એક ફુલપ્રૂફ પ્લાન
ટૂંકી વાર્તા – મનહર રવૈયા
ભાદર નદીના ડેમના કાંઠે વસેલું રૂપગઢ ગામ ખૂબ સમૃદ્ધ ગામ હતું. ડેમના હિસાબે જમીનમાં પાણી સારું હતું. જમીન પણ બહુ કસદાર એટલે ખેડૂતો ખેતી કરી સારું કમાઈ લેતા હતા. રૂપગઢમાં કાળુ મુખી એમની ત્રીજી પેઢીએ મુખીપણુ ભોગવતા હતા. રૂપગઢમાં આર.સી.સી.ના પાકા રસ્તા, સ્ટ્રીટલાઈટ, ઘરે ઘરે પાણીના નળ અને હાઇસ્કૂલ કાળુમુખીનાં મુખીપણાને આભારી હતું. ગમે તેવું વિકટ કામ મુખીના એક ઇશારે પતી જતું. એમની વગ છેક ઉપર સુધી હતી. વગ અને પૈસાનાં જોરે મુખીની આખા રૂપગઢ પર જબરી પકડ હતી. નહીંતર મુખીનાં અમુક અપલખણ ઘણાને આંખમાં કણા જેમ ખૂબ ખૂંચતા હતા. પણ કોઈ મુખી સામે હરફ સુધ્ધાં નહોતા ઉચ્ચારી શકતા.
વયમાં વનપ્રવેશ કરી ચૂકેલા મુખી હજીયે કડેધડે હતા. એમનો કસાયેલ દેહ તાંબા જેવો હતો. એમના પત્ની લાખુબેન પાંચેક વર્ષ પહેલાં ઝેરી મલેરિયા તાવમાં ગુજરી ગયાં હતાં. પછી મુખીએ પુન: લગ્ન નહોતાં કર્યાં. કારણ એમને બે છોકરાઓમાં મોટા વાલજીને ગામમાં હીરાનું કારખાનું ચાલે અને નાનાને જંતુનાશક દવા તેમજ ખાતરની દુકાન હતી. સૌથી નાની પુત્રી કાનુ સુરત સાસરે હતી. આમ મોટી ઉંમરે લગ્ન શોભે નહીં એ વાતે એમણે પુન:લગ્ન કર્યાં ન હતાં. પોતે સુખી-સંપન્ન હતા. કોઈ જાતની ચિંતા જેવું ન હતું. પાછો એમની કસદાર વાડીમાં ખેતી કરીને ભીમલો ધૂળમાંથી ધાન અને ધાનમાંથી ધન (રૂપિયા) નો મુખીને ઘેર ઢગલા કરી આપતો હતો.
આ ભીમલો એટલે મુખીની વાડીએ ખેતી કરતો ભાગિયો. એ ખેતીનું તમામ કામ એકલો સંભાળતો હતો. રૂપગઢમાં એના માબાપ એક પૂર હોનારતમાં મૃત્યુ પામેલાં ત્યારે ભીમલો સાતેક વર્ષનો ખરો. એના મામાને ત્યાં પાંચેક વર્ષ રહ્યો. પણ મામીના ત્રાસથી કંટાળીને ભીમલો પાછો રૂપગઢ આવી ગયો હતો. બસ પછી તો એ ગામની રહેમનજરે મોટો થયેલો. પોતે સાવ ભોળો સાવ ભગવાનનું માણસ. નજર અને હાથનો ચોખ્ખો, શરીરે ભારે મજબૂત માણસ એટલે મહેનત કરી જાણે. સાથે પરગજુય ખરો. ગામમાં ગમે ત્યાં સારો-મોળો પ્રસંગ હોય ત્યાં મહેનતનું કામ કરવા ભીમલો હાજર હોય જ. ગામનું નાનું છોકરુંય એને ઓળખે. વળી એને કોઈ વ્યસન નહીં. આવા ભીમલાના ભોળપણનો લાભ મુખીએ વાડીએ પોતાનો ભાગિયો બનાવીને લીધો હતો.
આમ મુખીને ઇમાનદાર ભીમલા પર વિશ્ર્વાસ હતો. મુખીએ બે ઓરડાવાળું મકાન બનાવેલું હતું, જે ભીમલાને રહેવા આપેલું હતું. વાડીએ એ મકાનને સાફ કરી એકલો રહેતો હતો. આમ વાડીએ ખેતી બારામાં મુખીને કોઈ ચિંતા જેવું ન હતું.
