ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થશેઃ પાર્ટીને રામરામ કરનારા નેતાનું મોટું નિવેદન
મુંબઈ: કૉંગ્રેસના ઉત્તર મુંબઈના સાંસદ રહી ચૂકેલા અને હાલ કૉંગ્રેસ છોડી ચૂકેલા સંજય નિરુપમે કૉંગ્રેસ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ વખતની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ મહારાષ્ટ્રમાં એક પણ બેઠક ઉપર જીત હાંસલ નહીં કરી શકે, તેવું નિવેદન નિરુપમે આપ્યું છે.
પોતાના ભૂતપૂર્વ પક્ષ પર પ્રહાર કરતા નિરુપમે કહ્યું હતું કે 2014ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ બે બેઠકો પર જીતી હતી, જ્યારે 2019ની ચૂંટણીમાં કૉંગ્રેસ ફક્ત એક બેઠક જીતી શકી હતી. આ વખતની ચૂંટણીમાં તો કૉંગ્રેસ મહારાષ્ટ્રમાં ઝીરો પર આઉટ થઇ જશે.
ત્રીજી એપ્રિલના રોજ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંજય નિરુપમને પક્ષ વિરોધી વલણ બદલ છ વર્ષ માટે કૉંગ્રેસમાંથી બરખાસ્ત કર્યા હતા. જોકે, સંજય નિરુપમનું કહેવું છે કે પોતાને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા તે પહેલા જ તે પોતે પક્ષમાંથી રાજીનામું આપી ચૂક્યા હતા.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ઝટકો, સીતારામ અગ્રવાલ સહિત આ નેતાઓએ કેસરીયો કર્યો
જોકે, પક્ષ સાથે છેડો ફાડ્યા બાદ નિરુપમ સતત કૉંગ્રેસ અને મહાવિકાસ આઘાડી પર પ્રહારો કરી રહ્યા છે. હાલમાં જ તેમણે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉત વિરુદ્ધ નિવેદન આપતા કહ્યું હતું કે તેમણે ખિચડી કૌભાંડ આચર્યું છે. તેમણે સંજય રાઉતને ‘ખિચડી ચોર’ કહીને પણ બોલાવ્યા હતા.
મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી મુદ્દે ટિપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીના અનેક નેતાઓ મોબાઇલ સ્વિચ ઑફ કરીને અનરિચેબલ થઇ ગયા છે.
ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીની હાર નિશ્ચિત છે, તેવો વિશ્ર્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે 4 જૂન બાદ આ બધા પોતાના મોં છૂપાવતા ફરશે. મોટાપાયે વિદેશ પ્રવાસ પણ યોજવામાં આવે તેવી શક્યતા હોવાનું નિરુપમે કહ્યું હતું.