દુર્ગ: ગઈ કાલે મંગળવારે રાત્રે છત્તીસગઢ(Chhattisgarh)ના દુર્ગ(Durg) જીલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, એક બસ ખીણમાં પડતા 15 લોકોના મોત થયા છે, અને 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ છત્તીસગઢ બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
વડા પ્રધાન મોદીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા X પર કરેલી પોસ્ટમાં લખ્યું કે છત્તીસગઢના દુર્ગમાં બસ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. આમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે કે છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં બસ દુર્ઘટનામાં લોકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના! હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
આ પહેલા છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાઈએ પણ બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે અકસ્માતમાં ઘાયલ લોકોની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અને વહીવટીતંત્ર ઘાયલ લોકોની સંભાળ રાખવામાં વ્યસ્ત છે.
દુર્ગ જીલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારી જણાવ્યું હતું કે અકસ્માત કુમ્હારી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખાપરી ગામ નજીક રાત્રે 8.30 વાગ્યે થયો હતો, જ્યારે એક ડિસ્ટિલરી કંપનીના કર્મચારીઓ કામ કરીને ઘરે બસમાં પરત ફરી રહ્યા હતા.
કેડિયા ડિસ્ટિલરી કંપનીએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા, એક સભ્યને નોકરી અને ઘાયલોની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું છે. તમામ ઘાયલોને એઈમ્સ, એપેક્સ ઓમ અને અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
બસમાં કુલ 40 લોકો સવાર હતા. મૃત્યુઆંક પણ વધી શકે છે. નાયબ મુખ્ય પ્રધાન વિજય શર્માએ કહ્યું છે કે આ કેસમાં જે પણ દોષી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ તંત્રના જણાવ્યા મુજબ કે આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ખાનગી કંપનીના કર્મચારીઓ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. બસ મંગળવારે રાત્રે છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં 40 ફૂટ ઊંડી ‘મુરુમ’ માટીની ખાણમાં પડી ગઈ હતી.