પી.કે.ની સલાહ સાચી પણ રાહુલ માને તો ને?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
લોકસભાની ચૂંટણીનો રંગ જામી રહ્યો છે ત્યારે રાજકીય વ્યૂહરચનાકાર અને બિહારમાં જન સુરાજ અભિયાન ચલાવી રહેલા પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને બહુ મહત્ત્વની સલાહ આપી છે. પ્રશાંત કિશોરનું કહેવું છે કે, લોકસભાની આ ચૂંટણીમાં કૉંગ્રેસ ધાર્યા પ્રમાણેનો સારો દેખાવ ના કરી શકે તો રાહુલે એક ડગલું પાછળ હટી જવું જોઈએ. મતલબ કે, કૉંગ્રેસમાં બીજા લોકોને નેતૃત્વ કરવાની તક આપવી જોઈએ. પી.કે.નું કહેવું છે કે, રાહુલ ગાંધી છેલ્લા એક દાયકાથી કૉંગ્રેસ પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે પણ ઈચ્છિત પરિણામ લાવવામાં સફળ રહ્યા નથી એ જોતાં તેમણે પાછા હટી જવાની જરૂર નથી.
પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને એક ડગલું પાછળ હટી જવાની સલાહ આપી તેનો અર્થ શો? પ્રશાંત કિશોરે એ પણ સ્પષ્ટ કરી દીધું છે. પ્રશાંત કિશોરની સલાહ છે કે, 1991માં રાજીવ ગાંધીની હત્યા પછી સોનિયા ગાંધીએ પોતાની જાતને સાવ સંકોરી લીધેલી ને રાજકારણથી અલિપ્ત થઈ ગયાં હતાં એ રીતે રાહુલે પણ રાજકારણથી સાવ અલિપ્ત થઈ જવું.
સોનિયા ગાંધી રાજીવ જીવતા હતા ત્યારે પણ રાજકારણથી અલિપ્ત જ હતાં. સોનિયા ગાંધી પોતે તો રાજકારણમાં આવવા નહોતાં માગતાં જ પણ રાજીવ ગાંધીને પણ રાજકારણમાં જવા દેવા નહોતાં માગતાં કે પોતાના પરિવારને પણ રાજકારણથી દૂર રાખવા માગતા હતા. આ કારણસર જ રાજીવની હત્યા પછી કૉંગ્રેસીઓ તેમને હાથપગ જોડીને વિનવી આવેલા કે અમારા પર મહેરબાની કરો અને કૉંગ્રેસનો કારભાર સંભાળો પણ સોનિયા મેડમે મચક નહોતી આપી. એ રાજકારણથી સાવ દૂર થઈ ગયાં અને તેના કારણે નરસિંહરાવને લોટરી લાગતાં વડા પ્રધાન થઈ ગયા.
પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને આ રીતે જ રાજકારણથી અલિપ્ત થઈ જવાની સલાહ આપી રહ્યા છે. રાહુલ ગાંધી કૉંગ્રેસની તમામ બાબતોથી દૂર થઈ જાય અને કોઈ પણ બાબતમાં માથું જ ના મારે એવો છે. મતલબ કે, કૉંગ્રેસીઓને જે કરવું હોય એ કરે, મારે કંઈ લેવાદેવા નથી એમ સમજીને રાહુલ પોતાનું કામ કરે. કૉંગ્રેસે જે પણ નીતિવિષયક નિર્ણયો લેવા હોય એ પોતાની રીતે લે. પ્રશાંત કિશોરે તો એમ પણ કહ્યું છે કે, રાહુલને પોતાને બધી ખબર છે એવું લાગે છે. આ અભિગમ પણ તેમણે બદલવાની જરૂર છે, બાકી એ કદી સારા નેતા નહીં બની શકે.
પ્રશાંત કિશોરની સલાહ રસપ્રદ પણ છે અને સાવ પણ સાચી છે. રાહુલ સાવ નિષ્ફળ નેતા છે તેમાં બેમત નથી. રાહુલ 2004માં પહેલી વાર લોકસભાની ચૂંટણી લડ્યા અને 2014 પહેલાં તો સોનિયા ગાંધીના રાજકીય વારસ તરીકે તૈયાર થઈ ગયેલા તેથી એક દાયકાથી રાહુલ કૉંગ્રેસના નેતૃત્વમાં કેન્દ્રસ્થાને છે જ. આ ગાળામાં કૉંગ્રેસ સાવ પતી ગઈ છે તેમાં બેમત નથી.
