ટોપ ન્યૂઝનેશનલ

‘તમારી માફી મંજુર નથી…’સુપ્રીમ કોર્ટે ફરી રામદેવ અને સરકારની ઝાટકણી કાઢી

પતંજલિ આયુર્વેદની પ્રોડક્ટ્સની ભ્રામક જાહેરાતના કેસમાં બાબા રામદેવ(Baba Ramdev) અને આચાર્ય બાલકૃષ્ણ(Acharya Balkrishna)ની મુશ્કેલીઓ વધી રહી છે. આં કેસ અંગે આજે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે ફરી એકવાર બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ ઉપરાંત કેન્દ્ર અને ઉત્તરાખંડ સરકારને ઠપકો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે રામદેવની બિનશરતી માફીના એફિડેવિટને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, સુપ્રીમ કોર્ટે રામદેવની માફી નકારી કાઢી અને કહ્યું કે તમે એફિડેવિટમાં જુઠ્ઠું બોલી રહ્યા છો. તમે ત્રણ વખત અમારા આદેશોની અવગણના કરી છે અને તેનું પરિણામ ભોગવવું પડશે. આપણે આંધળા નથી. આ સાથે બેન્ચે એમ પણ કહ્યું કે અમે આ મામલે કેન્દ્ર સરકાર તરફથી મળેલા જવાબથી સંતુષ્ટ નથી.

આજે કોર્ટ સમક્ષ હાજર થયા પહેલા ગઈકાલે મંગળવારે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ સુપ્રીમ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી હતી. કોર્ટે કહ્યું કે અમે આને જાણી જોઈને કોર્ટના આદેશનો અનાદર ગણી રહ્યા છીએ. અમે આ એફિડેવિટને ફગાવી રહ્યા છીએ.

કોર્ટે સ્વામી રામદેવની બિનશરતી માફીનું એફિડેવિટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે આ લોકોએ ત્રણ વખત અમારા આદેશોની અવગણના કરી છે. આ લોકોએ ભૂલ કરી છે અને તેનું પરિણામ ભોગવવું પડશે.

આજે કોર્ટે કહ્યું કે આ કન્ટેમ્પ્ટનો મામલો છે. તમે કહી રહ્યા છો કે તમને કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ મળવી જોઈએ છે, આ ફ્લાઇટ ટિકિટ નથી. તમે આ બાબતને હળવાશથી લઈ રહ્યા છો.

જસ્ટિસ હિમા કોહલીએ પૂછ્યું કે આયુષ મંત્રાલય એક્શન લેવા માટે અત્યાર સુધી કેમ રાહ જોતું રહ્યું હતું. આમની સામે આજ સુધી કોઈ કોર્ટમાં કેમ ન ગયું? SCએ ઉત્તરાખંડ સરકારને પૂછ્યું કે જ્યારે તેઓએ તમારી સમક્ષ આપેલા નિવેદનનું ઉલ્લંઘન કર્યું ત્યારે તમે શું કર્યું? તમે અમારા આદેશની રાહ જોઈને બેઠા રહ્યા?

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને પણ ફટકાર લગાવી અને પૂછ્યું કે શા માટે તમે કોઈ પગલાં ન લીધા. આવું 6 વખત થયું છે, વારંવાર લાયસન્સ ઇન્સ્પેક્ટર ચૂપ રહ્યા. અધિકારીઓ તરફથી કોઈ રિપોર્ટ આપવામાં આવ્યો નથી. પાછળથી નિમાયેલા અધિકારીએ પણ આવું જ કર્યું. ત્રણ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ.

સર્વોચ્ચ અદાલતે ઉત્તરાખંડ સરકારને પૂછ્યું કે શું આ ફરજમાં બેદરકારી નથી? શું તમારા ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરો આ રીતે કામ કરે છે? હ અધિકારીઓ સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?

આ પહેલા ગત સુનાવણીમાં કોર્ટે બંનેને ફટકાર લગાવી હતી. કોર્ટે રામદેવને કહ્યું હતું કે પોતાને કાયદાથી ઉપર ન સમજો, કાયદાનો મહિમા સર્વોપરી છે.

શું છે સમગ્ર મામલો:
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)એ આરોપ લગાવ્યો છે કે બાબા રામદેવે કોવિડ-19 વેક્સિનેશન અભિયાન વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું, આ ઉપરાંત બાબા રામ દેવે એલોપથી મેડિકલ ટ્રીટમેન્ટ વિરુદ્ધ ભ્રામક નિવેદનો આપ્યા હતા. પતંજલિએ તેની પ્રોડક્ટ કેટલાક રોગોના ઈલાજ કરતી હોવાના ખોટા દાવા કરતી જાહેરાતો ચલાવી હતી. તેના પર કોર્ટે ચેતવણી આપી હતી કે પતંજલિ આયુર્વેદ દ્વારા કરવામાં આવતી ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરવામાં આવે. છતાં પતંજલિએ જાહેરાતો આપવાનું ચાલુ રાખ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button