નેશનલ

ભારત આજે વૈશ્ર્વિક શક્તિ છે, તેનું કારણ મતનું મુલ્ય છે: આદિત્યનાથ

પીલીભીત (યુપી): ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અગાઉના શાસનની નિંદા કરતા મંગળવારે જણાવ્યું હતું કે જ્યારે ખોટા લોકોને મત આપવામાં આવ્યા હતા ત્યારે એવી સરકારો આવી હતી જેણે લોકોની સુરક્ષા સાથે સમજૂતી કરીને આતંકવાદીઓને બિરયાની ખવડાવી હતી.

10 વર્ષમાં આપણે બદલાતા ભારતને જોયું છે. તમારા એક વોટની કિંમતે આ કર્યું છે, એમ તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું.

યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જ્યારે તમારો મત ખોટા હાથમાં ગયો ત્યારે એવી સરકારો આવી હતી જે ભ્રષ્ટાચારમાં ડૂબેલી હતી. યુવાનોની સુરક્ષા અને ભવિષ્ય સાથે રમતી હતી. આતંકવાદીઓને બિરયાની ખવડાવતી હતી, દેશમાં અશાંતિ પેદા કરી હતી અને ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર કર્યા હતા.

આ પણ વાંચો : અપર્ણા યાદવે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સામે ચૂંટણી લડવાની કરી જાહેરાત

2014 અને 2019માં મતદારોને તેમના મતનું મૂલ્ય સમજાયું અને મોદીના નેતૃત્વ પર વિશ્ર્વાસ કર્યો. આજે આપણે પરિવર્તનશીલ ભારત જોઈ રહ્યા છીએ. આદિત્યનાથે ઉમેર્યું હતું કે ભારત હવે પીછ્છલગું (અન્યો પર આધાર રાખતું પછાત) રાષ્ટ્ર નથી પરંતુ વૈશ્ર્વિક શક્તિ છે.

કૉંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ગુરુ નાનક દેવનો જન્મ જ્યાં થયો હતો તે ભૂમિ એક સમયે અખંડ ભારતનો ભાગ હતી. કૉંગ્રેસની કપટી રણનીતિને કારણે દેશનું વિભાજન થયું. વડા પ્રધાન મોદીના સક્ષમ નેતૃત્વને કારણે કરતારપુર કોરિડોરનું નિર્માણ શક્ય બન્યું છે.

આદિત્યનાથે વધુમાં કહ્યું હતું કે, ગુરુ ગોવિંદ સિંહના ચાર સાહિબજાદાએ હિન્દુ ધર્મ અને ભારતની સંસ્કૃતિની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. ભારત માટે સર્વસ્વ બલિદાન આપનારા સાહેબજાદાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં વડા પ્રધાને અન્ય દિવસને બદલે 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ તરીકે ઉજવવાની તક આપી હતી.

તેમણે કહ્યું હતું કે પીલીભીત કૃષિ અને તેની અદ્ભુત કળા માટે જાણીતું છે.

વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ શેરડીના ખેડૂતોને હવે સમયસર તેમના નાણાં મળી રહ્યા છે. કોઈએ વિચાર્યું ન હતું કે અયોધ્યામાં રામ લલ્લાનું ભવ્ય મંદિર બનશે, પરંતુ વડા પ્રધાન મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આ શક્ય બન્યું છે.
ઉત્તર પ્રદેશમાં આઠ સંસદીય મતવિસ્તારો – સહરાનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, નગીના (એસસી), મુરાદાબાદ, રામપુર અને પીલીભીતમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. મતોની ગણતરી 4 જૂને થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button