IPL 2024સ્પોર્ટસ

1000 રન, 100 કૅચ, 100 વિકેટ: જાડેજા જેવો કોઈ નહીં

ચેન્નઈ: ‘બાપુ’ રવીન્દ્ર જાડેજાએ સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને વિજય અપાવવાની સાથે વિક્રમોની જાણે હારમાળા બનાવી દીધી.

આ ઑલરાઉન્ડરે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 15 વખત મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતનાર તેના ભૂતપૂર્વ કૅપ્ટન એમએસ ધોનીની બરાબરી કરવા ઉપરાંત બીજો પણ એક અનોખો વિક્રમ રચ્યો છે જે કદાચ ઘણા સમય સુધી બીજો કોઈ ઑલરાઉન્ડર નહીં તોડી શકે.

કોલકાતાએ બૅટિંગ મળ્યા પછી નવ વિકેટે 137 રન બનાવ્યા હતા. પાવરપ્લેની ઓવર્સમાં કોલકાતાની ટીમ મજબૂત થઈ રહી હતી ત્યારે જાડેજા ત્રાટક્યો હતો અને તેણે અંગક્રિશ રઘુવંશી (24 રન) અને સુનીલ નારાયણ (27 રન)ની મહત્ત્વની વિકેટ લીધી હતી. વેન્કટેશ ઐયર (ત્રણ રન) જાડેજાનો ત્રીજો શિકાર બન્યો હતો. જાડેજાએ ફિલ સૉલ્ટ અને શ્રેયસ ઐયરનો કૅચ પણ પકડ્યો હતો. એ સાથે, જાડેજા આઇપીએલમાં 100 કૅચ પકડનાર પાંચમો પ્લેયર બન્યો હતો.

આ પણ વાંચો : IPL 2024: ધોની બેટિંગમાં આવ્યો ને રસેલને કાન કેમ બંધ કરવા પડ્યા, તસવીરો વાઈરલ

આઇપીએલમાં તેના નામે 2,776 રન છે. જાડેજા આઇપીએલમાં 1,000 રન બનાવવા ઉપરાંત 100 કૅચ પકડનાર અને 100 વિકેટ લેનાર પ્રથમ ઑલરાઉન્ડર છે.

કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ સોમવારે મૅચ પછી જાડેજાને તેના આ અનોખા વિક્રમની જાણી કરી ત્યારે ‘બાપુ’ ખૂબ ખુશ થઈ ગયા હતા.

35 વર્ષનો જાડેજા મુખ્યત્વે ચેન્નઈ સુપર કિંગ્સ તેમ જ રાજસ્થાન રૉયલ્સ, ગુજરાત લાયન્સ અને કોચી ટસ્કર્સ વતી રમી ચૂક્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button