IPL 2024સ્પોર્ટસ

નીતિશ રેડ્ડી હૈદરાબાદની વહારે, પણ અર્શદીપ સૌથી અસરદાર

મોહાલી: પંજાબ કિંગ્સે અહીં આઇપીએલની વધુ એક મહત્ત્વની લીગ મૅચમાં બૅટિંગ આપ્યા પછી સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં નવ વિકેટે 182 રન બનાવ્યા હતા. પંજાબનો પેસ બોલર અર્શદીપ સિંહ (4-0-29-4) સૌથી સફળ બોલર સાબિત થયો હતો.

સ્ટાર બૅટર્સવાળી હૈદરાબાદની ટીમમાં આ વખતે ટ્રેવિસ હેડ (21), અભિષેક શર્મા (16), એઇડન માર્કરમ (0) અને હિન્રિચ ક્લાસેન (નવ રન) સારું રમવામાં નિષ્ફળ ગયા હતા, પણ આ વખતે બીજી જ મૅચ રમેલો આંધ્ર પ્રદેશનો 20 વર્ષનો નીતિશ કુમાર રેડ્ડી (64 રન, 37 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) ચમકી ગયો હતો. તેણે અબ્દુલ સામદ (પચીસ રન, 12 બૉલ, પાંચ ફોર) સાથે છઠ્ઠી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરીને ટીમની આબરૂ સાચવી હતી.

આ પણ વાંચો : 1000 રન, 100 કૅચ, 100 વિકેટ: જાડેજા જેવો કોઈ નહીં

અર્શદીપે હૈદરાબાદની ચોથી ઓવરમાં હેડ અને માર્કરમને પૅવિલિયન ભેગા કરીને ધમાલ મચાવી દીધી હતી. હર્ષલ પટેલે રાહુલ ત્રિપાઠી (11) અને ક્લાસેન (નવ રન)ની પ્રાઇઝ વિકેટ લીધી હતી તેમ જ સૅમ કરૅન પણ ત્રાટક્યો હતો. કરૅને અભિષેકને આઉટ કર્યો હતો, પણ અર્શદીપે બીજા સ્પેલમાં પણ ધબધબાટી બોલાવી હતી. તેણે હૈદરાબાદની 17મી ઓવરમાં અબ્દુલ સામદ અને નીતિશ રેડ્ડીને આઉટ કરીને હૈદરાબાદની ટીમને ફરી ઉપરાઉપરી બે આંચકા આપ્યા હતા.

કૅગિસો રબાડાએ 20.50 કરોડ રૂપિયામાં હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝીએ ખરીદેલા પૅટ કમિન્સને અને છેલ્લી ઓવરના પાંચમા બૉલમાં ભુવનેશ્ર્વર (છ રન)ની વિકેટ લીધી હતી અને 20મી ઓવરને અંતે શાહબાઝ અહમદ (14 અણનમ, સાત બૉલ, એક સિક્સર, એક ફોર)ની સાથે જયદેવ ઉનડકટ (છ રન) અણનમ રહ્યો હતો.

એક સમયે હૈદરાબાદે માત્ર 64 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે એવું લાગતું હતું કે મુંબઈ સામે વિક્રમજનક 277/3 રન બનાવનાર હૈદરાબાદની ટીમ પંજાબ સામે 100 રન પણ માંડ કરી શકશે. જોકે નીતિશ રેડ્ડી અને અબ્દુલ સામદની ઇનિંગ્સની મદદથી હૈદરાબાદે છેવટે 182/9નો સ્કોર નોંધાવ્યો હતો અને પંજાબને 183 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button