આમચી મુંબઈ

યોગ મટાડે મનના રોગ: યૌગિક મનોવિજ્ઞાન

તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
(3) વિક્ષિપ્તાવસ્થા:
ચિત્તની અવસ્થામાં સત્ત્વગુણ પ્રધાન સ્વરૂપે રહે છે અને રજોગુણ તથા તમોગુણ દબાયેલા રહે છે. આ અવસ્થામાં સત્ત્વગુણની પ્રધાનતાને લીધે મનુષ્યની પ્રવૃત્તિ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય તરફ રહે છે . જિજ્ઞાસુ સાધકની આ અવસ્થા ગણાય છે. આ અવસ્થામાં રજોગુણ ચિત્તને કંઈક અંશે વિક્ષિપ્ત કર્યા કરે છે. આ સ્વરૂપની આંશિક વિક્ષિપ્તતાને કારણે આ અવસ્થાને વિક્ષિપ્તાવસ્થા કહેલ છે. સામાન્ય બોલચાલની ભાષામાં અને આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં વિક્ષિપ્ત' શબ્દનો અર્થ વિકૃત કે અસમતોલ થાય છે. અહીં વિક્ષિપ્તાવસ્થાનો તેવો અર્થ લેવાનો નથી. અહીં તો સત્ત્વગુણનો ઉદ્રેક છે તેથીવિક્ષિપ્ત’ શબ્દ અહીં વિશિષ્ટ અને પારિભાષિક અર્થમાં વપરાયો છે તેમ સમજવું જોઈએ.

(4) એકાગ્રાવસ્થા:
આ અવસ્થામાં ચિત્ત રજોગુણ અને સત્ત્વગુણથી મુક્ત, સ્ફટિક જેવું શુદ્ધ બની જાય છે અને કોઈ પણ વિષયમાં સરળતાથી એકાગ્ર બની શકે છે. આ અવસ્થા સત્ત્વગુણી અવસ્થા છે. જ્યારે એક જ વિષયમાં સદૃશવૃત્તિઓનો પ્રવાહ ચિત્તમાં નિરંતર વહોતો રહે, ત્યારે તે અવસ્થાને એકાગ્રાવસ્થા કહે છે. એકાગ્રતા સત્ત્વગુણનું લક્ષણ છે. સત્ત્વગુણની પ્રધાનતા અને શૃુદ્ધિ-બંને આ અવસ્થામાં હોય છે, તેથી આ અવસ્થામાં એકાગ્રતા સહજ સુલભ બને છે. આ લક્ષણને કારણે આ અવસ્થાને એકાગ્રતાવસ્થા કહે છે.

વિક્ષિપ્તાવસ્થામાં સત્ત્વગુણની પ્રધાનતા છે, પરંતુ તેમાં રજોગુણજન્ય વિક્ષિપ્તતાનો અંશ રહે છે. એકાગ્રવસ્થામાં તે વિઘ્ન પણ દૂર થાય છે. વિક્ષિપ્તાવસ્થામાં એકાગ્રતા અને અનેકાગ્રતા બંને હોય છે. આ એકાગ્રાવસ્થામાં એકાગ્રતા સિદ્ધ થાય છે.

(5) નિરુદ્ધાવસ્થા:
પ્રકૃતિ-પુરુષના વિવેક દ્વારા કે સત-અસતના વિવેક દ્વારા જ્યારે સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે, ત્યારે પર વૈરાગ્યનો ઉદય થાય છે. આ અવસ્થામાં સર્વ વૃત્તિઓનો નિરોધ થાય છે, એટલું જ નહીં, પણ સર્વ સંસ્કારોનો બીજ સહિત વિલય થાય છે. આ અવસ્થા ગુણાતીત- અવસ્થા છે. સત્ત્વગુણ ઉત્તમ હોવાં છતાં આખરે તે એક ગુણ છે, યર્થાથ સાક્ષાત્કાર થઈ શકે નહીં. નિરુદ્ધાવસ્થા સ્વરૂપ-સાક્ષાત્કારની અર્થાત્‌‍ ત્રિગુણાતીત અવસ્થા છે.
એકાગ્રાવસ્થા અને નિરુદ્ધાવસ્થામાં આ પ્રમાણે ભેદ છે:

