AAPને લાગ્યો રાષ્ટ્રપતિ શાસનનો ડર, LGના પત્રને કારણે તણાવ વધ્યો
અરવિંદ કેજરીવાલના જેલમાં જતાની સાથે જ રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની અટકળોએ ફરી એકવાર તુત પકડ્યું છે. દિલ્હીના LGએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને દિલ્હી સરકારની ફરિયાદ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આને કારણે આમ આદમીના પાર્ટીઓ નેતાઓમાં રાષ્ટ્રપતિ શાસનને લઈને ગભરાટ વધી ગયો છે. સોમવારે દિલ્હીની વિધાનસભામાં બોલતી વખતે AAPના વિધાનસભ્યે એવો દાવો કર્યો હતો કે ભાજપ AAPને ડરાવવા માટે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનની અફવાઓ ફેલાવી રહી છે.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ગૃહ મંત્રાલયને પત્ર લખીને દિલ્હીની તાજેતરની સ્થિતિની જાણ કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સરકારના મંત્રીઓ ઉપરાજ્યપાલ સાથે બેઠક કરવાનો ઇનકાર કરી રહ્યા છે.
મંત્રીઓ જાહેર મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાને બદલે તેની અવગણના કરી રહ્યા છે. LGના પત્રમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીના મુખ્ય પ્રધાનની ધરપકડ અને ત્યાર પછીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ઉપ રાજ્યપાલે પાણી, શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને પર્યાવરણ વિભાગો સાથે સંબંધિત દિલ્હી સરકારના નેતાઓની બેઠક બોલાવવાનો નિર્ણય લીધો હતો. લેફ્ટનન્ટ ગવર્નરે 29 માર્ચ અને બે એપ્રિલના રોજ બે વખત મંત્રીઓ સાથે મીટીંગ કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ મુદ્દાઓ ઉકેલવાને બદલે આ બધાને નેતાઓ જાહેરમાં કાદવ ઉછાળવામાં વ્યસ્ત છે.
તેમણે લેફ્ટનન્ટ ગવર્નરને મળવાનો ઇનકાર કર્યો છે. નાગરિકોને અસર કરતા દૈનિક મુદ્દાઓ પર ગવર્નર વી કે સક્સેના સાથે મિટિંગમાં હાજરી આપવાનો કેજરીવાલના મંત્રીઓ ઇન્કાર કરી રહ્યા છે.
પત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા મંત્રીઓને બેઠકમાં હાજરી આપવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ તે બધાએ આદર્શ આચારસંહિતાનો ઉલ્લેખ કરીને ઈમેલ દ્વારા બેઠકમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. ઉપરાજ્યપાલનું માનવું છે કે આ પ્રકારની બેઠક જરૂરી હતી જેથી સી.એમ કેજરીવાલની ધરપકડને કારણે સરકારના નિયમિત કામમાં અવરોધ ના આવે.
દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે એલજી વિનય કુમાર સક્સેના પર પ્રહાર કર્યો છે અને જણાવ્યું છે કે એલજીએ બંધારણને સમજવું જોઈએ. પાણી, આરોગ્ય, પર્યાવરણ અને વન વિભાગ વગેરે ચૂંટાયેલી સરકારનો વિષય છે અને આ મામલા માટે તેમણે વચ્ચે આવવું ના જોઈએ. દિલ્હી સરકારે ગૃહ મંત્રાલય લખેલા LGના પત્ર પર તેમની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે LG જે બાબતે વાત કરી રહ્યા છે તે આમ આદમી પાર્ટીનો અંદરનો મામલો છે. ભારતના બંધારણ અનુસાર દિલ્હીની ચૂંટાયેલી સરકારને કામ કરવાનો અધિકાર છે.
આમ આદમી પાર્ટીએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે મુખ્યપ્રધાન કેજરીવાલની ધરપકડ બાદ ભાજપ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો પ્રયાસ કરી રહી છે. કેજરીવાલની ધરપકડ બાદ ભાજપ કેજરીવાલનું રાજુનામું આપવા માટે દબાણ કરવાનો પ્રયાસ કરી રહી છે જેને કારણે દિલ્હીમાં ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે. આમ આદમી પાર્ટીને હટાવવા માટે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.
નોંધનીય છે કે દિલ્હીના LG સકસેનાએ તાજેતરમાં જણાવ્યું હતું કે દિલ્હી સરકારને જેલમાંથી ચલાવવા દેવામાં આવશે નહીં. 21 માર્ચે ઈડીએ દિલ્હીના કથિત લીકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. તેઓ 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.