એનઆઈએ પર હુમલો, ભાજપ-મમતા બંને સરખાં
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
પશ્ર્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી આવતાં જ કેન્દ્રીય એજન્સીઓ પાછી સક્રિય થઈ છે ને તેમાં નવી બબાલ થઈ છે. આ વખતની બબાલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના અધિકારીઓ ખરડાયા છે. ૨૦૨૨માં થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસ માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમ તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓ બલાઈ ચરણ મૈતી અને મનોબ્રતની ધરપકડ કરવા પૂર્વ મેદિનીપુર જિલ્લાના ભૂપતિનગર ગઈ ત્યારે લોકોએ તેનો વિરોધ કર્યો તેમાં બબાલ થઈ ગઈ. લોકોના ટોળાએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના અધિકારીઓને રોક્યા તેમાં ચકમક ઝરી પણ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમ તેને ગણકાર્યા વિના બંને આરોપીને કોલકાત્તા લઈને જતી રહેલી.
આ ઘટના શુક્રવારે ૫ એપ્રિલે મોડી રાત્રે બની પછી તૃણમૂલ કૉંગ્રેસે તેની સામે હોહા કરી મૂકેલી. એનઆઈએના અધિકારીઓએ મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો હોવાના આક્ષેપો મુકાયેલા ને હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એનઆઈએ જેને આ કેસના બે મુખ્ય કાવતરાખોર ગણાવે છે એ પૈકીના એક ટીએમસી નેતા મનોબ્રત જનાની પત્ની મોની જનાએ એનઆઈએના અધિકારીઓ વિરુદ્ધ પેલીસ ફરિયાદ નોંધાવી છે.
મોની જનાનો આક્ષેપ છે કે એનઆઈએની ટીમે તપાસના બહાને અડધી રાત્રે તેના ઘરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. મોનીએ તેમને રોકવા પ્રયત્ન કરતાં અધિકારીઓએ ઘરમાં ઘૂસીને મારપીટ, દુર્વ્યવહાર અને તોડફોડ કર્યાં હતાં એવો આરોપ પણ મોનીએ લગાવ્યો છે. મોનીની ફરિયાદના આધારે ભૂપતિનગર પોલીસ સ્ટેશનમાં એનઆઈએના અધિકારીઓ વિરુદ્ધ આઈપીસીની જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે કોઈની ધરપકડ કરી નથી અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે એવી રેકર્ડ વગાડી છે પણ રાજકીય રીતે આ મુદ્દો ગરમ થઈ ગયો છે. ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચે બરાબરની જામી છે.
એનઆઈએનું કહેવું છે કે, પોલીસ ફરિયાદમાં કરાયેલા આક્ષેપો તદ્દન ખોટા છે. શુક્રવારે ૫ એપ્રિલે મોડી રાત્રે કોલકત્તા હાઈ કોર્ટના આદેશથી એનઆઈએ ટીમ ભૂપતિનગર ગઈ હતી કે જેથી તૃણમૂલ કૉંગ્રેસના નેતા બલાઈ ચરણ મૈતી અને મનોબ્રત જનાની ધરપકડ કરી શકાય. એનઆઈએએ બંનેની ધરપકડ કરી ત્યાં લગી કશું ના થયું પણ ટીમ આરોપીઓને વાહનમાં બેસાડીને લઇ જવા લાગી ત્યારે લોકો અધિકારીઓ સામે લાકડીઓ લઈને ઊભા રહી ગયા હતા. લોકોએ અધિકારીઓના વાહન પર પથ્થરમારો કર્યો તેમાં એક અધિકારીને ઈજા થઈ હોવાનો પણ એનઆઈએનો દાવો છે. એનઆઈએની ટીમ આરોપીઓને કોલકાતા લઈ ગઈ એ પહેલાં અધિકારીઓએ હુમલા વિરુદ્ધ ભૂપતિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પણ પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી ત્યાં હવે સામી ફરિયાદ નોંધાઈ ગઈ છે.
બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી આવા મુદ્દાઓને ચગાવવામાં માહિર છે તેથી તેમણે પહેલાં જ આ મુદ્દે જંગ શરૂ કરી દીધેલો. મમતાનો દાવો છે કે, એનઆઈએની ટીમ પર હુમલો થયો જ નથી પણ મહિલાઓ પર હુમલો થયો હતો. મમતાએ સવાલ ઉઠાવ્યો કે, એનઆઈએના અધિકારીઓએ અડધી રાત્રે શા માટે દરોડા પાડ્યા? એનઆઈએ પાસે અજધી રાત્રે દરોડા પાડવા માટે પોલીસની મંજૂરી હતી ? મમતાએ મહિલાઓનો બચાવ પણ કર્યો છે કે, રાત્રે કોઇ અડધી વ્યક્તિ તમારા ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે ત્યારે જે રીતે વર્તવું જોઈએ એ રીતે ભૂપતિનગરની મહિલાઓ વર્તી છે એ જોતાં તેમણે કશું ખોટું કર્યું નથી.
