હું ડોક્ટર નથી તેમ છતાં દોઢ વર્ષ પહેલાં મેં મોટું ઓપરેશન કર્યું, કેટલાકના કમર અને ગળાના પટ્ટા ઉતારી નાખ્યા: એકનાથ શિંદે
વિદર્ભની સાતેય બેઠક પર મહાયુતિના વિજયનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે એમ મહારાષ્ટ્રમાં તેનો રંગ બરાબરનો જામ્યો છે. મહાવિકાસ વિઘાડી પાસે કોઇ એજન્ડા ન હોવાનું જણાવીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિદર્ભની સાતેય બેઠક પર મહાયુતિનો વિજય નિશ્ર્ચિત છે એવો દાવો કર્યો હતો.
મહાવિકાસ આઘાડીના પક્ષો પાસે ન તો કોઈ ઝંડો છે કે ન તો કોઈ એજન્ડા. કોંગ્રેસ, શિવસેના ઠાકરે જૂથ અને એનસીપીના શરદ પવાર જૂથ તેમના પોતાના પક્ષને બચાવી શક્યા નથી, એવા શબ્દોમાં મહાવિકાસ આઘાડીની આકરી ઝાટકણી કાઢતાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેમણે પોતાની પાર્ટીનું સંચાલન યોગ્ય રીતે કરવું જોઈએ. નાગપુરમાં તેમણે મહાવિકાસ અઘાડીની ટીકા કરતાં જણાવ્યું હતું કે રાજ્યની બાકીની બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત આગામી બે દિવસમાં કરવામાં આવશે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે વિદર્ભમાં મહાયુતિને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે મહાયુતિ વિદર્ભની તમામ બેઠકો જીતશે. વિદર્ભના લોકોની મોદીજીને ગેરંટી છે. રામટેક લોકસભા મતવિસ્તારના શિંદે સેનાના ઉમેદવાર રાજુ પારવેના પ્રચાર માટે તેઓ નાગપુરમાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે વિદર્ભમાં રામટેક, યવતમાળ, વાશિમ મહાયુતિ ગઠબંધન મોટા મતોથી જીતશે. તેમણે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે મહાયુતિ વિદર્ભની તમામ બેઠકો જીતશે.
આદિત્ય ઠાકરે વિશેના સવાલ પર એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેમની પાસે અત્યારે બીજું કોઈ કામ નથી. શિંદેએ વ્યંગાત્મક રીતે આગળ કહ્યું હતું કે બીજાના ઘરમાં ડોકિયું કરવાને બદલે પોતાના ઘરમાં શું ચાલી રહ્યું છે તે જોવું જોઈએ.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાગપુરમાં મેડિકલ પ્રોફેશનલ્સ સાથેની ચર્ચામાં એવું આશ્ર્વાસન આપ્યું હતું કે તેઓ ડોકટરોની સમસ્યાઓના નિરાકરણ માટે તમામ પ્રયાસ કરશે. એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંકતા કહ્યું હતું કે કોરોનાના સમયમાં ડોક્ટરોએ દેવદૂતની જેમ કામ કર્યું હતું. જો કે હું ડોક્ટર નથી પરંતુ મેં દોઢ વર્ષ પહેલાં કેટલાક લોકોની કમર અને ગળાના પટ્ટાઓ દૂર થઈ જાય એવા મોટા ઓપરેશન કર્યા છે. શિંદેએ કહ્યું હતું કે ડોક્ટરોની સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો ચાલુ છે.
આપણી આરોગ્ય વ્યવસ્થા સારી રીતે સજ્જ હોવી જોઈએ. ભલે ગમે તેટલી સરકારી હોસ્પિટલો હોય, પરંતુ વસ્તીના પ્રમાણને ધ્યાનમાં લેતાં ખાનગી હોસ્પિટલોની જરૂર છે. શિંદેએ કહ્યું હતું કે સરકાર ડોકટરોની માગણી મુજબ નવી હોસ્પિટલોની નોંધણીમાં પડતી મુશ્કેલીઓ ઘટાડવાનો પ્રયાસ કરશે. શિંદેએ એમ પણ કહ્યું હતું કે સરકાર હોસ્પિટલોની સુવિધા માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ અંગે પણ નિર્ણય લેશે.