મુંબઈ-થાણેમાં ચોરી કરવા વિમાનમાં ફરનારો રીઢો ચોર આસામમાં ઝડપાયો
થાણે: મુંબઈ-થાણેમાં ચોરી કરવા માટે આસામથી વિમાનમાં આવનારા રીઢા ચોરને થાણે પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસના હાથે ઝડપાઈ ન જાય તે માટે આરોપી વિગ પહેરતો હતો અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું પણ ટાળતો હતો.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઈમ) શિવરાજ પાટીલે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપી મોઈનુલ અબ્દુલ મલિક ઈસ્લામની પૂછપરછમાં ચોરીના 22 જેટલા ગુના ઉકેલાયા હતા. તેની પાસેથી ચોરીના 62 લાખ રૂપિયાના સોનાના દાગીના હસ્તગત કરવામાં આવ્યા હતા.
થાણેમાં બંધ ઘરોનાં તાળાં તોડી ચોરી કરવાની ઉપરાછાપરી ઘટનાઓ બનતાં આરોપીની શોધ માટે પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ગયા વર્ષના સપ્ટેમ્બરમાં કાલ્હેર પરિસરમાં થયેલી ચોરીના કેસમાં ઈસ્લામની સંડોવણી સામે આવી હતી.
આસામના હોજાઈ જિલ્લાનો વતની ઈસ્લામ વિમાનમાં મુંબઈ આવતો હતો અને નવી મુંબઈમાં રહેતો હતો. પછી મુંબઈ-થાણેમાં ચોરી કરીને ફરી વિમાનમાં તેના વતન અથવા નાગાલૅન્ડમાં સંતાતો ફરતો, એવું ડીસીપી પાટીલે જણાવ્યું હતું.
આરોપી પોતાની ઓળખ છતી ન થઈ જાય તે માટે વિગ પહેરતો હતો. વળી, તે મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરતો નહોતો. પોલીસે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીની ઓળખ મેળવી હતી. રમજાન મહિનો હોવાથી આરોપી તેના વતનમાં હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસની ટીમે પાંચથી છ દિવસ સાદા વેશમાં તેના પર નજર રાખી હતી.
સ્થાનિક પોલીસની મદદથી થાણે પોલીસ આરોપીના ઘરે પહોંચી ત્યારે આરોપીએ ભાગવાના પ્રયાસમાં ઘરની બારીમાંથી કૂદકો માર્યો હતો, જેને કારણે તેના પગમાં ઇજા થઈ હતી. પકડાયેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.