“એકાગ્રાવસ્થામાં માત્ર બાહ્ય વૃત્તિઓનો જ નિરોધ થાય છે, જ્યારે આંતરબાહ્ય બધી વૃત્તિઓ અને સંસ્કારોનો પણ નિરોધ થાય ત્યારે નિરુદ્ધાવસ્થા સિદ્ધ થાય છે. આ બંને અવસ્થાઓ યોગ (અધ્યાત્મ) માટે અનુકૂળ છે”
ચિત્તની આ પ્રથમ બે અવસ્થાઓ અધ્યાત્મ માટે ઉપયોગી નથી. તૃતીય અવસ્થામાં અધ્યાત્મનો પ્રારંભ છે અને છેલ્લી બે અવસ્થાઓ તો અધ્યાત્મની જ અવસ્થાઓ છે. નિરુદ્ધાવસ્થા મુક્ત પુરુષના ચિત્તની અવસ્થા ગણાય છે.
ચિત્તની અવસ્થાઓ- ભૂમિકાઓને તુલનાત્મક સ્વરૂપે નીચેની રીતે દર્શાવી શકાય તેમ છે.
મૂઢ નિદ્રા-તંદ્રા જડતાપ્રધાન કૃત્યાકૃત્યવિચારશૂન્યતા તમોગુણ
ક્ષિપ્ત વાસના રાગપ્રધાન વિષયોમાં રાગ રજોગુણ
વિક્ષિપ્ત એકાગ્રતા સિદ્ધ ધ્યાનયુક્ત અલ્પસમયની સ્થિરતા સત્ત્વગુણનોઅંશ
એકાગ્ર એકાગ્રતા સિદ્ધ સંપ્રજ્ઞાત સમાધિ લાંબા સમયની સ્થિરતા સત્ત્વગુણની શુદ્ધિ અને વૃદ્ધિ
નિરુદ્ધ ચિત્તનિરોધ અસંપ્રજ્ઞાત સમાધિ નિર્વિષય ગુણાતીત

6.ચિત્તના ક્લેશો :
યોગ માત્ર બૌદ્ધિક તત્ત્વજ્ઞાન નથી, પરંતુ જીવનના યથાર્થ સ્વરૂપનું દર્શન છે, જીવનની મૂળભૂત સમસ્યાઓને સમજાવનાર મનોવિજ્ઞાન છે. અને આ સમસ્યાએનું નિરાકરણ આપનાર સાધનપથ પણ છે. આ દૃષ્ટિકોણથી યૌગિક મનોવિજ્ઞાન ચિત્તના ક્લેશોને સમજાવે છે.

“અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ- આ પાંચ ક્લેશો છે.”
(1) અવિદ્યા:
અવિદ્યાનો અર્થ અહીં વ્યવહારિક કે પુસ્તકજ્ઞાનના અર્થમાં આપણે જેને અજ્ઞાન કહીએ છીએ તે નથી. એક મહાવિદ્વાન પણ અવિદ્યાથી બદ્ધ હોઈ શકે અને પુસ્તકજ્ઞાનથી અજાણ વ્યક્તિ પણ અવિદ્યાના પાશથી મુક્ત એટલે કે જ્ઞાની હોઈ શકે છે. અવિદ્યાનો અર્થ અહીં સ્વરૂપનું અજ્ઞાન છે.
અવિદ્યાની વ્યાખ્યા ભગવાન પતંજલિ આ રીતે આપે છે:

” અવિદ્યા એટલે અનિત્ય અશુચિ, દુ:ખ અને અનાત્મને અનુક્રમે નિત્ય, શુચિ, સુખ એ આત્મસ્વરૂપે જાણવાં”
અવિદ્યાની આથી સારી વ્યાખ્યા ભાગ્યે જ આપી શકાય. જે છે તેના મૂળ સ્વરૂપથી ભિન્ન સ્વરૂપે સમજવું તે અવિદ્યાનું મૂળ સ્વરૂપ છે. અહીં ચાર દ્વન્દ્વો છે. અનિત્ય એટલે જગત અને નિત્ય એટલે આત્મા. અશુચિ એટલે શરીર અને શુચિ એટલે શરીરઆત્મા. દુ:ખ એટલે દુન્યવી સુખ-દુ:ખો અને સુખ એટલે આત્માનંદ. અનાત્મા એટલે પ્રકૃતિનો પથારો અર્થાત્‌‍ જગત અને આત્મા એટલે પુરુષ.

