તરોતાઝા

પ્રાણાયામ અને આધુનિક વિજ્ઞાન

આરોગ્ય વિશેષ – મયુર જોષી

ભારતીય સંસ્કૃતિના રીતરિવાજો, તહેવારો કે ક્રિયાઓમાં રહેલા સિદ્ધાંતો હવે આધુનિક વિજ્ઞાન દ્વારા પણ લાભદાયી પુરવાર થતા જાય છે અને ભવિષ્યમાં પણ પુરવાર થતા રહે તો આશ્ચર્ય નહિ ગણાય. પ્રાણાયામ હજુ થોડા દાયકાઓ પૂર્વે માત્ર સાધુ સંતો પૂરતો મર્યાદિત હતો, પરંતુ આજે આમ જનતા સુધી પહોંચ્યો છે.

માત્ર આપણા દેશની પ્રજા જ નહિ, પરંતુ વિદેશીઓ પણ પ્રાણાયામથી શારિરીક અને માનસિક આરોગ્ય પર સારી અસર થાય છે એમ માને છે. પોતાને સુધારાવાદી કહેવડાવતા ભારતીયો હજી પણ ભારતીય પદ્ધતિઓ સામે સૂગ ધરાવતા હોય છે. તેઓ કહે છે કે શીતલી કે શીતકારી પ્રાણાયામમાં મોં વડે શ્વાસ લેવાની ક્રિયા થાય જ્યારે આજનું વિજ્ઞાન મોં વડે શ્વાસ લેવાની ના પાડે છે.

કારણકે નાક જેવી ગળણી મોંમાં હોતી નથી એટલે વાયુઓના ખેંચવા સાથે બેક્ટેરિયા કે વિષાણુઓ પણ શરીરમાં જાય છે. આનો પ્રત્યુત્તર આપતાં પ્રખ્યાત ફૂડ ન્યૂટ્રિશનિસ્ટ, ડાયાબિટીસ નિષ્ણાત અને પ્રાણાયામ અભ્યાસી કુમારી રૂપલ પુરોહિત જણાવે છે કે પ્રાણાયામ હંમેશાં બગીચા, મેદાન કે મકાનની અગાશી જેવાં ખુલ્લાં, સ્વચ્છ અને હાયજેનિક સ્થળોએ જ કરવાનો હોય છે.

કોઇ ગંદકીવાળી જગ્યા કે અસ્વચ્છ બંધ રૂમમાં નહિ અને શુદ્ધ વાતાવરણમાં કરેલા પ્રાણાયામમાં પણ જો ભૂલેચૂકે હાનિકારક બેક્ટેરિયા મોંમાં પ્રવેશે તો એટલા બેક્ટેરિયાને મારી હટાવવા જેટલી શક્તિ આપણા મોંની લાળના એન્ઝાઇમ્સમાં હોય જ છે.

રિડર્સ ડાયજેસ્ટ નામનું અંગ્રેજી અમેરિકન માસિક દુનિયાભરમાં લોકપ્રિયતા ધરાવે છે. તેમાં એક ડૉક્ટરે લખેલા પ્રાણાયામના લેખમાં જણાવ્યું હતું કે જ્યારે કોઇ વસ્તુ આપણને મળવામાં વાર લાગે ત્યારે આપણી અધીરાઇ અને વિહ્વળતા વધી જાય છે. આ જ રીતે પ્રાણાયામ જે શ્વાસને રોડી રાખવાની ક્રિયા છે તેનાથી હદયની ધમનીઓ ઘણી બેચેન બની જાય છે અને જેમ કોઇ ભૂખ્યું પ્રાણી ભોજન ગ્રહણ કરવા મોં પહોળું કરે છે તેમ આ ધમનીઓ પ્રાણવાયુ ગ્રહણ કરવા પહોળી થાય છે. જેમ બે આંગળી વચ્ચે પકડેલી બૅાલપેન આંગળીઓ જરાક પહોળી થતા સરકીને નીચે પડી જાય છે એ જ રીતે ધમનીની દીવાલો પહોળી થતાં તેમાં જામેલી ચરબીરૂપી કચરો સરકી જાય છે. ધમનીઓ સાફ થાય છે એને લીધે હૃદય અને ફેફસાંને વધુ બળ મળે છે અને હદયરોગનો ખતરો ટાળી શકાય છે.

પ્રાણાયામ માત્ર હદય અને ફેફસાંના જ નહિ, પેટના રોગો મટાડવામાં પણ સહાયભૂત થાય છે. પ્રાણવાયુ દરેક વસ્તુને બાળવામાં મદદ કરે છે એ તો આધુનિક વિજ્ઞાને પણ શોધ્યું છે. જે છ-સાત ચોપડીઓ ભણ્યા હશે તેમને પણ એટલી ખબર હશે જ કે મીણબત્તીને સળગતી રાખવામાં પ્રાણવાયુનો ફાળો હોય છે. જો તેની પર કાચનો પ્યાલો. ઢાંકી દઇએ તો પ્રાણવાયુના અભાવમાં તે ઓલવાઇ જાય છે હવે આ જ વસ્તુ યોગ-કુંડલી ઉપનિષદમાં પણ જણાવવામાં આવી છે. કે પ્રાણાયામ દ્વારા લીધેલો ઊંડા શ્વાસ પ્રાણવાયુને જઠરાગ્નિ સુધી પહોંચાડે છે અને તે જઠરાગ્નિને વધુ પ્રજ્વલિત કરે છે.

આયુર્વેદ પણ કહે છે કે જેમનો જઠરાગ્નિ બરાબર પ્રજ્વલિત હોય એટલે કે જેમને ભૂખ બરાબર લાગે છે તે નીરોગી વ્યક્તિ છે. જ્યારે ભૂખ બરાબર લાગતી નથી કે જે વ્યક્તિના શરીરમાં અન્ન પાચન યોગ્ય રીતે થતું નથી તે શરીરમાં બીમારીના મૂળ રોપે છે પ્રાણવાયુની આ બળવામાં મદદ કરવાની સેવાને બિરદાવતા ફૂડ ન્યૂટ્રિશનિસ્ટ કુમારી રૂપલ વધુમાં જણાવે છે કે આ પ્રાણવાયુ તમારી વધુ પડતી કેલરીને બાળવામાં પણ મદદ કરે છે અને તમને સુડોળ
અને ચુસ્ત રાખે છે.

જે કામ દવા નથી કરી શક્તી તે કામ હવા કરી શકે છે એ હવે વિવિધ રીતે પુરવાર થતું જાય છે. વાયુ અતિ ચંચળ, ઝડપી અને સાંકડામાં સાંકડી જગ્યાએ પહોંચી શકે છે. અનેક કારખાનામાં મશીનના મોટા કે નાના સ્પેરપાર્ટ્સ સારી રીતે સાફ કરવા એર કૉમ્પ્રેસર્સ વપરાય છે. માત્ર કારખાનામાં જ શું કામ તમે ઘરે જે સાફસફાઇ માટે વૅક્યુમ ક્લિનર વાપરો છો તે પણ આ જ સિદ્ધાંતથી ચાલે જે જે કેલક્યુલેટરથી માંડી ઘરની દરેક ચીજવસ્તુઓ ગણતરીની પળોમાં સાફસુથરી કરી દે છે. આ જ રીતે પ્રાણાયામમાં હવાના યોગ્ય રોકાણથી અને યોગ્ય દબાણથી પૂરા શરીરમાં પ્રાણવાયુ પહોંચી દરેકેદરેક કોષોની અશુદ્ધિને સાફ કરી નાખે છે. સામાન્ય સ્થિતિમાં રહેતા શ્વાસોચ્છાવાસમાં આ ક્રિયા ખૂબ ધીમી હોય છે, જે પ્રાણાયમના નિત્ય અભ્યાસથી ઝડપી અને સરસ રીતે થાય છે.

માત્ર શારીરિક ભૌતિક જ નહિ, આધ્યાત્મિક વિકાસ માટે પણ પ્રાણાયામની ક્રિયા મહત્ત્વની છે. પ્રાણાયમથી વિરાટ જથ્થો જઠારાગ્નિને મળે છે તેથી તેની આસપાસ રહેલા વાયુઓ પણ ગરમ થાય છે અને આવા ગરમ વાતાવરણમાં કુંડલીની નાડી અને ચક્રો તપી જઇને જાગૃત બને છે. જેમ શેરીમાં કોઇ કૂતરું ઠંડીના દિવસોમાં ટૂંટિયું વાળીને પડ્યું હોય તેમ આપણા શરીરમાં કુંડળીની નાડી સાપની જેમ ગૂંચળું વાળીને પડી હોય છે, પરંતુ નિત્ય કરાતાં પ્રાણાયમને કારણે તપી જઇને તે સિદ્ધિ અને ટટ્ટાર બને છે, ત્યારે શક્તિના ધોધ સાથે મૂલાધાર
ચક્રથી લઇ દરેક ચક્રને વીંધતી સહસ્ત્રાર ચક્ર સુધી ઉપર ચઢે છે, જે અત્યાર સુધી કાર્યરત ન થયેલા એટલે કે સુષુપ્ત રહેલા વિવિધ ભાગના કોષો સહિત મગજના સર્વ કોષો કાર્યશીલ બનાવે છે. તેથી સાધકનું શરીર અને મગજ 90 ટકાથી પણ વધુ ઉપયોગ કરવા શક્તિમાન બને છે.
આધુનિક વિજ્ઞાન કહે છે કે સામાન્ય મનુષ્ય મગજનો માત્ર પાંચ ટકાથી સાત ટકા જ ઉપયોગ કરે છે. બુદ્ધિશાળી અને મહાનમાં મહાન જ્ઞાની ગણાતા લોકો પણ માંડ 10 ટકાથી 12 ટકા જેટલા મગજનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ હવે જો માણસ 90 ટકા મગજનો ઉપયોગ કરતો થાય તો તે કેવો બને અને કેટલી શક્તિઓ પ્રાપ્ત કરે તેની કલ્પના જ કરવી રહી. શાસ્ત્રોમાં તો લખ્યું છે કે આવો સાધક સર્વજ્ઞ અને સર્વ સિદ્ધિઓને હસ્તગત કરનારો બને છે. તે શરીર અને
બ્રહ્માંડની સર્વ બાબત જાણનારો થાય છે. તે આત્માની પૂર્ણ ઓળખ સાથે પરમ પરમેશ્વર જગતપિતાથી પણ સુપરિચિત થઇ જાય છે. તે પરમ આનંદ અને શાંતિની અનુભૂતિમાં જ કાર્યરત બની રહેનારો હોય છે. તેમજ પૂરા જગતના કલ્યાણાર્થે જ
કાર્યરત બની રહેનારો હોય છે. ટૂંકમાં એમ જ કહો ને કે આજનો કલ્પેલા હિ-મૅન કે સુપરમૅન જેવો જ મનુષ્ય બની જાય આધ્યત્મિક વાત બાજુ પર મૂકી દઇ માત્ર શારીરિક અને માનસિક ફાયદા થાય છે. એ ધ્યાનમાં રાખીને પણ વિદ્યાર્થીઓને પ્રાણાયામ શાળા જીવનથી જ શીખવવાની જરૂર છે.

આ પ્રાણાયામ વાયુ આધારિત ચિકિત્સા જ છે. એને કોઇ સરહદ કે કોઇ ધર્મના સીમાડા નડતા નથી. પણ આપણી ધર્મનિરપેક્ષ સરકાર તેને હિન્દુ મીથ(ભારતીય દંતકથા) ગણીને નજરઅંદાજ કરે છે અને રોગોને દૂર કરવાની પરદેશથી આયાત થયેલી પદ્ધતિઓમાં કરોડો રૂપિયા ખર્ચે છે. ઇ.સ. 1947માં આપણે માત્ર કાગળ પર જ આઝાદ થયા છીએ. બાકી આપણી માનસિક ગુલામી તો હજી પણ ચાલુ જ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button