મુંબઇઃ માત્ર 100 પોઇન્ટના આધાર સાથે લોન્ચ થયેલો BSE SENSEX 38 વર્ષ બાદ હવે 75,000 પોઈન્ટના આંકને વટાવી ગયો છે, જે ભારતીય અર્થતંત્રની મજબુતાઇ અને તેની સફળતા દર્શાવે છે અને આગામી વર્ષોમાં વધુ સંપત્તિ સર્જનની આશા વધારે છે. લોકસભાની સામાન્ય ચૂંટણીઓ શરૂ થવાના થોડા દિવસો પહેલા, 09 એપ્રિલ, 2024ના રોજ સેન્સેક્સે 75,000નો માઈલસ્ટોન પાર કર્યો હતો.
સેન્સેક્સે 10 વર્ષ પહેલાં 16 મે, 2014ના રોજ 25,000 માઇલસ્ટોનને પાર કર્યો હતો, જે દિવસે 2014ની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. 16 મે, 2014ના રોજ, બજારના સેન્ટિમેન્ટમાં વધારો થયો હતો કારણ કે રોકાણકારો પીએમ મોદીના નેતૃત્વમાં સ્થિર સરકારની અપેક્ષા રાખતા હતા. તેમને દેશના ઉદ્યોગ ગૃહો તરફથી મૈત્રિપૂર્ણ નેતા તરીકે જોવામાં આવતા હતા, જેને દેશના, દેશની ઇન્ડસ્ટ્રીના વિકાસમાં રસ હતો. 25,000થી 75,000ના માઇલસ્ટોનને પાર કરવામાં સેન્સેક્સે દસ વર્ષ કરતા થોડો ઓછો સમય લીધો છે.
રસપ્રદ રીતે સેન્સેક્સને 35,000નો માઇલસ્ટોન પાર કરવામાં ચાર વર્ષનો સમય લાગ્યો હતો. 2019માં જ્યારે ફરી એક વાર મોદી સરકાર કેન્દ્રમાં આવી ત્યારે 23 મેના રોજ સેન્સેક્સ 40,000ના માઇલસ્ટોનને પાર કરી ગયો હતો. ત્યાર બાદ 45,000 માર્કથી 50,000 સુધી પહોંચવામાં શેરબજારને માત્ર 35 સેશન જ લાગ્યા હતા. 2020માં કોરોના કાળમાં માર્કેટની તેજ ગતિ પર થોડી બ્રેક લાગી હતી, પણ કોરોના બાદ સેન્સેક્સની તેજ રફ્તાર ચાલુ રહી છે.
ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સ BSE સેન્સેક્સે મંગળવારે ઇતિહાસમાં પ્રથમ વખત 75,000 પોઈન્ટની સપાટીને પાર કરી હતી. મંગળવારે તે 75,060 પોઈન્ટ પર ખુલ્યો, જે આગલા દિવસના બંધ કરતા 0.4% ઉપર હતો અને પછી દિવસના ટ્રેડિંગનો અંતે 74,683.70 પર હતો.
આ સાથે BSEનું માર્કેટ કેપ પણ 400 લાખ કરોડને વટાવી ગયું છે.આ વર્ષે 6 માર્ચના રોજ સેન્સેક્સ 74,000 ના માર્કને સ્પર્શ્યો હતો. ત્યાર બાદ 75,000ના માર્કને આંબવા માટે તેને માત્ર 24 સત્રનો સમય લાગ્યો હતો. છેલ્લા 10 વર્ષોમાં, મોદીની આગેવાની હેઠળની NDA સરકાર સત્તામાં આવી ત્યારથી, રોકાણકારોની સંપત્તિ, BSEના માર્કેટ કેપ દ્વારા માપવામાં આવે છે, તે પાંચ ગણી વધી છે. હાલમાં તો નાનો મોટો દરેક રોકાણકાર ભારતીય શેરબજારમાં તેમના નાણા મૂકવામાં વિશ્વાસ ધરાવે છે.
રસપ્રદ વાત એ છે કે, છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સ લગભગ 25 ટકા વધ્યો છે અને તે 21 એપ્રિલ, 2023ના રોજ 52 સપ્તાહની નીચી સપાટી 59,412.81 થી 26 ટકાથી વધુ વધી ગયો છે.
ટ્રેડ એનાલિસ્ટો જણાવે છે કે 4 જૂને લોકસભાની ચૂંટણીના પરિણામો આગામી થોડા મહિનાઓ માટે બજારની ગતિના મુખ્ય નિર્ણાયક રહેશે. વધુમાં યુએસ અને અન્ય મુખ્ય અર્થતંત્રોમાં વ્યાજ દરની સ્થિતિ, ભારતમાં ચોમાસાની પ્રગતિ (ખાનગી આગાહી કરનાર સ્કાયમેટે 2024 માટે સારા વરસાદની આગાહી કરી છે), કોર્પોરેટ પરિણામો, વિદેશી ભંડોળનો પ્રવાહ અને આર્થિક ફંડામેન્ટલ્સ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર મોટી અસર કરશે,
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને