આ મહિનામાં મીઠાનો ઉપયોગ ઓછો કરો સ્વસ્થ રહો
વિશેષ – ઉર્મિલ પંડ્યા
ચૈત્ર મહિનામાં એક અલૂણા વ્રત આવે છે જેમાં મીઠાનો ઉપયોગ ટાળવાનો હોય છે. મીઠું પેટમાં ન જાય તેનું ધ્યાન રાખવાને બદલે ચૈત્રમાં ચાલે એટલું મીઠું ફાગણના અંત ભાગમાં ઘરભેગું કરી લે છે.
ખરેખર તો ચૈત્રની ગરમીમાં મીઠું ન વાપરવું જોઈએ અથવા તો એકદમ ઓછું વાપરવું જોઈએ. જેથી ઘણા પ્રકારે લાભ થયા છે. કેવી રીતે તે હવે આપણે જોઈએ.
મીઠું એ આયોનિક બોન્ડ ધરાવતો પદાર્થ છે. એટલે જ્યારે મીઠાને પાણીમાં ભેળવવામાં આવે છે ત્યારે તે સોડિયમ નામના ઘનભાર ધરાવતાં અને ક્લોરિન નામના ઋણભાર ધરાવતાં તત્ત્વોમાં વિભાજિત થાય છે. એક વાસણમાં સાદું પાણી અને બીજા વાસણમાં મીઠાવાળું પાણી રાખીને બેઉને ખુલ્લા વાતાવરણમાં આવે તો સાદા પાણીનું બાષ્પીભવન જલદી થાય છે, જ્યારે ખારું પાણી ઝડપથી ઊડી જતું નથી, કારણ કે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે સાદા પાણીની ઉપલી સપાટી પર બધા પાણીના જ અણુઓ હોય છે, પરંતુ ખારા પાણીની ઉપલી સપાટી પર સોડિયમ, ક્લોરિન અને પાણીના અણુઓ હોય છે.
આમ, સાદા પાણી કરતાં મીઠાવાળા પાણીમાં ઉપલી સપાટી પર પાણીના અણુઓનું પ્રમાણ ઓછું થઈ જાય છે. હવે બાષ્પીભવનમાં હવામાં ઊડી જવાનું કામ ફક્ત પાણીબહેનનું જ હોય છે. મીઠાભાઈ તો વાસણમાં જ પડ્યા રહે છે. ઊલટું તેમની હાજરીને કારણે પાણીબહેનને ઊડી જવા માટેના માર્ગ પણ સાંકડો થઈ જાય છે. આથી ખારા પાણીનું બાષ્પીભવન થતાં વાર લાગે છે.
ઉનાળામાં શરીરમાં પરસેવો વધારે પ્રમાણમાં થાય છે. તમે જાણે- અજાણે પરસેવાનો ખારો સ્વાદ તો ચાખ્યો જ હશે. એ બીજું કંઈ નહિ, પણ શરીરમાં ન વપરાયેલી મીઠા, બીજા ક્ષાર અને પાણીનું જ સંયોજન છે. હવે ગરમીમાં તમે જેટલું મીઠું વધારે ખાવ એટલું વધારે મીઠું પરસેવાની સાથે બહાર નીકળે અને પરસેવાને વાતાવરણમાં ઊડી જવાનાં વિઘ્ન નાખે. જો શરીરમાંથી પરસેવો સમયસર ઊડે નહિ, તો શરીરને ઠંડક તો ન લાગે, પણ સાથેસાથે હવામાંના બેકટરિયા પરસેવામાં પોતાનું ઘર ભાળી જાય અને આ બેક્ટરિયા જેને ભેજ ગમતો હોય છે તેમની આપણી ચામડી પર ઝડપી વૃદ્ધિ થતી હોય છે, પરિણામે ચામડીનાં છિદ્રો પુરાઈ જાય.
અળાઈ, ગૂમડાં, ફોડલીનું પ્રમાણ શરીરમાં વધી જાય. ચામડીના રોગ વધે, દુર્ગંધ વધે. શરીર વાટે પરસેવો જલ્દીથી બહાર ન નીકળતાં બધો બોજો કિડની પર આવે અને કિડનીને ખરાબ અસર થવાની શક્યતા પણ વધી જાય. આથી ઊલટું મીઠાનો વપરાશ ન કર્યો હોય અથવા ઓછો કર્યો હોય તો પરસેવામાં પણ ક્ષારનું પ્રમાણ ઓછું થઈ જાય અને એ ઝડપથી શરીર પરથી ઊડી જાય તેમ જ બેક્ટરિયાને જમા થવા માટે ચાન્સ મળે નહિ.
બીજું, મીઠું પાણીની ગરમી ટકાવી રાખે છે. એટલે જ રાંધતી વખતે સાદા પાણી કરતાં મીઠું નાખેલા પાણીમાં કોઈ પણ ખાદ્યવસ્તુ જલદીથી ચડી જાય છે. આવું મીઠું ઉનાળામાં શરીરની અંદર જાય તો શરીરની ગરમીમાં વધારો કરે છે, પિત્તમાં વૃદ્ધિ થાય એટલે મીઠું ન ખાધું હોય તો ઉનાળામાં ગરમી ઓછી લીગે છે અને ઉનાળો સહ્ય બને છે.
ત્રીજું, મીઠામાં સોડિયમનું જે તત્ત્વ છે તે શરીરના પ્રવાહીની અંદર વીજકણોની સમતુલા જાળવવામાં અને બ્લડપ્રેશર જાળવવામાં મદદરૂપ થાય છે, પરંતુ આ જ સોડિયમનું પ્રમાણ વધી જાય તો બ્લડપ્રેશર `હાઈ’ થઈ જાય છે, જે હૃદયમાં દુખાવો ઉત્ત્પન્ન કરી હાર્ટ એટેક સુધી પહોંચાડી શકે છે.
આજના નેચરોપથ ડૉક્ટરો તો મીઠાની જરૂર છે એટલી તો ફળો, શાકભાજી કે અન્ય ખાદ્યપદાર્થોમાંથી મળી રહે છે. માટે મીઠાને કાયમ માટે બંધ કરી દો તોપણ શરીરને કંઈ નુકસાન નથી. આપણે હાઈ બી.પી કે કિડની ટ્રબલથી પીડાવા લાગીએ ત્યારે ડૉક્ટર ફરજિયાત મીઠું બંધ કરાવી દે છે. દસમા ધોરણના વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને શીખવામાં આવે છે કે 35 વર્ષ પછી મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
મીઠું' ફરજિયાત આપણી ઈચ્છા ન હોય તોપણ બંધ કરવાના દિવસો આવે એના કરતાં શાસ્ત્રોમાં સૂચવ્યા પ્રમાણે ચૈત્રના ઉનાળામાં સ્વેચ્છાએ મીઠું ઓછું કર્યું હોય કે બંધ કર્યું હોય તો આખું વર્ષ સારી રીતે પસાર થાય છે અને દિવાળી કે શિયાળામાં મેવા-મિષ્ટાન કે ફરસાણ ખાવામાં થોડી છૂટ લેવાઈ જાય તો વાંધો નથી આવતો. આપણી વ્રતકથાઓમાં લખ્યું છે કે જે ભાવિકો ચૈત્ર માસમાં
અલૂણા વ્રત’ કરશે અને આખો મહિનો અથવા પંદર, અગિયાર, સાત, પાંચ, ત્રણ કે એક દિવસ અલૂણું (મીઠા વગરનું) ભોજન કરશે તેને રોગ નહિ થાય અને રોગ થશે તો તે શમી જશે’
જૈનોમાં પણ ચૈત્ર સુદ સાતમથી આયંબિલ ઓળી અને અઠ્ઠાઈનો પ્રારંભ થતો હોય છે જેમાં બાફેલા અને મીઠા વગરના ભોજનનો અનુરોધ કરવામાં આવ્યો છે. મીઠા વગર ન જ રહી શકાતું હોય તેવા લોકો સિંધાલૂણ વાપરવાની છૂટછાટ લે છે. સિંધાલૂણ કુદરતી રીતે બનેલા ખડકોમાંથી મળતો ક્ષાર છે. તે મીઠા કરતાં ઓછો નુકસાનકારક છે, પરંતુ ઉત્તમ રસ્તો તો ચૈત્રના થોડાઘણા દિવસો મીઠા વગરના ભોજનને ગ્રહણ કરવાનો જ છે.
મીઠું ઓછું ખાવ તો સ્વાસ્થ્ય તો સુધરે જ છે, સાથેસાથે સૌંદર્ય પણ નીખરી ઊઠે છે. આજના સૌંદર્ય અને ફૅશનલક્ષી જમાનામાં આ પણ એક અગત્યની વાત ગણાય. ગરમી અને કાળા રંગને સીધો સંબંધ છે. દરેક દંપતીને ઊંડે ઊંડે એવી ઈચ્છા હોય છે કે એમને ત્યાં ગોરું બાળક જન્મે. ઉનાળામાં ચૈત્ર સુદ-9ને દિવસે જ ગોરો વાન ધરાવતા શ્રી રામચંદ્ર જન્મ્યા હતા. તમારે પણ શ્રીરામ જેવું ગોરું સંતાન જોઈતું હોય અથવા તો તમારે પોતે ગોરા દેખાવું હોય તો મીઠાનો વપરાશ કમસે કમ ઉનાળામાં એકદમ ઓછો કરી દેવો જોઈએ. જેથી કરી મીઠાની ગરમીથી ઉત્પન્ન થતી કાળાશથી બચી શકાય છે તેમ જ ફોડલી, ગુંમડાં, ખૂજલી જેવા નાનામોટા વિકારથી ચામડીને બચાવી તેનું સૌંદર્ય પણ જાળવી શકાય છે.
અલૂણા વ્રત સ્ત્રીઓએ જ કરવું જોઈએ એવું માનીને પુરુષ વર્ગ છટકી જતો હોય છે, પરંતુ હાઈ બી.પી., હૃદયરોગ થવાની સંભાવના પુરુષોમાં વધુ હોય છે માટે આ રોગથી બચવા આ વ્રત સ્ત્રીઓ સાથે પુરુષોએ પણ કરવું જોઈએ. એ સાચું છે કે મોટા ભાગનાં વ્રતો સ્ત્રીઓએ જ કરવાનાં હોય છે, કારણ કે સ્ત્રીઓએ સંતાનને પેટમાં રાખવાથી માંડીને સંતાન જન્મે અને માતાનું ધાવણ ધાવીને મોટાં થાય ત્યાં સુધી બે જીવને સુંદર, સ્વાસ્થ્યકારક, ગુણવાન અને સુસંસ્કારી બનાવવાની કુદરતી જવાબદારી હોય છે. એટલે જ જો સ્ત્રીઓ શ્રદ્ધા સાથે બધાં વ્રત પાળે તો પોતાના ઘર કે કુટુંબને જ નહિ, પૂરા સમાજ અને દેશને પણ ફાયદો થાય છે.