૉલ બોલર જસપ્રીત બુમરાહ નિશાન બનાવી શકે.
આરસીબીનો કૅપ્ટન ફાફ ડુ પ્લેસી પણ ફૉર્મમાં આવી ગયો છે એટલે તેની અને કોહલીની જોડીને વહેલાસર તોડવા મુંબઈના બોલર્સ કમર કસશે. ગ્લેન મૅક્સવેલ, કૅમેરન ગ્રીન અને રજત પાટીદાર હજી અસલ મિજાજમાં નથી રમ્યા. જોકે બેન્ગલૂરુની ટીમ પાંચમાંથી ચાર મૅચ હારી ચૂકી હોવાથી હવે તેમણે ક્લિક થવું જ પડશે.
મુંબઈના બીજા મુખ્ય બોલર્સમાં ખુદ હાર્દિક પંડ્યા, આકાશ મઢવાલ, પીયૂષ ચાવલા, જેરાલ્ડ કૉએટ્ઝી, કુમાર કાર્તિકેય, ક્વેના મફાકા, મોહમ્મદ નબી, નુવાન થુશારા, શમ્સ મુલાની અને રોમારિયો શેફર્ડ સામેલ છે. અર્જુન તેન્ડુલકરને રમવાની તક મળશે કે કેમ એ જોવું રહ્યું.
સૂર્યકુમાર યાદવ રવિવારે દિલ્હી સામે પોતાના બીજા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો, પણ કમબૅકને તે હવે આરસીબી સામે સફળ બનાવશે કે કેમ એ તેની ફિટનેસ અને બૅટિંગ પ્રૅક્ટિસ પર નિર્ભર છે. મુંબઈની સ્ક્વૉડમાં ઇશાન કિશન, ટિમ ડેવિડ, ડેવાલ્ડ બ્રેવિસ, રોમારિયો શેફર્ડ, તિલક વર્મા ઉપરાંત નમન ધીર અને નેહલ વઢેરાનો પણ સમાવેશ છે.
મુંબઈ અને બેન્ગલૂરુ, બન્ને ટીમ આ સીઝનમાં હજી માત્ર એક-એક મૅચ જીતી હોવાથી તેઓ હવે બીજા વિજયની તલાશમાં છે.
બેન્ગલૂરુનો મુંબઈ સામે છેલ્લી પાંચ મૅચમાં બહુ સારો રેકૉર્ડ છે. પાંચમાંથી ચાર બેન્ગલૂરુ અને એક મુંબઈ જીત્યું છે.
એકંદરે 32 મૅચમાંથી મુંબઈની ટીમ 18 અને બેન્ગલૂરુની ટીમ 14 મૅચ જીતી છે એટલે મુંબઈનો હાથ ઉપર છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને