મહારાષ્ટ્રમાં શિવસેના VS શિવસેના: જાણો આટલી બેઠક પર રહેશે ટક્કર?
મુંબઇ: લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રની કદાવર પાર્ટી શિવસેના બે ભાગમાં વહેંચાયા પછી આ વખતે વિપક્ષી પાર્ટી સાથે જોરદાર ટક્કર રહેશે. શિવસેનામાં બે ફાંટા પડ્યા અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને એકનાથ શિંદે જૂથની શિવસેના આ બે પક્ષ અસ્તિત્વમાં આવ્યા. 2024ની લોકસભાની ચૂંટણી પહેલી જ ચૂંટણી હશે જેમાં શિવસેનાના જ ભાગ એવા બે પક્ષ આમનેસામને થશે. જોકે, કઇ કઇ બેઠક પર આ બંને પક્ષના ઉમેદવાર લડશે તે સ્પષ્ટ થઇ ગયું છે.
બેઠકોની વહેંચણી પણ લગભગ પૂરી થઇ ગઇ છે જેને પગલે મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી કઇ કઇ બેઠક ઉપર ઉદ્ધવ જૂથની શિવસેના અને શિંદે જૂથની શિવસેના ટકરાશે તે સામે આવ્યું છે. મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોમાંથી 10 બેઠક પર આ બંને પક્ષ સામે ટકરાશે. પહેલી જ વખત આ બંને પક્ષ વચ્ચે ચૂંટણીનો જંગ જામવા જઇ રહ્યો છે ત્યારે ક્યા પક્ષનું જોર વધુ છે તે જાણવાની પણ તાલાવેલી જાગેલી છે.
ALSO READ:બાળાસાહેબ મૈત્રીપૂર્ણ હતા, પરંતુ ઉદ્ધવ અમને ઘરનોકર માનતા હતા: એકનાથ શિંદે
મહાવિકાસ આઘાડી (એમવીએ)માં બેઠકોની વહેંચણી નક્કી થઇ તેમાં ઉદ્ધવ ઠાકરેના ફાળે એકવીસ બેઠક આવેલી છે, જ્યારે એકનાથ શિંદેએ અત્યાર સુધી પોતાના ફક્ત આઠ ઉમેદવાર જ જાહેર કર્યા છે. અત્યાર સુધીમાં જાહેર થયેલી બેઠકોની વાત કરીએ તો છ બેઠક પર બંને શિવસેનાના ઉમેદવારો એકબીજાની સામે ઊભા રહેશે.
જોકે, શિવસેના વિરુદ્ધ શિવસેનાનો મુકાબલો વધુ બેઠકો પર જોવા મળી શકે તેવું રાજકીય વિશ્ર્લેષકોનું માનવું છે. મુંબઈ ઉત્તર પશ્ર્ચિમ અને કલ્યાણ બેઠક પર પણ બંને બેઠકો પર પણ ઉદ્ધવ અને શિંદેના ઉમેદવારો વચ્ચે જંગ જામી શકે છે.
અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોની જાહેરાત મુજબ દક્ષિણ મધ્ય મુંબઈ પર અનિલ દેસાઇ અને રાહુલ શેવાળે વચ્ચે ચૂંટણી લડવામાં આવશે. જ્યારે બુલઢાણામાં નરેન્દ્ર ખેડેકર અને પ્રતાપ જાધવ, શિરડીમાં ભાઉસાહેબ બાઘચૌરે અને સદાશિવ લોખંડે, હિંગોલીમાં નાગેશ પાટીલ અને હેમંત પાટીલ, કલ્યાણમાં વૈશાલી દરેકર અને શ્રીકાંત શિંદે, માવળથી સંજય બઘોરે પાટીલ અને શ્રીરંગ આપ્પા બારણે, હાતકળંગલેથી સત્યજીત પાટીલ અને દર્શીલ માને જ્યારે મુંબઈ ઉત્તર પશ્ચિમથી અમોલ કિર્તીકર અને શિવસેનાના વધુ એક ઉમેદવાર વચ્ચે જંગ જામે તેવી શક્યતા છે. આ સિવાય વધુ બે બેઠક પર પણ બંને પક્ષના ઉમેદવારો વચ્ચે જંગ જામે તેવી શક્યતા છે.