ચારે દ્વન્દ્વોમાં મૂળ વાત એક જ છે કે પુરુષ અર્થાત્‌‍ આત્મા પોતાના મૂળ સ્વરૂપથી ચ્યુત થાય અને ચિત્તમાં પ્રતિબિંબિત થતા પોતાના પ્રતિબિંબ સાથે તાદાત્મય સાધે અને તેને જ પોતાનું મૂળ સ્વરૂપ સમજે તે જ અવિદ્યા છે. આ અવિદ્યા જ સર્વ દુ:ખોનું કારણ છે. પુરુષ શા માટે પોતાના સ્વરૂપને ભૂલી જાય છે? આ પ્રશ્નો ઉત્તર આપવાના અનેક પ્રયત્નો થયા છે, પરંતુ માત્ર બૌદ્ધિક ભૂમિકાએ આ પ્રશ્નો સંતોષકારક ઉત્તર મેળવવાનું શક્ય નથી.
બીજા ચાર ક્લેશોનું મૂળ પણ અવિદ્યા છે.

“પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન અને ઉદાર- આ ચાર અવસ્થાવાળા અસ્મિતાદિ ચારે ક્લેશોનું અવિદ્યા મૂળ કારણ છે.”
(2) અસ્મિતા :

” અસ્મિતા એટલે દૃક્શક્તિ (પુરુષ) અને દર્શનશક્તિ (ચિત્ત) વચ્ચે એકાત્મતા.”
અવિદ્યાને કારણે પુરુષ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે અને ચિત્તના એક સ્વરૂપ અહંકાર સાથે એકાત્મતા સાધે છે. આત્માની અહંકાર સાથેની એકાત્મતા તે જ અસ્મિતા છે.
અસ્મિતા એટલે અલગતાનું ભાન (તયક્ષતય જ્ઞર `ઈં’ ક્ષયતત). આ ભાન એટલું ઊંડું છે કે તેને જ સત્ય માનીને બધા વ્યવહાર થાય છે. આ અસ્મિતાને જ અન્ય પરિભાષામાં ચિજ્જડ- ગ્રંથિ પણ કહે છે.

(3) રાગ :
“રાગ એટલે સુખની ઈચ્છા.”
કોઈ પણ પદાર્થ, વ્યક્તિ કે પરિસ્થિતિનો અનુભવ જ્યારે વ્યક્તિ માટે સુખદ થાય ત્યારે ફરીફરી તેવો અનુભવ મેળવવાની ઈચ્છા થયા કરે છે. આ સુખપ્રાપ્તિની ઈચ્છા તે જ રાગ છે. રાગ સુખ માટે હોવા છતાં તેમાંથી દુ:ખ જ જન્મે છે, કારણ કે રાગ દ્વારા આપણે જે જ્યાં નથી ત્યાં તેને શોધીએ છીએ અર્થાત્‌‍ રાગના પાયામાં અવિદ્યા છે.
આત્મા પોતાના મૂળ સ્વરૂપના આનંદથી ચ્યુત થયો છે એટલે સુખની પાછળ પડ્યો છે, તેથી કહેવાતાં સુખો પણ આખરે તો દુ:ખો જ સિદ્ધ થાય છે.

(4) દ્વેષ :
” દ્વેષ એટલે દુ:ખ પ્રત્યે ઘૃણા”
કોઈ પણ પદાર્થ, વ્યક્તિ કે પરિસ્થિતિનો અનુભવ જ્યારે વ્યક્તિ માટે દુ:ખદ બને ત્યારે તેમના પ્રત્યે ઘૃણાનો ભાવ રહે છે અને તેમનાથી દૂર રહેવાની ઈચ્છા રહે છે, એટલું જ નહીં, પરંતુ તે વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે ચિત્તમાં ક્રોધ રહે છે. ચિત્તના આ ભાવને દ્વેષ કહે છે. દ્વેષ મૂલત: દુ:ખમુક્તિ માટેનો પ્રયત્ન છે, છતાં તે દુ:ખનું કારણ બને છે, કારણ કે દ્વેષજન્ય પ્રયત્ન ખોટી દિશાને પ્રયત્ન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button