નવરાત્રિના પહેલા દિવસે વડા પ્રધાન મોદીએ કહ્યું કે ‘શક્તિ’નો કોઈ ઉપાસક ઈન્ડી ગઠબંધનને માફ નહીં કરે
પીલીભીત (યુપી): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મંગળવારથી નવરાત્રિ પર્વની શરૂઆત સાથે આખા દેશે યાદ રાખવું જોઈએ કે કેવી રીતે ઈન્ડી ગઠબંધને ‘શક્તિનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે’ અને જેઓ દેવીની પૂજા કરે છે તેઓ કોંગ્રેસ અને તેના સાથીઓને ક્યારેય માફ કરશે નહીં.
નવ દિવસની ચૈત્ર નવરાત્રી ઉત્સવ દરમિયાન દેવી દુર્ગા અથવા શક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
“આજે નવરાત્રિના પ્રથમ દિવસે હું દેશને એ પણ યાદ અપાવી રહ્યો છું કે કેવી રીતે ઈન્ડી ગઠબંધને ‘શક્તિ’નો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. જે ‘શક્તિ’ આગળ આપણે માથું નમાવીએ છીએ, કોંગ્રેસના નેતાઓ તેને ઉખાડી નાખવાની વાત કરી રહ્યા છે.
મોદીએ એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની શક્તિ સામેની લડાઈ ટિપ્પણી પર ફરીથી વિપક્ષને નિશાન બનાવી હતી.
ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી અને ભાજપ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન પર ‘હિંદુ વિરોધી’ હોવાનો આરોપ લગાવતાં તેમણે રાહુલ ગાંધીની ટિપ્પણી, સનાતન ધર્મ વિરુદ્ધ ડીએમકે નેતાઓની ટિપ્પણીઓ અને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહથી દૂર રહેવા માટે વારંવાર તેમના પર કરવામાં આવેલા પ્રહારોના દાખલા આપ્યા હતા.
વિપક્ષે સામે પક્ષે એવો આક્ષેપ કર્યો છે કે શાસક પક્ષ સાંપ્રદાયિક ધ્રુવીકરણનો આશરો લઈ રહ્યો છે કારણ કે તેની પાસે તેના રિપોર્ટ કાર્ડમાં બતાવવા માટે કંઈ નથી.
પીલીભીતની ભૂમિ પર માતા યશવંત્રી દેવીનો આશીર્વાદ છે. આ આદિ ગંગા મા ગોમતીનું ઉત્પત્તિ સ્થાન છે.
આજે દેશમાં જે ‘શક્તિ’ની પૂજા કરવામાં આવે છે, તે ‘શક્તિ’નું કોંગ્રેસ દ્વારા અપમાન કરવામાં આવ્યું છે… ‘શક્તિ’નો કોઈ ઉપાસક આ અપમાન માટે ઈન્ડી ગઠબંધનને માફ કરશે નહીં, એમ મોદીએ કહ્યું હતું.
ગયા મહિને મુંબઈમાં ઈન્ડિયા બ્લોકની રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘હિંદુ ધર્મમાં ‘શક્તિ’ નામનો એક શબ્દ છે… અમે ‘શક્તિ’ સામે લડી રહ્યા છીએ.
પછીથી ગાંધીએ વડા પ્રધાન પર તેમના શબ્દોને ટ્વિસ્ટ કરવાનો આરોપ મૂક્યો.
‘મેં જે ‘શક્તિ’નો ઉલ્લેખ કર્યો છે, મોદીજી એ શક્તિનો માસ્ક છે અને અમે તેની સામે લડી રહ્યા છીએ. તે એવી શક્તિ છે કે આજે તેણે ભારતનો અવાજ, ભારતની સંસ્થાઓ, સીબીઆઈ, આઈટી, ઈડી, ચૂંટણી પંચ, મીડિયા, ભારતીય ઉદ્યોગ અને ભારતનું સમગ્ર બંધારણીય માળખું તેની પકડમાં છે,’ એવો ખુલાસો તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કર્યો હતો.
ઉત્તર પ્રદેશમાં આઠ સંસદીય મતવિસ્તારો – સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, નગીના (એસસી), મુરાદાબાદ, રામપુર અને પીલીભીત – સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન કરશે.
દેશનો વિકાસ રોકવા માટે ઈન્ડી ગઠબંધનના લોકો મને ધમકી આપી રહ્યા છે: મોદી
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિપક્ષી ઈન્ડી બ્લોક પર પ્રહાર કરતા કહ્યું હતું કે તેના ઘટક પક્ષો ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે કામ કરી રહ્યા છે દેશના વિકાસને રોકવા માટે ધમકીઓ આપી રહ્યા છે.
મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં એક રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણી એ નવા ભારતના નિર્માણનું મિશન છે અને સત્તારૂઢ એનડીએના ત્રીજા કાર્યકાળમાં મોટા અને ઐતિહાસિક નિર્ણયો લેવા લોકોના આશીર્વાદ માંગ્યા છે.
તેમણે કહ્યું હતું કે તેમને સાંભળવા માટે એકત્ર થયેલ ભગવો સમુદ્ર દર્શાવે છે કે 4 જૂને મતદાનના પરિણામો શું આવશે.