એમાં એક વાર ભીમલાના મામા વાડીએ આવેલા ત્યારે ભીમલો હાથે રોટલા બનાવતો. હવે એને બરાબર ફાવે નહીં છતાં કાચુંપાકું શાક રોટલા બનાવી એ જમી લેતો. ચૂલો બરાબર સળગે નહીં. ધુમાડો થાય, એની આંખો બળે. ભીમલાની આવી સ્થિતિ જોઈ એના મામાને ભીમલાની દયા આવી એટલે એમણે એના પોતાની માસીની દીકરી રમિલા સાથે ભીમલાની સગાઈ કરી આપી. એટલે મુખીએ ભીમલાને પૈસા આપી લગ્ન કરાવી આપ્યાં હતાં. હવે ભીમલો અને રમિલા બન્ને વાડીએ મકાનમાં મોજ કરતાં હતાં.
એમાં ભીમલાના લગ્ન પછી પહેલી હુતાશની હોળી આવી. ફાગણ સુદ પૂનમની પહેલી હોળીનાં રિવાજ મુજબ ભીમલો અને રમિલા દર્શન કરવા રાત્રે આવ્યાં ત્યારે જ કાળુ મુખીએ પહેલી વાર નજીકથી રમિલાને જોઈ. ઉભરાતા જોબનભરી નમણી રમિલાની કાયામાંથી રૂપ નીતરી રહ્યું હતું. હોળીની જ્વાળા જેવું રમિલાનું રૂપ મુખીને દઝાડી ગયું. બસ પછી તો રૂપાળી રમિલાને જોયા બાદ મુખીની દાઢ સળકી. આંખોમાં વાસનાના સાપોલિયાં સળવળી રહ્યા, નહીંતર પહેલા મુખી વાડીએ આંટો મારવા ક્યારેક માંડ ડોકાતા હતા. એના બદલે મુખીના આંટાફેરા રોજબરોજ વધી ગયા. વાડીના બે ઓરડાની ઓસરીમાં મુખી ખાટલો નાખીને બેસતા અને કામકાજ કરતી રમિલાને જોયા કરતા હતા ક્યારે વાડીના કૂવે નહાઈને રમિલા પાસે કપડાં ધોવરાવતા હતા. મુખીની નજર અને ઇરાદો રમિલા વર્તી ગઈ હતી. એટલે એ સજાગ રહી લાજ કાઢીને કામ કરતી હતી તો મુખી મનોમન રમિલાને જાળમાં લેવા ઘાટ ઘડતા હતા. જેમાં દરેક વાતે ભીમલો નડતર બનતો હતો. એ ભીમલો હોય ત્યાં સુધી કશું શક્ય ન હતું. મુખીને રમિલાને વશ કરવામાં ટૂંકમાં ભીમલો આડખીલીરૂપ હતો. બસ એ આડખીલી દૂર કરવા એક દિવસ મુખી ખરા બપોરે વાડીએ રાજદૂત પર આવ્યા. ત્યારે ભીમલો લીમડાના છાંયે સૂતો હતો. રમિલા માથાબોળ નહાઈને વેલણથી લાંબા વાળ ઝાટકીને કોરા કરી રહી હતી. એણે મુખીને જોઈ માથે ઓઢી લાજ કાઢી લીધી. વેધક નજરે રમિલાને જોતા જોતા મુખી બોલ્યા, “ભીમલો અત્યારે કેમ સૂતો છે? ખાલી અમથો સૂતો છે ને?
“હા…ઇ તો નીલગાયો અને રોઝડાઓ રાત્રે વાડીમાં છીંડા પાડીને ઘૂસીને માલ બગાડે છે તેથી તેનું ધ્યાન રાખવા રાત્રે જાગવું પડે છે એ ઉજાગરાથી સૂતા છે. “એમ વાત છે, માળો મને વાતેય કરતો નથી. હવે કાલથી ઉજાગરો નહીં કરવો પડે. લાવો થોડું પાણી પીવરાવો તો મારી તરસ છીપે.
રમિલા પાણીનો લોટો ભરી આવીને મુખીને લોટો આપવા ગઈ ત્યારે મુખીએ રમિલાનો હાથ દબાવતા કહ્યું, “આ કપાસના પૈસા આવે એમાંથી આ હાથમાં મારે સોનાની ચૂડલી પહેરાવવી છે.
મુખીને બોલતા સાંભળીને ભીમલો જાગી ગયો તેથી વાત અટકી ગઈ. ભીમલાને મળીને કાળુમુખી નીકળી ગયા ત્યારે રમિલાએ નિરાંતનો શ્ર્વાસ લીધો. એને મુખીનો બહુ ડર રહેતો હતો, કારણ મુખી દાણા નાખતો હતો. પણ રમિલા ચેતી ગઈ હતી તેથી દાદ આપતી ન હતી. અગાઉ કાળુમુખીએ કેટલીય બાઈઓને રાતોપાણીએ રોવડાવેલી હતી.
બીજા દિવસે ઇલેક્ટ્રિક વાયરનું બંડલ લાવીને મુખીએ વાડીની ફરતે તારનાં કાંટાની વાડમાં અને લોખંડના દરવાજામાં વાયર લગાવી સહેજ અમથો શોર્ટનો ઝટકો લાગે એવી ગોઠવણી કરી. જેનો ઝટકો લાગતા રોઝડા આવે નહીં અને આવે તો ભાગી જાય. પણ એની સ્વિચ રાત્રે જ ઓન કરવાની અને દિવસે કરંટ બંધ કરી દેવાનું મુખીએ ભીમલાને સમજાવી દીધું. આનાથી જનાવરનો ત્રાસ બંધ થતા ભીમલાને શાંતિ થઈ, પણ રમિલાને અશાંતિ વધી રહી હતી. મુખીની હરકત વધી રહી હતી. એક વાર તો રમિલાએ ભીમલાને મુખીની ફરિયાદ કરતા કહ્યું, “આ તમારા કાળુમુખીની દાનત-અને નજર સારા નથી.
“તે એમાં આપણને શું વાંધો છે? આપણને નડતા નથીને
“અરે નડતા હોય તો એનું નિવારણ થાય, તમે સાવ ભોળા જ રહ્યા, તમને ખબર નથી એની નજર મારી પર છે.
અને ખરેખર સાવ ભોળા ભીમલાને મુખી પર ખૂબ જ વિશ્ર્વાસ હતો, બસ આવા વિશ્ર્વાસુ ભીમલાને બહાર ગામ મોકલીને રમિલાને ઝપટમાં લેવા મુખીએ ફુલપ્રૂફ પ્લાન બનાવ્યો અને તુરત તેનો અમલ કરવા એણે ભીમલાને મોબાઈલ ઉપર કોલ કર્યો. મોબાઈલમાં રિંગ વાગતા રમિલાએ જોયું તો મુખીનો કોલ હતો. ભીમલાએ વાત કરી તો મુખી ભીમલાને ઘરે બોલાવી રહ્યા હતા. ભીમલો તુરંત જ ગામમાં આવ્યો, મુખીને ઘરે જઈને મળ્યો. એટલે મુખીએ ભીમલાને કહ્યું, “ભીમલા…! તું અત્યારે જ સુરનગર જા અને યાર્ડમાં આવેલ નવરંગ ટ્રેડિંગમાંથી કપાસના પૈસા લઈ આવ, વચ્ચે ક્યાંય રોકાતો નહીં.
“ભલે હું જાઉં છું.
“લે આ ચાવી રાજદૂત લેતો જા.
ભીમલો રાજદૂત લઈને નીકળી પડ્યો. હા વાડીએ આવી પોતે કપાસના પૈસા લેવા સુરનગર જાય છે મુખીના કહેવાથી એવું રમિલાને કહીને ભીમલાએ રાજદૂત મારી મૂક્યું. ખરા તડકામાં વાડી-ખેતર અને સીમ સાવ સુનકાર હતા. ધોળા દિવસે તમરા બોલતાં હતાં. વીસ કિ.મી. જવાના અને વીસ આવવાના આમ ચાલીસ કિ.મી.નું અંતર કાપી ભીમલો પૈસા લઈને આવી ગયો. પહેલા પોતે સુરનગરથી આવી ગયો છે એ રમિલાને કહેવા વાડીએ આવ્યો, પણ એની આંખો ફાટી રહી. એ હતપ્રભ થઈ ગયો. લોખંડના દરવાજાને અડીને મુખીની લાશ પડી હતી. રાજદૂત પરથી ઊતરી ભીમલો દોડીને મુખીની લાશ પાસે આવ્યો. એણે જોયું તો દરવાજાને બે વાયર લગાવેલા હતા તેની સ્વિચ પાછી બંધ હતી. આથી ભીમલાએ રમિલાને પૂછ્યું:
“રમિલા આ વાયરની સ્વિચ કોઈએ ચાલુ કરી હતી? ત્યારે રમિલા બોલી: ‘હા મેં ચાલુ કરી હતી’
“પણ એ રાત્રે રંજાડતા જાનવરોને અટકાવવા માટેની સ્વિચ હતી તે શા માટે ચાલુ કરી?
“આ દિવસના જાનવરને અટકાવવા માટે અને બીજું જુઓ…! કાળુમુખીનો તમે ગયા પછી ફોન આવેલો કે એ વાડીએ આવે છે તો તું… બાકીની વાત રમિલાએ ભીમલાને કામના કરી ત્યારે ભીમલાએ રાજી થતા મુખીએ ગોઠવેલ વાયર કાઢીને મૂકી દીધા, બિચારા મુખીએ બનાવેલ એના જ ફાંસલામાં… એના મોતનું રહસ્ય અકબંધ રહ્યું.