કેરળમાંં નિપાહ વાઇરસથી બેનાં મોત: માંડવિયા
ક્ધટ્રોલ રૂમ શરૂ કરાયો, મદદ માટે કેન્દ્રીય ટીમ પણ રવાના
કોઝિકોડ: કેરળના કોઝિકોડમાં નિપાહ વાઇરસથી બે મૃત્યુ થયા હોવાની કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પુષ્ટિ કરી છે. નિપાહ વાઇરસ દ્વારા સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને રાજ્ય સરકારને મદદ કરવા માટે કેન્દ્રીય ટીમ રવાના કરી દેવામાં આવી હોવાનું કેન્દ્રીય આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું. કેરળમાં તાવ સંબંધિત બે મૃત્યુ પાછળ જીવલેણ નિપાહ વાઇરસ કારણભૂત હોવાની પ્રબળ શંકાને પગલે રાજ્ય સરકારે પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી (એનઆઇવી)ને નમૂનાઓ મોકલ્યા હતા. જેના પરીણામોની રાહ જોવાઇ રહી છે. નિપાહ વાઇરસના ખતરાને પગલે સરકારે કોઝિકોડમાં કંટ્રોલ રૂમની શરૂઆત કરી હતી અને લોકોને સાવચેતીના પગલા તરીકે માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
જિલ્લામાં બે અકુદરતી મૃત્યુ નોંધાયા બાદ કેરળ સરકારે નિપાહ વાઇરસની હાજરીના પરીક્ષણ માટે પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી (એનઆઇવી)માં પાંચ સેમ્પલ મોકલ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર કેરળમાંથી વધુ ચાર લોકોના સેમ્પલ જીવલેણ વાઇરસના પરીક્ષણ માટે પુનાની લેબમાં મોકલવામાં આવ્યા છે. નિપાહ વાઇરસના ચેપને લીધે બે શંકાસ્પદ મૃત્યુના અહેવાલો બાદ ગઇકાલે જિલ્લા-વ્યાપી આરોગ્ય ચેતવણી જારી કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન પિનરાઇ વિજયને મંગળવારે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, સરકાર બન્ને મૃત્યુને ગંભીરતાથી લઇ રહી છે અને આરોગ્ય વિભાગે નિપાહ વાયરસની આશંકાને પગલે જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. ચિંતા કરવાની કોઇ જરૂર નથી. કારણ કે જેઓ મૃતકોના નજીકના સંપર્કમાં હતા, તેમાંથી મોટાભાગના હાલ સારવાર હેઠળ છે.
તેમજ રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જ અસરગ્રસ્ત જિલ્લામાં પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. આરોગ્ય વિભાગે ૧૬ કોર કમિટીની રચના કરી છે. પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં સમગ્ર આરોગ્ય તંત્ર એલર્ટ પર છે. પ્રથમ મૃતકના ચાર સંબંધિઓ હૉસ્પિટલમાં છે. જેમાંથી એક બાળક હાલ વેન્ટિલેટર સપોર્ટ પર છે.