નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ડીઝલ વાહનો પર જીએસટી વધારવાના સમાચારને નકારી કાઢ્યા છે. તેમણે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે, “હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ડીઝલથી ચાલતા વાહનો પર 10 ટકા વધારાનો GST લાદવાની સરકાર દ્વારા હાલમાં કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. હા, એ વાત સાચી છે કે આપણે 2070 સુધીમાં કાર્બન નેટ શૂન્યનું લક્ષ્ય હાંસલ કરવાનું છે અને ડીઝલ જેવા જોખમી ઇંધણને કારણે થતા વાયુ પ્રદૂષણનું સ્તર ઘટાડવાનું છે તેમજ ઓટોમોબાઇલના વેચાણમાં ઝડપી વૃદ્ધિ માટે સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત વૈકલ્પિક ઇંધણ અપનાવવા પર ભાર મૂકવાનો છે. આ ઇંધણ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પો, સસ્તા, સ્વદેશી અને પ્રદૂષણ મુક્ત હોવા જોઈએ.
તાજેતરમાં જ એવા સમાચાર આવ્યા હતા કે પ્રદૂષણ ઘટાડવા માટે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય ડીઝલ વાહનો પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને આપવા જઈ રહ્યું છે. આ સમાચારમાં ગડકરીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે તેઓ ડીઝલ વાહનો પર 10 ટકા વધારાનો GST લાદવા માટે નાણા મંત્રાલયને પ્રસ્તાવ આપવા જઈ રહ્યા છે.
દેશના કાર ઉત્પાદકો પણ જાણે છે કે દેશમાં ડીઝલ વાહનો ભારે પ્રદૂષણ ફેલાવે છે. ઘણી કંપનીઓએ ડીઝલ કારનું ઉત્પાદન જ બંધ કરી દીધું છે. મારુતિ સુઝુકી ઈન્ડિયા અને હોન્ડા સહિત વિવિધ કાર નિર્માતાઓએ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ડીઝલથી ચાલતી કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે. દેશમાં પહેલાથી જ ડીઝલ કારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઓટોમોબાઈલ પર હાલમાં 28 ટકા GST ઉપરાંત વાહનના પ્રકાર પર આધાર રાખીને એક ટકાથી લઈને 22 ટકા સુધીનો વધારાનો સેસ લાગે છે.