કૉંગ્રેસ 2014ની લોકસભા ચૂંટણી સત્તાવાર રીતે સોનિયા ગાંધીના નેતૃત્વમાં લડી હતી પણ પદડા પાછળના મુખ્ય ખેલાડી રાહુલ ગાંધી જ હતા. એ વખતે કૉંગ્રેસને સાવ 44 બેઠકો મળી હતી. કૉંગ્રેસના ઈતિહાસમાં આટલી ઓછી બેઠકો કોઈ વખત નથી મળી ને આટલી બેઠકો તો પ્રાદેશિક પક્ષો લઈ આવે છે. 2019ની લોકસભા ચૂંટણી વખતે તો કૉંગ્રેસના પ્રમુખ તરીકે સત્તાવાર રીતે રાહુલ ગાંઘી હતા ને છતાં કશું ના વળ્યું. રાહુલના નેતૃત્વમાં કૉંગ્રેસ સાવ 54 બેઠકો પર આવીને લબડી ગઈ હતી. રાહુલના કાર્યકાળમાં કૉંગ્રેસનું રાજ્યોમાં પણ જબરદસ્ત ધોવાણ થયું જ છે એ જોતાં રાહુલને નિષ્ફળ નેતા પણ ગણવા પડે.
રાહુલ નિષ્ફળ છે એ તો ઠીક પણ પક્ષને બેઠકો કરવા માટે જરૂરી ઝનૂન પણ તેમનામાં નથી. રાહુલમાં ચોવીસ કલાક કામ કરવાની તાકાત જ નથી. એ વચ્ચે વચ્ચે વેકેશન માળવાના બહાને રામ જાણે ક્યાં ગાયબ થઈ જાય છે. પક્ષ ચલાવવો હોય તો ચોટલી બાંધીને બેસવું પડે ને સતત હાજર રહેવું પડે પણ રાહુલમાં એ કેપેસિટી જ નથી. આ વાત છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં અને દસ વરસમાં સાબિત થઈ જ છે એ જોતાં પ્રશાંત કિશોર રાહુલને નિષ્ફળ ગણાવે તેમાં કશું ખોટું નથી. હવે 2024ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને ત્રીજી તક મળી રહી છે ત્યારે પણ એ કૉંગ્રેસને ફરી બેઠી ના કરી શકે તો તેને કૉંગ્રેસના નેતૃત્વમાં હિસ્સેદારીનો અધિકાર જ નથી. આ સંજોગોમાં પી.કે. કહે છે એ રીતે રાહુલે એક ડગલું પાછળ જતા રહીને કૉંગ્રેસનું ભલું શેમાં છે એ વિચારવું જોઈએ. રાહુલ ખસે તો ભાજપ પણ કૉંગ્રેસ પર વંશવાદનો સતત આક્ષેપ મૂકે છે તે મૂકતી બંધ થાય ને લોકોના માનસમાંથી કૉંગ્રેસની નકારાત્મક છાપ હટે. એ રીતે પણ રાહુલનું હટી જવું કૉંગ્રેસના ફાયદામાં છે.
પી.કે.ની સલાહ સાચી છે પણ સવાલ રાહુલ માને કે નહીં તેનો છે. રાહુલની માનસિકતા જોતાં એ આ વાત માને એ વાતમાં જરાય માલ નથી. સોનિયા ગાંધી રાજીવની હત્યા પછી હટી ગયાં કેમ કે એ પહેલેથી રાજકારણને નફરત કરતાં હતાં પણ રાહુલ તો રાજકારણમાં ગળાડૂબ છે. બીજું એ કે, રાહુલ રાજકારણમાંથી ખસે તેનો મતલબ એ થાય કે તેણે પોતાની નિષ્ફળતા સ્વીકારી લીધી. કોઈ પણ વ્યક્તિ પોતાની નિષ્ફળતા સ્વીકારી લે એ માટે તેનામાં બહુ નૈતિક તાકાત જોઈએ પણ રાહુલ ગાંધીમાં એ તાકાત જ નથી તેથી રાહુલ ના ખસે.
રાહુલ કમને તૈયાર થાય તો પણ કૉંગ્રેસના તેમના ચમચા ખસવા દે તેમ નથી. રાહુલે 2019ની લોકસભાની ચૂંટણીમાં કશું ના ઉકાળ્યું એટલે તેમણે સામેથી રાજીનામું આપેલું. રાહુલે લીધેલો નિર્ણય બરાબર હતો. તેમના નેતૃત્વમાં કૉંગ્રેસનું અચ્યુતમ કેશમ થઈ ગયું તેની નૈતિક જવાબદારી તેમણે સ્વીકારીને રાજીનામું ધરી દીધું. કૉંગ્રેસીઓના મનાવ્યા છતાં એ ના માન્યા પછી કૉંગ્રેસીઓએ આગળ વધી જવાની જરૂર હતી પણ કૉંગ્રેસીઓમાં ખાનદાનની ગુલામી એ હદે ઘર કરી ગઈ છે કે, એ લોકો આગળ વધવાના બદલે પાછા વળ્યા. ફરીને નહેરુ-ગાંધી ખાનદાનના શરણે જ ગયા ને બે વરસ પહેલાં પ્રમુખપદ છોડી ચૂકેલાં સોનિયાને પ્રમુખ બનાવી દીધાં હતાં. રાહુલના કિસ્સામાં પણ એવું જ થાય. કરોડરજ્જુ વિનાના કૉંગ્રેસીઓ રાહુલને ગમે ત્યાંથી ગોતીને પણ આગળ કરી જ દે કેમ કે રાહુલમાં તેમને નિષ્ફળતા થોપવા માટે બલિનો બકરો મળી ગયો છે.