પુરુષોત્તમ રૂપાલા સામે હવે જામ સાહેબ મેદાને, ચૂંટણીમાં જવાબ આપવાની ક્ષત્રિયોની કરી હાકલ
ભાજપના અગ્રણી નેતા અને રાજકોટ લોકસભા બેઠકથી ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજવી પરિવારો અંગે કરેલા બફાટ બાદ શરૂ થયેલો વિરોધ હજુ ભભૂકી રહ્યો છે. પુરૂષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે રાજ્યના વિવિધ રાજવી પરીવારોએ વિરોધ વ્યક્ત કર્યો, આજે જામનગર રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ પણ તેમની નારાજગી વ્યક્ત કરી છે, તેમણે એક પ્રેસ રીલીઝ જાહેર કરી પોતાનું નિવેદન આપ્યું છે.
પુરૂષોત્તમ રૂપાલાના આ નિવેદન મામલે ભાવનગર અને કચ્છના રાજવી પરિવાર બાદ હવે જામનગરના જામસાહેબની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા રાજપૂતોને લોકશાહીમાં લોકશાહી રીતે ચૂંટણીમાં જવાબ આપવા અપીલ કરવામાં આવી છે. જોકે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા કરવામાં આવેલા ‘જૌહર’ના સંકલ્પની ટીકા પણ કરી છે અને કહ્યું હતું કે આ કિસ્સામાં ‘જૌહર’નો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.
રૂપાલાના આ નિવેદન અંગે જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા એક પત્ર જાહેર કરી નારાજગી વ્યક્ત કરી છે. રાજપૂત સમાજને સંબોધતાં તેમણે કહ્યું હતું કે કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય, પરંતુ અયોગ્ય વાત બોલવાનો ગુનો જે કરે તેને સજા થવી જોઈએ.
તેમણે પ્રેસ રિલિઝમાં કહ્યું છે કે હાલમાં, ભારતમાં લોકશાહી લાગુ છે. એક જમાનામાં રાજપૂતો રાજ કરતા હતા તેનું કારણ માત્ર હિંમત નહોતી પણ સાથે-સાથે એકતાનું પણ હતું. તે જમાનામાં રાજપૂતો એકબીજા માટે મરી જવા તૈયાર હતા. જ્યારે આજના જમાનામાં ઘણીવાર જોવામાં આવે છે કે, રાજપૂતો નહીં જેવી બાબતોમાં એકબીજાને મારવા તૈયાર થઈ બેસે છે. તો એ સમય આવી ગયો છે કે, આજના લોકશાહીના સમયમાં ગેરવ્યાજબી રીતે નહીં પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે.
રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં પણ એકતા રાખી બતાવી દેવાનું છે કે, રાજપૂતો હજી ભારતમાં જ છે. તેથી સહુ રાજપૂતો ભેગા મળી જે કોઈ આવુ કૃત્ય કરે કે જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળી ચૂંટણીમાં હરાવો. આને જ કહેવાય લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરુપ સજા.
અત્રે ઉલ્લેખનિય છે કે રૂપાલાના નિવેદનનો ચોમેરથી વિરોધ થઈ રહ્યો છે, તાજેતરમાં વઢવાણ રાજવી રિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ન ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.
રૂપાલાના નિવેદન પર હવે વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ન ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.
તે જ પ્રકારે વઢવાણ રાજવી પરિવાર ઉપરાંત ભાવનગર રાજવી પરિવારે પણ વિરોધમાં સૂર પૂરાવ્યો છે, તેમને પણ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓ વિરૂદ્ધના નિવેદનોનો વિરોધ કર્યો છે, આજે પરશોત્તમ રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું, આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે.
કચ્છનાં મહારાણી પ્રીતિદેવીએ પણ સોમવારે એક પત્રના માધ્યમથી રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનને વખોડ્યું હતું. પ્રીતિદેવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘ આ શબ્દો માફીને લાયક નથી મારી નિષ્ઠા મારી રાજપૂત ક્ષત્રિય જ્ઞાતિ સાથે છે, એને આવાં નિવેદનોથી ખૂબ જ ઠેસ પહોંચી છે, આવા શબ્દોથી હું ખૂબ જ દુઃખ અનુભવું છું,પ રંતુ સાથે સાથે મને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે આ મુદ્દાનો હિતકારી અને સુખદ ઉકેલ લાવે.’