મોહાલી: 2008માં આઇપીએલની શરૂઆત કરવા પાછળનો મુખ્ય ઉદ્ેશ ભારતીય ક્રિકેટમાં પાયાના સ્તરેથી ટૅલન્ટેડ અને સક્ષમ ખેલાડીઓ શોધી કાઢવાનો હતો. 16 વર્ષમાં એ આશય ખૂબ ફળ્યો છે, કારણકે દર વર્ષે માત્ર ભારતીય ક્રિકેટને જ નહીં, અન્ય દેશોને પણ આ સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટમાંથી સારા પ્લેયરો મળે છે.
પંજાબ કિંગ્સનો મિડલ-ઑર્ડર બૅટર શશાંક સિંહ આ વખતે મળેલા રત્નોમાંનો એક છે.
શશાંકે બહુ સરસ કહ્યું છે. તેણે કહ્યું કે ‘અમારા જેવા યુવાન ખેલાડીઓ આઇપીએલમાં ચમકી રહ્યા હોવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે અમારામાં આત્મવિશ્ર્વાસ ભરપૂર છે. બીજું, અમે ડોમેસ્ટિક ક્રિકેટમાં જે રીતે પર્ફોર્મ કરીએ છીએ એ પણ અમને માર્ચ-એપ્રિલ-મેની આઇપીએલમાં કામ લાગે છે. આ જ બે મોટા કારણસર અજાણ્યા ખેલાડીઓ સફળ થઈ રહ્યા છે.’
મંગળવારે શશાંકના અણનમ 46 રન અને આશુતોષ શર્માના અણનમ 33 રન છતાં પંજાબની ટીમ હૈદરાબાદ સામે માત્ર બે રનથી હારી ગઈ હતી. એનું કારણ એ હતું તે હૈદરાબાદે નવ વિકેટે જે 182 રન બનાવ્યા હતા એમાં આંધ્ર પ્રદેશના નીતિશ કુમાર રેડ્ડીની 64 રનની ઇનિંગ્સ સૌને પ્રભાવિત કરનારી હતી.
શશાંક સિંહે હરીફ ટીમના નીતિશ રેડ્ડીનો પણ ઉલ્લેખ કરતા કહ્યું, ‘બધાએ નીતિશ રેડ્ડીનો પણ પર્ફોર્મન્સ જોયો. ડોમેસ્ટિક ક્રિકેટની કોઈ પણ મૅચમાં તે સામાન્ય રીતે રન બનાવવા ઉપરાંત વિકેટો પણ લેતો હોય છે. ગયા વર્ષે સાધારણ રમ્યો હતો, પણ આ વખતે તેનામાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. તે વધુ સારી તૈયારી કરીને આવ્યો છે. તે માત્ર 20 વર્ષનો છે. તેણે 64 રન બનાવ્યા પછી જિતેશ શર્માની વિકેટ પણ લીધી હતી.’
ALSO READ: IPL 2024 RR vs GT: શું ટાઇટન્સ રોયલ્સનો વિજય રથ રોકી શકાશે? આવી રહેશે પ્લેઈંગ ઈલેવન
કોલકાતા નાઇટ રાઇડર્સનો અંગક્રિશ રઘુવંશી પણ આ વખતની આઇપીએલમાં ચમકી રહ્યો છે.
શશાંકે પીટીઆઇને કહ્યું, ‘ડોમેસ્ટિક ક્રિકેટની ટફ મૅચોમાં અમે જે રીતે સારું પર્ફોર્મ કરતા હોઈએ છીએ એ હાર્ડ વર્કનું પરિણામ આઇપીએલમાં જોવા મળી રહ્યું છે. નીતિશ રેડ્ડી અને આશુતોષ મુશ્તાક અલી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફી તેમ જ રણજી ટ્રોફીમાં સારું રમી ચૂક્યા છે. અંગક્રિશનું પણ એવું જ છે. આ બધા ખેલાડીઓ સામાન્ય ક્રિકેટપ્રેમી જનતા માટે અજાણ્યા છે, પરંતુ રણજી ટ્રોફી સહિતની ડોમેસ્ટિક ક્રિકેટમાં બધા ખૂબ જાણીતા છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પર્ફોર્મ કરતા રહેવું જ પડે. ક્રિકેટમાં એ સ્તરે આત્મવિશ્ર્વાસ હોવો ખૂબ જરૂરી છે.’
મંગળવારે પંજાબ માત્ર બે રનથી હારી જતાં શશાંક ખૂબ હતાશ હતો. તેણે કહ્યું, ‘અમે ફક્ત બે રન માટે હારી ગયા. વધુ દુ:ખ એ વાતનું છે કે અમે જીતવા માટે અથાક પ્રયત્ન કર્યો છતાં છેવટે હારી ગયા. જોકે હાર એટલે હાર. એ પરાજય પછી બે રન માટે હોય કે 20 રન માટે. આશુતોષે મૅચમાં જે વળાંક લાવી દીધો એ બદલ તેના વખાણ કરું એટલા ઓછા છે. અમને છેલ્લી ઓવરના પાંચમા બૉલ સુધી જીતવાની આશા હતી, પણ જીતી ન શક્યા.’
હૈદરાબાદના અબ્દુલ સામદે 12 બૉલમાં પચીસ રન બનાવ્યા હતા. તેણે પત્રકારોને કહ્યું, ‘ઘણા ઓછા જાણીતા ખેલાડીઓ આ વખતે અસરદાર પર્ફોર્મ કરી રહ્યા છે. તેમની આ પહેલી જ સીઝન છે એટલે તેઓ સારું ન રમ્યા હોત તો પણ તેમણે કંઈ ગુમાવવા જેવું નહોતું. જોકે તેમનામાં સારું પફોેર્મ કરવાની ભૂખ છે અને સારું રમી રહ્યા છે.’