હિંદુ નવવર્ષનો ચોફેર હરખ
ચૈત્ર મહિનાના પહેલો દિવસ એટલે કે હિંદુઓનું નવું વર્ષ અને વિક્રમ સંવતમાં વધુ એક વર્ષનો ઉમેરો. મહારાષ્ટ્રમાં હિંદુઓના નવા વર્ષે ગૂડીપડવાનો તહેવાર જોશભેર ઉજવવામાં આવે છે અને તેમાં પણ મુંબઈમાં તો આ જોશનો જોટો જડે જ નહીં. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૂડીપડવા નિમિત્તે ઠેરઠેર ભગવા ફેંટા અને કૂરતા પહેરીને હિંદુ પુરુષો, તો પરંપરાગત સાડીઓ પહેરીને હિંદુ મહિલાઓ ગૂડીપડવાની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ગિરગાંવમાં તો જાણે મેળો સજાવ્યો હોય તે રીતના દૃશ્યો દેખાયા હતા. જ્યારે મુંબઈમાં પરંપરાગત વસ્ત્રો પહેરેલી અને શણગાર સજેલી નારીશક્તિએ ભગવા ફેંટા પહેરીને બાઇક રેલી યોજીને સ્ત્રીસશક્તીકરણ, આધુનિકતા અને પરંપરાનો ત્રિમેળ દર્શાવ્યો હતો. બીજી બાજુ એક યુવકે હિંદુ હૃદયસમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની વેશભૂષા પહેરીને હિંદુ નવા વર્ષનું સ્વાગત કરી ઉજવણી કરી હતી. આખા મુંબઈમાં ગૂડી પડવા નિમિત્તે હર્ષોલ્લાસ, નવી આશાનું વાતાવરણ જોવા મળ્યું હતું. (અમય ખરાડે)