આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના બે જિલ્લામાં બુલેટ ટ્રેન માટે કામકાજના શ્રીગણેશ, જાણો લેટેસ્ટ અપડેટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ રેલવે અને કેન્દ્ર સરકારની સૌથી મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેનના પ્રકલ્પની કામગીરીને ધીમે ધીમે વેગ મળી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રના બે જિલ્લામાં મહત્ત્વના કામકાજના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના પાલઘર અને થાણે જિલ્લામાં બુલેટ ટ્રેનનું કામકાજ શરુ થયું છે.


નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)ના જણાવ્યા મુજબ આ કામકાજ મહારાષ્ટ્ર ગુજરાતની સીમા પરના શિલફાટાથી જારોલી ગામ સુધીની બુલેટ ટ્રેનની યોજનાના પેકેજ-સીથ્રીના હિસ્સામાં કામકાજ થાય છે.


હાલના તબક્કે 135 કિલોમીટર લાંબા જીયો-ટેક્નિકલ ટેસ્ટ પૂરી કરવામાં આવશે. અહીંના વિસ્તારમાં બે ટનલનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે ગર્ડરના ફુલ સ્પાન અને સેગમેન્ટ કાસ્ટિંગ માટે કાસ્ટિંગ યાર્ડ ડેવલપ કરવાનું કામકાજ ચાલુ છે.

ALSO READ : બુલેટ ટ્રેન માટે જાણો મહત્ત્વના સમાચાર, ‘બ્લાસ્ટ’ નહીં કરાય…

બુલેટ ટ્રેનના પ્રકલ્પ માટે મુંબઈ નજીકના પર્વતીય વિસ્તાર-ટનલની સાથે ઉલ્હાસ, વૈતરણા, જગની નદીઓ પર મહત્ત્વના ક્રોસિંગનો સમાવેશ થાય છે, જેમાં થાણે સેક્શનમાં થાણે, વિરાર, બોઈસર ત્રણ બુલેટ ટ્રેનના સ્ટેશન હશે.
પ્રસ્તાવિત બુલેટ ટ્રેનના પ્રકલ્પમાં પેકેજ-સી3 અન્વયે 135 કિલોમીટરના કોરિડોરનો સમાવેશ થાય છે, જેમાં 24 કિલોમીટર સુધી ફેલાયેલા વાયાડક્ટ અને પુલ તેમ જ 5 કિલોમીટરના માળખાનો સમાવેશ થાય છે, જેમાં 12 સ્ટીલ બ્રિજની સાથે 36 બ્રિજ અને ક્રોસિંગનો સમાવેશ થાય છે.


નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મુંબઈમાં બીકેસી અને શિલફાટામાં અંડરગ્રાઉન્ડ સ્ટેશનની વચ્ચે 21 કિલોમીટર લાંબી દરિયામાં ટનલનું નિર્માણ કરવામાં આવશે. બુલેટ ટ્રેનના પ્રકલ્પનો ખર્ચ કુલ 1.08 લાખ કરોડનો છે, જ્યારે તેમાં ભારત સરકાર, એનએચએસઆરસીએલની સાથે રાજ્ય સરકાર (ગુજરાત, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.


રેલવે મંત્રાલયના અહેવાલ અનુસાર બુલેટ ટ્રેનની સ્પીડ કલાકના 320 કિલોમીટરની હશે, જેમાં મુંબઈથી અમદાવાદ બે કલાકમાં પહોંચી શકાશે. હાલના તબક્કે મુંબઈથી અમદાવાદ વચ્ચે આઠથી સાડાછ કલાકનો સમય લાગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button