દિલ્હી કોર્ટ મનીષ સિસોદિયાની જામીન અરજી પર 15 એપ્રિલે સુનાવણી કરશે
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ)ના નેતા મનીષ સિસોદિયાની લિકર એક્સાઈઝ નીતિ સંબંધી મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર દિલ્હીની એક કોર્ટ 15મી એપ્રિલે સુનાવણી કરશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના કેસોના વિશેષ ન્યાયમૂર્તિ કાવેરી બાવેજાએ આ પિટિશનની સુનાવણી 15મી પર મોકૂફ રાખી છે. કોર્ટમાં દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાનના વકીલે ઈડી દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનો વિરોધ કર્યો હતો.
તેમના વકીલે અદાલતને કહ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સી આ કેસમાં અગાઉ કરી નાખવામાં આવેલી દલીલોનું જ પુનરાવર્તન આ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં કરી રહ્યા છે.
સિસોદિયાને કોર્ટની કાર્યવાહી માટે હાજર કરવામાં આવ્યા હતા. ઈડીએ આ પહેલાંની સુનાવણીમાં કહ્યું હતું કે સિસોદિયા અને અન્ય આરોપીઓ ખટલામાં અવરોધ ઊભો કરીને વિલંબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સીબીઆઈ તેમ જ ઈડી દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે દિલ્હીની એક્સાઈઝ પોલિસીને તૈયાર કરતી વખતે ગેરરીતિઓ આચરવામાં આવી હતી, સક્ષમ સત્તાની મંજૂરી લીધા વગર લાઈસન્સ હોલ્ડરોને અયોગ્ય તરફેણ કરવામાં આવી હતી, લાઈસન્સ ફી ઘટાડવામાં કે પછી સાવ માફ કરી નાખવામાં આવી હતી અને લાઈસન્સ લંબાવી આપવામાં આવ્યા હતા કે નવેસરથી આપવામાં આવ્યા હતા.