મધુ શ્રીવાસ્તવે શક્તિસિંહ ગોહિલ સાથે વડોદરામાં કરી મુલાકાત કરતા રાજકારણ ગરમાયું
ગુજરાતમાં લોકસભાના ચૂંટણી પડઘમ શરૂ થઈ ગયા છે, લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં વિધાનસભાની 5 બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે આ 5 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવી છે. આ 5 બેઠકોમાં એક બેઠક વડોદરાની વાઘોડિયાનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પરથી ભાજપે ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા છે. હવે તેમની સામે કોંગ્રેસ કોને ટિકિટ આપશે તે મોટી ચર્ચાનો વિષય બન્યો છે. આ દરમિયાન વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે.
પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વડોદરામાં આયોજિત કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમને મળવા માટે પહોંચ્યા હતા, જેથી મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા વિભાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી લડશે એવી અટકળો શરૂ થઈ ગઈ છે.
શક્તિસિંહ સાથે મુલાકાત બાદ મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભાજપ છોડયાને એક વર્ષ થઇ ગયું છે. મેં કોગ્રેસમાંથી ચૂંટણી લડવાની માગણી કરેલી છે. કોંગ્રેસ ટિકિટ આપશે તો લડવાનો જ છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખુલ્લું મેદાન છે અને આ મધુ શ્રીવાસ્તવ છે. લડવાનો, લડવાનો અને લડવાનો જ છું. મારી અને શક્તિસિંહની મિત્રતા છે. કોંગ્રેસ મારા નામની જાહેરાત કરશે તો લડી પણ લઇશું. ના થાય તોપણ તો હું અપક્ષ તો લડવાનો જ છું.
જો કે આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. શું મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસ વાઘોડિયા બેઠક પર ચૂંટણી લડાવશે? એવા સવાલના જવાબમાં પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અગાઉ પણ અમિત ચાવડાની હાજરીમાં તેમણે અમારો ખેસ પહેર્યો હતો અને અમારા સ્ટેજ પર પણ આવ્યા હતા. દરેકને વાત કરવાનો અધિકાર છે. ભાજપની જેમ કોંગ્રેસમાં અહંકાર નથી.