મમતાએ એનઆઈએની મદદથી ભાજપ ગંદું રાજકારણ રમી રહ્યો છે અને તૃણમૂલ કૉંગ્રેસના બૂથ એજન્ટોને અંદર કરી રહ્યો છે એવો આક્ષેપ પણ કર્યો છે. ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે પણ આક્ષેપ કર્યો છે કે, ભાજપે ટીએમસી નેતાઓની યાદી એનઆઈએને આપી છે અને તેના આધારે એનઆઈએ વર્તી રહી છે, ચૂંટણી પહેલાં આ નેતાઓની ધરપકડ કરીને ભાજપને ફાયદો કરાવવા માટે મચી પડી છે.
ભાજપ આ મામલે એનઆઈએનો બચાવ કરીને મમતાની પાર્ટીને ગુંડાઓની પાર્ટી ગણાવી છે. ભાજપનું કહેવું છે કે, એનઆઈએની ટીમ પર હુમલો કરીને મમતાની પાર્ટીએ ફરી સાબિત કર્યું છે કે, તેમેન બંગાળમાં ગુંડાગીરી અને આતંકના જોરે સત્તા ટકાવવામાં રસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે એનઆઈએની ટીમ પરના હુમલા પછી તૃણમૂલ કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યું કે, તૃણમૂલ સરકારને બંગાળમાં લૂંટફાટ અને આતંક ફેલાવવાનો મુક્ત પરવાનો જોઈએ છે. પોતાના ખંડણીખોર અને ભ્રષ્ટ નેતાઓને બચાવવા માટે મમતાની સરકાર કેન્દ્રીય એજન્સીઓ તપાસ કરવા જાય ત્યારે તેમના પર હુમલા કરાવે છે.
બંગાળમાં લોકસભાની ચૂંટણીમાં જીતવા માટે ભાજપ અને તૃણમૂલ બંને જીવ પર આવી ગયાં છે તેથી આ આક્ષેપબાજીનો જલદી અંત નહીં આવે એ નક્કી છે. બલ્કે હજુ તો આ પ્રકરણ લાંબું ચાલશે. તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓને આંટીમાં લેવા માટે કેન્દ્રીય એજન્સીઓ બંગાળ જયા કરશે ને સામે મમતાની પાર્ટી પોતાના નેતાઓને બચાવવા મથશે તેથી આવી ઘટનાઓનો સિલસિલો ચાલ્યા કરશે.
આ પ્રકારની ઘટનાઓ કમનસીબ કહેવાય ને તેના માટે બંને પક્ષ જવાબદાર છે. મમતા બેનરજી ગુંડાગીરીના રાજકારણની પેદાશ છે તેથી કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે ગુંડાગીરીનો આશરો લેવો એ જ તેમની માનસિકતા છે. કોઈને પણ ડરાવીને વશમાં રાખવાની માનસિકતા મમતા છોડી શકે તેમ નથી. બીજી તરફ ભાજપ સરકાર પણ એજન્સીઓનો દુરૂપયોગ કરે જ છે.
ભૂપતિનગરમાં બનેલી ઘટના બે વર્ષ જૂની છે. ૩ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ભૂપતિનગરમાં એક ઘરમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો તેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘરની છત ઊડી ગઈ હતી. વખતે આ બ્લાસ્ટ ભાજપે કરાવ્યો હોવાના આક્ષેપો થયા હતા તેથી એનઆઈએએ તપાસમાં રસ ના બતાવ્યો. હવે અચાનક એનઆઈએ સક્રિય થઈ અને ગયા મહિને આ કેસમાં પૂછપરછ માટે તૃણમૂલ કૉંગ્રેસના આઠ નેતાઓને સમન્સ પાઠવી ૨૮ માર્ચે ન્યૂ ટાઉન સ્થિત એનઆઈએ ઓફિસમાં હાજર થવા ફરમાન કરેલું.
એનઆઈએને અચાનક જ આ કેસની તપાસ અત્યારે લોકસભાની ચૂંટણી ટાણે જ કરવાનો ઉમળકો ક્યાંથી જાગી ગયો ? બે વર્ષ સુધી એનઆઈએ કેમ કશું કર્યા વિના બેસી રહી ? એનઆઈએની ટીમ અડધી રાત્રે શું કરવા ગઈ ?
આ સવાલનો જવાબ સ્પષ્ટ છે. ભાજપ સરકાર ઈચ્છતી હતી એટલે એનઆઈએ આ રીતે વર્તી છે.