ચૂંટણી પૂર્વે મધ્ય પ્રદેશની બૈતુલની બેઠક પરના ઉમેદવારનું નિધન
બૈતુલઃ મધ્ય પ્રદેશના બૈતુલ સ્થિત બસપ (બહુજન સમાજવાદી પાર્ટી)ના ઉમેદવાર અશોક ભલાવીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે, જેથી ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. સ્થાનિક કલેક્ટર નરેન્દ્ર સૂર્યવંશીએ ચૂંટણી પંચને તેના સંબંધમાં માહિતી પૂરી પાડી છે, જ્યારે હવે તે મતદારસંઘમાં ફરી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે.
મધ્ય પ્રદેશના બૈતુલના ઉમેદવાર અશોક ભલાવીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. બપોરે છાતીમાં દુખાવા પછી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા, તેથી હવે તેમની સીટ પરની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. બસપના ઉમેદવારના નિધન પછી બૈતુલની સીટ પરની ચૂંટણી પ્રક્રિયા ફરીથી શરુ કરવામાં આવશે. આ સીટ પર હવે નવા ઉમેદવારનું નામ આપ્યા પછી ચૂંટણીની પ્રક્રિયા ફરીથી હાથ ધરવામાં આવશે.
બૈતુલ લોકસભા સીટની ચૂંટણીની તારીખ આગળ વધારવામાં આવી છે. ચૂંટણી પંચ અહીં ઉમેદવારીપત્ર ભરવા અને વોટિંગ માટે નવી તારીખની જાહેરાત કરશે. બૈતુલમાં 26મી એપ્રિલના બીજા તબક્કા દરમિયાન વોટિંગ થવાનું હતું, પરંતુ હવે નવી તારીખ જાહેર કરવામાં આવશે. અહીં એ જણાવવાનું કે સોહાગપુર ગામના રહેવાસી અશોક ભલાવી શાકભાજીના વેપારી હતા. આવતીકાલે તેમના ગામ સોહાગપુરમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે.